ભરત ભારદ્વાજ
જમ્મુ અને કાશ્મીરમાં ફરી એક વાર હિંદુઓને નિશાન બનાવીને ગોળીએ દેવાની ઘટના બની ગઈ. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં ઈંટના ભઠ્ઠા પર સંખ્યાબંધ કામદારો કામ કરી રહેલા. આતંકવાદીઓ આ ભઠ્ઠા પર આવ્યા ને તેમાંથી માત્ર બે હિંદુને અલગ કરીને ગોળીએ દઈ દીધા. તેમાંથી દીપક નામનો 24 વર્ષનો હિંદુ છોકરો તો ત્યાં જ મરી ગયો જ્યારે 28 વર્ષનો ભૂપેન્દ્ર ગંભીર રીતે ઘાયલ થયો. ભઠ્ઠાના માલિકે તેને હોસ્પિટલમાં પહોંચાડ્યો પણ તેની હાલત ગંભીર છે ને મોત સામે ઝઝૂમી રહ્યો છે.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદની બીજી ઘટનાઓ પણ બને છે પણ આતંકવાદીઓ હિંદુઓને ખાસ નિશાન બનાવી રહ્યા છે એ ગંભીર છે. હજુ 10 દિવસ પહેલાં જ એટલે કે 21 જુલાઈએ અનંતનાગના લાલ ચોક વિસ્તારમાં આતંકી હુમલો થયો હતો તેમાં પણ અમરનાથ યાત્રાના યાત્રાળુઓને નિશાન બનાવાયા હતા. આતંકવાદીઓએ ગોળીબાર કર્યો તેનો અમરનાથ યાત્રાની સુરક્ષા ડ્યૂટીમાં તહેનાત પોલીસોએ સામો ગોળીબાર કરીને જવાબ આપ્યો તેથી શ્રદ્ધાળુ તો બચી ગયા પણ હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશી શહીદ થઈ ગયા.
આ ઘટનાઓએ ફરી સાબિત કર્યું છે કે, જમ્મુ અને કાશ્મીરમાં કશું બદલાયું નથી. ભાજપની કહેવાતી હિંદુવાદી સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને કલમ 35એની નાબૂદીને પોતાની મોટી સિધ્ધી ગણાવે છે. કાગળ પર આ સિદ્ધિ મોટી કહેવાય કેમ કે તેના કારણે દેશના કોઈ પણ નાગરિક માટે કાનૂની રીતે જમ્મુ અને કાશ્મીરમાં જઈને સંપત્તિ ખરીદવાનો અને વસવાટ કરવાનો માર્ગ મોકળો થઈ ગયો પણ વાસ્તવિક રીતે સ્થિતિ શું છે?
5 ઓગસ્ટ, 2019ના રોજ સંસદમાં કલમ 370ની નાબૂદી માટેનો ખરડો પસાર કરાયો હતો એ જોતાં 2 દિવસ પછી આ વાતને સાત વર્ષ પૂરાં થઈ જશે. આ સાત વર્ષ પછી વાસ્તવિકતા શું છે? જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ 370 અને જમ્મુ અને કાશ્મીરના નાગરિકોને વિશેષાધિકારો આપતી કલમ 35એની નાબૂદી માત્ર કાગળ પર જ છે, વાસ્તવિક રીતે 2019 પહેલાં હતી એવી જ સ્થિતી છે. હિંદુઓ આજેય કાશ્મીરમાં રહી શકતા નથી.
કાશ્મીર ફાઈલ્સ મૂવી આવી ત્યારે હિંદુવાદીઓમાં હિંદુત્વ અને દેશપ્રેમનો જુવાળ આવી ગયેલો. આ જુવાળ સોશ્યલ મીડિયા પર જ હતો એ અલગ વાત છે. મીડિયામાં એ વખતે 1990ના દાયકામાં હિંદુઓ પર કેવા અત્યાચારો થયેલા, હિંદુઓને શોધી શોધીને મરાયેલા તેની કાળજું કંપાવી દે એવી વાતો પ્રસિદ્ધ થયેલી.
જમ્મુ અને કાશ્મીરની મસ્જિદોમાંથી હિંદુઓને કાશ્મીર છોડી જવા ધમકીઓ અપાયેલી ને આપણી બાયલી સરકાર હિંદુઓનું રક્ષણ ના કરી શકતાં હિંદુઓએ પહેરેલાં લૂગડે ભાગવું પડ્યું એ ઘટનાઓ આઝાદ ભારતના કલંકિત પ્રકરણોમાંથી એક છે. આ ઘટનાઓ સામે દેશભરના હિંદુઓમાં એ વખતે જ પ્રચંડ આક્રોશ પેદા થવો જોઈતો હતો પણ એવું ના થયું.
જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીએ કલમ 370નો અને એક દેશમાં બે બંધારણનો વિરોધ કરવા 1953માં જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમની ધરપકડ થયેલી. આ ધરપકડ પછી જેલમાં જ તેમનું મૃત્યુ થયું એ આખું અલગ પ્રકરણ છે પણ શ્યામાપ્રસાદ મુખરજીમાં સરકાર સામે પડીને કાશ્મીરમાં ઘૂસવાનો પ્રયત્ન કરવાની મર્દાનગી હતી.
જનસંઘમાંથી જન્મેલા ભાજપના નેતાઓ કે પોતાને હિંદુવાદી કહેવડાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓમાં શ્યામાપ્રસાદ મુખરજી જેવી મર્દાનગી નહોતી એટલે કાશ્મીરમાંથી હિંદુઓને ભગાડવામાં આવતા હતા ત્યારે તેમણે ચૂપચાપ તમાશો જોયો. હિંદુઓની બહેન-દીકરીઓ પર બળાત્કાર થતા હતા ને હિંદુ યુવકોની હત્યાઓ થતી હતી ત્યારે મૌન રહ્યા.
બાકી એ વખતે આ દેશમાંથી એક લાખ હિંદુઓ કાશ્મીરમાં ઠલવાઈ ગયા હોત તો કોઈની તાકાતા નહોતી કે હિંદુઓને કાશ્મીરમાંથી ભગાડી શકે પણ કહેવાતા હિંદુવાદીઓએ ઈન્ડિયન આર્મીની સુરક્ષામાં શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ઝંડો ફરકાવીને કાશ્મીર માટે બહુ બધું કરી નાખ્યું હોવાનો સંતોષ માન્યો, કાશ્મીરના હિંદુઓની રક્ષા માટે કે કાશ્મીરના કટ્ટરવાદી-ધર્માંધ મુસ્લિમોની સામે હિંદુઓ ઝીંક ઝીલી શકે એ માટે તેમની પડખે ઊભું રહેવા કોઈ ગયું નહીં.
ખેર, આ બધી જૂની વાતો પર અત્યારે અફસોસ કરવાનો કોઈ અર્થ નથી પણ એ વાતનો અફસોસ ચોક્કસ થાય કે, કહેવાતી હિંદુવાદી સરકાર આવી પછી પણ સ્થિતિ બદલાઈ નથી. 1994માં પણ હિંદુઓને તેમના નામ અને ધર્મ પૂછીને ગોળીએ દેવાતા હતા ને 32 વર્ષ પછી 2026માં પણ હિંદુઓને તેમનો ધર્મ પૂછીને ગોળીએ દેવાય છે તો શું બદલાયું? વરસ પહેલાં પહેલગામમાં ધર્મ પૂછીને 26 હિંદુ પ્રવાસીઓને ગોળીએ દેવાયેલા. 10 દિવસ પહેલાં અનંતનાગમાં બનેલું ને હવે કુલગામમાં બન્યું છે.
જમ્મુ અને કાશ્મીરમાં 1994માં હજારો હિંદુ હતા તેથી સેંકડોની હત્યા થયેલી. હવે કાશ્મીરમાં રડ્યાખડ્યા હિંદુ રહ્યા છે તેથી તેમને શોધી શોધીને મરાઈ રહ્યા છે. અગેઈન. સવાલ એ જ છે કે, કલમ 370ની નાબૂદી પછી પણ કાશ્મીરમાં 1994 જેવી જ સ્થિતિ હોય ને હિંદુ સલામત ના હોય તો બદલાયું શું?
આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે સરકાર તો કશું બોલતી જ નથી પણ સરકાર વતી ભાજપ સમર્થકો ટિપિકલ એક જ જવાબ આપતા હોય છે કે, બધું રાતોરાત ના બદલાય. સાત વર્ષનો સમયગાળો રાતોરાત કહેવાય ? સાત વર્ષમાં મૂળ કાશ્મીરી હિંદુઓને તો પાછા વસાવી શકાયા જ નથી. એ તો શરમજનક વાત કહેવાય જ પણ વખાના માર્યા બીજા હિંદુઓ હિંમત કરીને કાશ્મીરમાં જાય છે તો તેમને પણ બચાવી શકાતા નથી.
આતંકવાદીઓ તેમના સુધી પહોંચી જ જાય છે ને તેમને ગોળીએ દે છે તેનો મતલબ એ થયો કે, કાશ્મીરમાં કોણ આવે છે, કોણ જાય છે તેની રજેરજ માહિતી આતંકવાદીઓને મળી જાય છે. આ માહિતી ડરના કારણે મળે છે કે કાશ્મીરના મુસ્લિમો આપે છે એ ખબર નથી પણ સરકાર સાત વર્ષમાં આતંકવાદીઓના નેટવર્કને તોડી શકી નથી તેનો આ પુરાવો છે.
કલમ 370 નાબૂદ થઈ ત્યારે શ્રીનગરમાં વડા પાંઉ ને દાબેલીની લારીઓ શરૂ કરવાની વાતો કરનારા અત્યારે શોધ્યા જડતા નથી. કલમ 370ની નાબૂદીને કારણે કાશ્મીર મુખ્ય પ્રવાહમાં આવી જશે એવો આશાવાદ રાખનારા પણ ચૂપ છે કેમ કે આ સરકારે તેમને પણ ખોટા સાબિત કર્યા છે ને બીજી તરફ હિંદુઓ હજુય મરી રહ્યા છે. હિંદુ હોવાની કિંમત ચૂકવી રહ્યા છે કેમ કે હિંદુવાદીઓમાં તેમને બચાવવાની તાકાત નથી, હિંદુવાદી સરકારમાં આતંકવાદીઓ હિંદુને હાથ અડાડતાં પહેલાં સો વાર વિચાર કરે એવો ખૌફ પેદા કરવાની ત્રેવડ નથી.