બેંગલુરુ: તાજેતરમાં જ દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓમાં મતદાન થયું અને ખાસ કરીને પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં સત્તામાં મોટું પરિવર્તન જોવા મળ્યું. અન્ય રાજ્યોમાં હારેલી કોંગ્રસ પાર્ટીએ કેરળમાં સત્તા કબજે કરી હતી. પણ મુખ્ય પ્રધાન પદના ચહેરા માટે કોંગ્રેસના નેતાઓએ ખૂબ સાંધા જોડવા પડ્યા હતા. માંડ માંડ કરીને કોંગ્રેસે કેરળના ઘીના વાસણમાં ઘી પાડ્યું છે, ત્યારે હવે કર્ણાટકમાં કોંગ્રેસે દબાવી રાખેલ કકળાટનો ફરીથી સામનો કરવો પડી શકે છે.
મળતી વિગતો અનુસાર, કોંગ્રેસ પક્ષની આંતરિક મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. કેરળના મુખ્ય પ્રધાન પદ માટે છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા મંથન બાદ, ત્રણ દાવેદારોમાંથી એક નેતાની પસંદગી કરીને કોંગ્રેસે માંડ કેરળનો મામલો ઉકેલ્યો છે, ત્યાં જ પાડોશી રાજ્ય કર્ણાટકમાં સત્તા માટેનો રાજકીય વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટક કોંગ્રેસની અંદર મુખ્ય પ્રધાન પદને લઈને ચાલી રહેલી ખેંચતાણ ફરી એકવાર સપાટી પર આવી ગઈ છે, જે પક્ષ હાઈકમાન્ડ માટે નવો પડકાર સાબિત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કર્ણાટકમાં સીએમ પદને લઈને શરૂ થયેલા વિવાદને કોંગ્રેસે થોડા સમય માટે શાંત કરી દીધો હતો, કારણ કે તે સમયે પક્ષનું પૂરું ધ્યાન ચૂંટણીવાળા રાજ્યો પર કેન્દ્રિત હતું. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એક મોટો વિવાદ ત્યારે સામે આવ્યો હતો, જ્યારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમાર વચ્ચે કથિત રીતે સત્તાની વહેંચણીને લઈને ગજગ્રાહ શરૂ થયો હતો. તે સમયે કોંગ્રેસ હાઈકમાન્ડ કોઈ કાયમી કે નક્કર ઉકેલ લાવ્યા વિના જ આ સંકટને વચગાળા માટે ટાળવામાં સફળ રહ્યું હતું.
હવે જ્યારે કેરળનો સીએમ પદનો મામલો ઘણી હદ સુધી થાળે પડી ગયો છે, ત્યારે પક્ષના મોવડી મંડળનું ધ્યાન ફરી એકવાર કર્ણાટક તરફ વળ્યું છે. કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમાર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી આ રાજકીય લડાઈ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. કેરળ બાદ હવે કર્ણાટકના આ આંતરિક અસંતોષને શાંત કરવો એ કોંગ્રેસ નેતૃત્વ માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેશે.