Mon Aug 31 2026

Logo

કલ્યાણમાં પોલીસના સ્વાંગમાં લૂંટ ચલાવનારા આઠ પકડાયા

2026-03-04 19:25:00
Author: Yogesh C. Patel
કલ્યાણમાં પોલીસના સ્વાંગમાં લૂંટ ચલાવનારા આઠ પકડાયા

થાણે: પાંચ લાખ રૂપિયાના બદલામાં ચલણમાંથી પાછી ખેંચાયેલી સાત લાખની રોકડ આપવાની લાલચમાં સપડાવ્યા બાદ પુણેના વેપારીને કલ્યાણ બોલાવી પોલીસના સ્વાંગમાં લૂંટ ચલાવનારા આઠ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

આસિસ્ટન્ટ પોલીસ કમિશનર કલ્યાણજી ગીતેએ જણાવ્યું હતું કે ઘટના ગયા સપ્તાહમાં બની હતી. પુણેથી આવેલા ફરિયાદીની મુલાકાત કલ્યાણમાં આરોપી સાથે થઈ હતી. ભારતીય ચલણમાંથી પાછી ખેંચવામાં આવેલી સાત લાખની રોકડ માત્ર પાંચ લાખ રૂપિયામાં આપીને બે લાખ રૂપિયાનો નફો કરાવવાની ખાતરી આપી આરોપીએ ફરિયાદીને લલચાવ્યો હતો.

નક્કી થયા મુજબ ફરિયાદી પાંચ લાખ રૂપિયા લઈને વિઠ્ઠલવાડી રેલવે સ્ટેશન નજીક પહોંચ્યો હતો. બાદમાં આરોપીના સાથી એસયુવીમાં ત્યાં પહોંચ્યા હતા. પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને આરોપીઓ ફરિયાદીની રોકડ લૂંટી ફરાર થઈ ગયા હતા, એમ ગીતેએ જણાવ્યું હતું.

આ પ્રકરણે ફરિયાદને આધારે કોલસેવાડી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ 27 ફેબ્રુઆરીએ ગુનો નોંધ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીઓની એસયુવીને ટ્રેસ કરી હતી. ઑલ્ડ મુંબઈ-પુણે હાઈવે પરના સોમાટણે ફાટા ટોલનાકા નજીક એસયુવીને આંતરી પાંચ કલાકમાં જ ચાર આરોપીને તાબામાં લીધા હતા. 

પકડાયેલા આરોપીઓએ આપેલી માહિતી પરથી તેમના ચાર સાથીને પણ રવિવારે હિલ્યાનગર-શિર્ડી રોડ પરથી પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી 2.36 લાખની રોકડ, બે એસયુવી અને નવ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. આ લૂંટમાં આરોપીઓના બીજા સાથી સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. (પીટીઆઈ)