Mon Oct 05 2026

Logo

ડ્રગ ઈન્સ્પેક્ટરની પરીક્ષાના પેપર લીક મુદ્દે થશે કડક કાર્યવાહીઃ ફડણવીસે કહ્યું કોઈને પણ નહીં છોડાય...

2026-09-06 21:16:47
Author: Mumbai Samachar Team
ડ્રગ ઈન્સ્પેક્ટરની પરીક્ષાના પેપર લીક મુદ્દે થશે કડક કાર્યવાહીઃ ફડણવીસે કહ્યું કોઈને પણ નહીં છોડાય...

મુંબઈ: મહારાષ્ટ્ર લોકસેવા આયોગ (એમપીએસસી)ની પરીક્ષા પદ્ધતિ અને તાજેતરમાં ઔષધ નિરીક્ષક પદ માટેની પ્રશ્નપત્રિકા લીક થવાના મામલે સ્પર્ધાત્મક પરીક્ષાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિમંડળે આજે સવારે મુંબઈમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને સુરક્ષા વધારવા સહિતની વિવિધ માગણીઓ રજૂ કરવામાં આવી હતી.

દેશમાં નીટના પ્રશ્નપત્ર લીક બાદ મોટા પાયે આંદોલન થયું હતું. દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા આંદોલનને દેશભરમાંથી સમર્થન મળ્યા બાદ કેન્દ્રીય શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ પણ ઉઠી હતી. ત્યારબાદ પણ મહારાષ્ટ્રમાં સીઈટી અને એમપીએસસીની પરીક્ષાઓમાં પ્રશ્નપત્ર લીકની ઘટનાઓ સામે આવી છે.

એમપીએસસીને દેશની સૌથી પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા સંસ્થાઓમાંની એક તરીકે જોવામાં આવે છે. જોકે, એમપીએસસીની ઔષધ નિરીક્ષક પદ માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થતાં પરીક્ષા વ્યવસ્થા અંગે ફરી સવાલો ઊભા થયા છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં છથી વધુ આરોપીઓની ધરપકડ કરી હોવાનું જણાવાયું છે.

મુખ્ય પ્રધાન સાથેની મુલાકાત દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પરીક્ષા પદ્ધતિમાં જરૂરી સુધારા અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં શિક્ષકો સચિન ઢવળે, યશવંત સોલાટ, ધનંજય મતે, ગણેશ કડ, ઉમેશ કુડળે તેમ જ વિદ્યાર્થી ચળવળના કાર્યકર નિખિલ પાટીલ સહિત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

વિદ્યાર્થીઓની માંગણીઓને પ્રાથમિકતા આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે એમપીએસસી પ્રશ્નપત્ર લીકના ગેરરીતિના કેસમાં આયોગની અંદરની કે બહારની કોઈ પણ વ્યક્તિની સંડોવણી સામે આવશે તો તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને દોષિતોને કઠોર સજા કરવામાં આવશે.

મુખ્ય પ્રધાન ફડણવીસે જણાવ્યું હતું કે પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક અને મજબૂત બનાવવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવા રાજ્ય સ્તરે સામાન્ય વહીવટ વિભાગના વધારાના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં યુપીએસસીના ભૂતપૂર્વ સભ્ય, પોલીસ મહાનિર્દેશક, આઈઆઈટીના પ્રોફેસરો તેમજ અન્ય અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગેનો સરકારી આદેશ પણ બહાર પાડવામાં આવ્યો છે.

સમિતિ સમગ્ર રાજ્યમાં વિવિધ વિભાગોમાં જઈને વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને પરીક્ષા પ્રક્રિયા સાથે સંકળાયેલા અન્ય લોકો સાથે ચર્ચા અને સલાહ-મશવરો કરશે. આ સમિતિ પુણેની પણ મુલાકાત લેશે અને ત્યાં વિદ્યાર્થીઓ તથા અન્ય સંબંધિત લોકો પાસેથી સૂચનો મેળવશે. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત બનાવવા માટે એક તરફ પ્રક્રિયાત્મક સુધારા કરવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ કડક કાયદાઓ પણ બનાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓ સામે સરકાર કડક કાર્યવાહી કરશે.

ઔષધ નિરીક્ષક પરીક્ષાની પ્રશ્નપત્રિકા લીક થવાના કેસની પણ સરકારે ગંભીર નોંધ લીધી છે. આ મામલે પોલીસ દ્વારા ઝડપી તપાસ ચાલી રહી છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આગળની તપાસ ચાલુ છે. 

ફડણવીસે આશ્વાસન આપતા કહ્યું કે આ ગેરરીતિમાં આયોગની અંદરની કે બહારની જે કોઈ વ્યક્તિની સંડોવણી સામે આવશે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઈમાનદારીથી મહેનત કરતા વિદ્યાર્થીઓના પરિશ્રમને યોગ્ય ન્યાય મળે તેવા સુધારા સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

વિદ્યાર્થીઓ સાથે કોઈ અન્યાય થવા દેવામાં આવશે નહીં. પરીક્ષા વ્યવસ્થા અંગે વિદ્યાર્થીઓના મનમાં રહેલી શંકાઓ દૂર કરી તેમનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે તેમ પણ ફડનવીસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું. 

ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયાથી લઈને સમગ્ર પરીક્ષા વ્યવસ્થા સુધી જરૂરી સુધારા કરવામાં આવશે. આ સુધારા તમામ સંબંધિત પક્ષોને વિશ્વાસમાં લઈને તાત્કાલિક અમલમાં મૂકવામાં આવશે, તેવી ખાતરી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રતિનિધિમંડળને આપી હતી.