મુંબઈ: બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સ્થિત મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પરિસરમાં આવેલા પાંચ રેસ્ટોરાં અને બારને આપવામાં આવેલી નોટિસના મામલે મહારાષ્ટ્રના ખાદ્ય અને ઔષધ પ્રશાસન હજુ સુધી જવાબની રાહ જોઈ રહ્યું છે. એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન)ના કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું કે કોન્ટ્રેકટર દ્વારા રેસ્ટોરાંનું સંચાલન કરવામાં આવી રહ્યું હોવાના મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે અને જવાબ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
મુંઢેએ જણાવ્યું કે મુંબઈ ક્રિકેટ એસોસિએશન ખાદ્ય વ્યવસાય સંચાલક તરીકે નોંધાયેલું છે, પરંતુ વાસ્તવિક રીતે રેસ્ટોરાંનું સંચાલન અન્ય સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા પાસે જરૂરી ખાદ્ય લાઈસન્સ અથવા નોંધણી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ખાદ્ય લાઈસન્સ ચોક્કસ સંસ્થા, ચોક્કસ સ્થળ અને ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ માટે આપવામાં આવે છે, તેથી એક સંસ્થાના નામે લેવામાં આવેલા લાઈસન્સ હેઠળ બીજી સંસ્થા દ્વારા વ્યવસાય ચલાવવો કાયદા મુજબ માન્ય નથી.
Tukaram Mundhe on FDA New Rules : महाप्रसाद, भंडारा, लंगरवर आता एफडीएची नजर, नवी नियमावली#Mahaprasad #Bhandara #FoodSafety #FDA #Maharashtra #FoodHygiene #MarathiNews #MaharashtraNews pic.twitter.com/xbqFcUGbzl
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) September 4, 2026
મહત્વનું છે કે ખાદ્ય અને ઔષધ પ્રશાસને અગાઉ મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પરિસરમાં આવેલા પરમિટ રૂમ, પેવિલિયન, મેડિટેરેનિયન, ઓરિએન્ટલ સ્વિંગ અને ક્લબવે એન્ડ પેસ્ટ્રી કાઉન્ટરના ખોરાકી લાઈસન્સ સસ્પેન્ડ કર્યા હતા. શરૂઆતની કાર્યવાહી સ્વચ્છતાની ખામીઓ અને માળખાકીય નિયમોના ઉલ્લંઘનને કારણે કરવામાં આવી હતી. આ રેસ્ટોરાંનું સંચાલન કોન્ટ્રેકટર શિર્કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કરવામાં આવતું હતું, જ્યારે ખાદ્ય વ્યવસાય સંચાલક તરીકેના લાઈસન્સ મુંબઈ ક્રિકેટ એસોસિએશનના નામે હતા.
ગત મહિને બોમ્બે હાઈ કોર્ટના હસ્તક્ષેપ બાદ ખાદ્ય અને ઔષધ પ્રશાસને પાંચેય રેસ્ટોરાં અને બારના સસ્પેન્ડ કરાયેલા ખાદ્ય લાઈસન્સ ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ અદાલતના નિર્દેશ મુજબ થર્ડ પાર્ટી દ્વારા લાઈસન્સના ઉપયોગ અંગે નોટિસ જારી કરવામાં આવી છે. તુકારામ મુંઢેએ જણાવ્યું કે જે સંસ્થા હકીકતમાં રેસ્ટોરાંનું સંચાલન કરે છે, તેણે પોતાના નામે જરૂરી લાઈસન્સ મેળવવું પડશે અને ત્યારબાદ જ તે કાયદેસર રીતે વ્યવસાય ચલાવી શકશે.
ખાદ્ય અને ઔષધ પ્રશાસનના જણાવ્યા અનુસાર, ચારથી પાંચ સ્થળોએ નિયમોના ઉલ્લંઘનનો મુદ્દો સામે આવ્યો છે. હવે સંબંધિત રેસ્ટોરાં તરફથી જવાબ મળ્યા બાદ પ્રશાસન અંતિમ આદેશ જારી કરશે. સમગ્ર મામલામાં મુખ્ય મુદ્દો એ છે કે એક સંસ્થાના નામે આપવામાં આવેલા ખાદ્ય લાઈસન્સનો ઉપયોગ થર્ડ પાર્ટીના સંચાલક દ્વારા કરી શકાય કે નહીં. લાઈસન્સ એકના નામે અને સંચાલન બીજાના હાથમાં એ હવે નહીં ચાલે—એફડીએના જણાવ્યા પ્રમાણે હવે કાયદા મુજબ અંતિમ નિર્ણય લેવાશે.