(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાંદિવલીના ઘરમાં ચોરીને ઇરાદે ઘૂસેલા ચોરોને કોઈ કીમતી વસ્તુ હાથ ન લાગતાં બે ગૅસ સિલિન્ડર ઉઠાવી ગયા હતા. સમતાનગર પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીઓની ઓળખ મેળવી સાત દિવસમાં જ ત્રણની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ સુમિત સંજીત સિંહ, ચંદન સુનીલ તિલક અને શિવમ બલદેવ તિવારી ઉર્ફે ગોર્યા તરીકે થઈ હતી. પોલીસે ચોરાયેલાં બન્ને સિલિન્ડર પણ જપ્ત કર્યાં હતાં. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી રેશમા ભુવડ (49) પરિવાર સાથે કાંદિવલી પૂર્વમાં કાજુપાડા ખાતે ગાંવદેવી રોડ પરની ગોવિંદ મિસ્ત્રી ચાલમાં રહે છે. તે ઘરકામ કરે છે, જ્યારે પતિ રામચંદ્ર ભુવડ ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે.
ફરિયાદ અનુસાર પચીસ ઑગસ્ટની સવારે નવ વાગ્યાની આસપાસ રેશમા પતિ અને દીકરા સાથે કામ નિમિત્તે ઠાકુર કૉમ્પ્લેક્સ જવા ઘરેથી નીકળી હતી. જોકે ઘરેથી નીકળતી વખતે પરિવારજનો મુખ્ય દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા હતા. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ રેશમા ઘરે પાછી ફરી ત્યારે ચોરીની જાણ થઈ હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓ ચોરીને ઇરાદે ઘરમાં ઘૂસ્યા હતા, પરંતુ આખું ઘર ખૂંદી વળ્યા છતાં કોઈ કીમતી વસ્તુ મળી નહોતી. આખરે એલપીજીનાં બે સિલિન્ડર ચોરી આરોપી ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણે ગુનો નોંધાતાં જ પોલીસે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીઓની ઓળખ મેળવી હતી.
ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે ત્રણેયને તાબામાં લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો. ચોરેલાં સિલિન્ડર આરોપીઓએ એક ચાવાળાના સ્ટૉલમાં મૂક્યાં હતાં અને બે દિવસ પછી લઈ જવાની ખાતરી આપી હતી.