Sun Aug 23 2026

Logo

યાત્રા વિશેષ: અદ્ભુત-અવિસ્મરણીય ને અકલ્પનીય...

2026-08-16 09:40:00
Author: Preeti Sompura
Article Image

 

 

 

- પ્રીતિ સોમપુરા

 

કૈલાસની ઊર્જા અને ચૈતન્ય વિશે લખવું એ કદાચ સૌથી મુશ્કેલ કાર્ય છે. આ દિવ્ય ઊર્જાને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી; તેને માત્ર આત્મસાત્‌‍ કરી શકાય.

 

કૈલાસ પર્વતનાં પ્રથમ દર્શન માનસરોવરથી જ થાય છે, પરંતુ કૈલાસ વિશે એવી માન્યતા છે કે તમે કૈલાસના દર્શન કરવા નથી જતા, કૈલાસ તમને પોતે બોલાવે છે. જ્યારે કૈલાસ ઇચ્છે ત્યારે જ તે પોતાનાં દર્શન કરાવે છે.

 

કહેવાય છે કે કૈલાસ યાત્રા કરનારામાંથી લગભગ 90 ટકા લોકો પરિક્રમા પૂર્ણ કરી શકતા નથી, પરંતુ જો તમારા મનમાં અખંડ શ્રદ્ધા, અડગ વિશ્વાસ અને અવિચળ સંકલ્પ હોય તો આ કઠિન પરિક્રમા પણ સરળ બની જાય છે. માત્ર મનમાં એક જ નિશ્ચય હોવો જોઈએ, કે મારે તો કૈલાસનાં દર્શન કરવાં જ છે.

 

મારી કૈલાસ યાત્રાની શરૂઆત વર્ષ 2000માં થઈ. ત્યારે મેં કૈલાસ-માનસરોવર યાત્રા કરીને પરત આવેલા મુલુંડના એક આર્કિટેક્ટ પરિવારનો ઇન્ટરવ્યૂ લીધો હતો. તેમણે તેમની સાહસિક યાત્રાના અનુભવો જે રીતે વર્ણવ્યા તે સાંભળીને એ જ દિવસે મારા મનમાં સંકલ્પ જન્મ્યો કે જીવનમાં એક વખત તો કૈલાસની યાત્રા જરૂર કરીશ.

 

ત્યાર બાદ વર્ષ 2019માં પ્રેસ ક્લબમાં મારી પત્રકાર મિત્ર રશ્મિ પુરાણિક મળી. તે તાજેતરમાં જ કૈલાસ યાત્રા કરીને આવી હતી. તેણે પરિક્રમા વિશે જે વાતો કરી તે સાંભળીને મારી ઉત્સુકતા વધી ગઈ અને મેં નક્કી કરી લીધું કે હવે તો કૈલાસ જવું જ છે. તેણે મને ટૂર ઑપરેટરની માહિતી આપી અને વર્ષ 2020માં મેં યાત્રાનો નિર્ણય લીધો. તે માટે દોડવાની પ્રૅક્ટિસ, પ્રાણાયામ અને શારીરિક તૈયારી શરૂ કરી.

 

પરંતુ એ દરમિયાન કોરોનાની મહામારી આવી અને લૉકડાઉનને કારણે આખી યોજના અધવચ્ચે અટકી ગઈ. કોરોના પછી પણ ચીને ભારતીય પાસપોર્ટ ધારકો માટે કૈલાસ યાત્રા શરૂ કરી નહોતી.

 

આખરે વર્ષ 2025માં ચીને ભારતીયો માટે યાત્રાની મંજૂરી આપી, પરંતુ એ જ સમયે મેં 90 કિલોમીટરની કોમરેડ્સ મૅરેથોન પૂર્ણ કરી હોવાથી ફરી યાત્રા શક્ય બની નહોતી.

 

છેવટે વર્ષ 2026માં મેં નક્કી કર્યું કે આ વખતે ગમે તે થાય, કૈલાસ યાત્રા કરવી જ છે. તેની તૈયારીરૂપે એપ્રિલમાં લોનાવાલામાં 65 કિલોમીટરની અલ્ટ્રા રેસ દોડી, રોજ ચાલવાનું શરૂ કર્યું, યોગ અને પ્રાણાયામ નિયમિત કર્યા.

અમારા કુલ 14 લોકોએ જુલાઈમાં યાત્રા કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ એક પછી એક સભ્યે વ્યક્તિગત કારણોસર પોતાનો કાર્યક્રમ બદલી નાખ્યો. અંતે હું લગભગ એકલી જ રહી ગઈ. એક ક્ષણ માટે મનમાં વિચાર આવ્યો કે આટલી કઠિન યાત્રા એકલી, માત્ર ટૂર ઑપરેટરના ભરોસે કરવી યોગ્ય રહેશે કે નહીં? છતાં મનનો સંકલ્પ અડગ હતો કે આ વખતે કૈલાસ પરિક્રમા કરીને જ પરત ફરવું.

 

યાત્રાની શરૂઆતમાં જ નેપાલગંજ પહોંચતાં મારા દાંતમાં અસહ્ય દુખાવો શરૂ થયો. દવાઓ પણ ખાસ અસર કરતી નહોતી. સતત પાંચ દિવસ એન્ટિબાયોટિક્સ લીધા પછી જ રાહત મળી. ત્યાર બાદ સિમિકોટ પહોંચતાં પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું, જે બે દિવસ પછી ઠીક થયું.

 

કૈલાસ લગભગ 18,500 ફૂટની ઊંચાઈ પર આવેલો હોવાથી શરીરને ઊંચાઈ સાથે અનુકૂળ થવા માટે દરેક સ્થળે રોકાઈને આગળ વધવું પડે છે. સિમિકોટથી હિલસા, હિલસાથી તકલાકોટ અને ત્યારબાદ સૌપ્રથમ માનસરોવર તથા રાક્ષસ તળાવના દર્શન થાય છે.

 

રાક્ષસ તળાવ અર્ધચંદ્રાકાર છે અને તેનું પાણી પીવા યોગ્ય નથી. પૌરાણિક માન્યતા મુજબ રાવણના અહંકાર અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ આ સરોવરના જળમાં સમાઈ ગયો છે, તેથી તેનું પાણી ખારું અને ઝેરી માનવામાં આવે છે.

બીજી તરફ માનસરોવરનું પાણી મધુર છે. લગભગ 15,036 ફૂટની ઊંચાઈ પર આવેલું આ પવિત્ર સરોવર પુરાણો અનુસાર ભગવાન બ્રહ્માના મનમાંથી ઉત્પન્ન થયું છે. એવું માનવામાં આવે છે કે અહીં સ્નાન કરવાથી મનુષ્યના તમામ પાપો ધોવાઈ જાય છે.

 

`માનસરોવર' શબ્દ પણ સંસ્કૃતમાંથી આવ્યો છે `માનસ' એટલે મન અને `સરોવર' એટલે તળાવ. પ્રાચીન ગ્રંથો અનુસાર ભગવાન બ્રહ્માએ પૃથ્વી પર આ સરોવર પ્રગટ કરતાં પહેલાં તેની રચના પોતાના મનમાં કરી હતી.

માન્યતા એવી પણ છે કે બ્રહ્મમુહૂર્તમાં ભગવાન શિવ અને માતા પાર્વતી માનસરોવર પર આવે છે અને ત્યાં દિવ્ય ચૈતન્યનો અનુભવ થાય છે.

 

જ્યારે હું રાત્રે માનસરોવર પહોંચી ત્યારે ચારેબાજુ ઘોર અંધકાર હતો. હાડ થીજાવી દે તેવી ઠંડી અને પ્રચંડ પવન ફૂંકાઈ રહ્યો હતો. કૈલાસ સ્પષ્ટ દેખાતો નહોતો, પરંતુ જ્યાં કૈલાસ હતો તે સમગ્ર વિસ્તાર ચાંદનીના દિવ્ય પ્રકાશથી ઝગમગી રહ્યો હતો, જાણે પૂર્ણિમાની રાત્રિ હોય.

 

એ ક્ષણે એક અજોડ દિવ્ય જ્યોતિ દેખાઈ. મારી નજર એ જ પ્રકાશ પર સ્થિર થઈ ગઈ. મન સંપૂર્ણ નિર્વિચાર થઈ ગયું. વિચારો થંભી ગયા. એવું લાગતું હતું જાણે સાક્ષાત્‌‍ ભગવાન શિવ મારા સમક્ષ ઉપસ્થિત હોય.

 

અષ્ટપદ, નંદી પર્વત અને યમદ્વાર

 

બીજા દિવસે દારચેનથી નંદી પર્વત અને અષ્ટપદના માર્ગે કૈલાસના દર્શન થાય છે. લગભગ 17,000 ફૂટની ઊંચાઈ પર આવેલું અષ્ટપદ એવું પવિત્ર સ્થળ છે, જ્યાંથી કૈલાસનું દક્ષિણ મુખ સ્પષ્ટ જોવા મળે છે અને તેની સામે ભવ્ય નંદી પર્વત ઊભો છે.

 

જૈન ધર્મની માન્યતા મુજબ, આ જ તે પવિત્ર ભૂમિ છે જ્યાં પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ (આદિનાથ)ને મોક્ષ પ્રાપ્ત થયો હતો.

 

જ્યારે હું અષ્ટપદ પહોંચી ત્યારે માત્ર અષ્ટપદ અને નંદી પર્વત જ દેખાતા હતા. કૈલાસ આખો વાદળોથી ઢંકાયેલો હતો. પરંતુ થોડા જ સમયમાં વાદળો ધીમે ધીમે વિખેરાવા લાગ્યા અને અચાનક કૈલાસનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું.

 

સૌ પ્રથમ મને મેરુદંડના દર્શન થયા. જેને ભગવાન શિવની રીઢની હાડકીનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારબાદ શિવનું ત્રીજું નેત્ર અને કૈલાસનું દિવ્ય મુખ પણ સ્પષ્ટ દેખાવા લાગ્યું.

 

એવો અનુભવ થયો જાણે ભગવાન શિવ પોતે મારી સામે ઊભા હોય અને આશીર્વાદ આપી રહ્યા હોય.

 

સંપૂર્ણ કૈલાસ પરિક્રમા દરમિયાન માત્ર આ જ સ્થળેથી નંદી પર્વત, અષ્ટપદ અને કૈલાસનું આ અલૌકિક સ્વરૂપ એકસાથે જોવા મળે છે. અષ્ટપદ, નંદી પર્વત અને કૈલાસની ઊર્જા એટલી પ્રચંડ છે કે તેની માત્ર ઉપસ્થિતિ જ મનને સંપૂર્ણ શાંત, સ્થિર અને નિર્વિચાર બનાવી દે છે. આ ક્ષણોને શબ્દોમાં વ્યક્ત કરવી લગભગ અશક્ય છે.

 

ત્યારબાદ બીજા દિવસે મારી કૈલાસ પરિક્રમાનો પ્રારંભ યમદ્વારથી થયો. યમદ્વાર લગભગ 15,500 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. `યમદ્વાર'નો અર્થ થાય છે મૃત્યુના દેવતા યમરાજનું દ્વાર. આ જ કૈલાસ પરિક્રમાનો પ્રારંભબિંદુ છે અને તેથી હિન્દુ ધર્મમાં તેનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે.

 

માન્યતા મુજબ, ભગવાન શિવના ધામમાં પ્રવેશ કરતાં પહેલાં દરેક યાત્રાળુએ યમદ્વારમાંથી પસાર થવું આવશ્યક છે. એવું પણ કહેવાય છે કે સ્વયં યમરાજ ભગવાન શિવના આ પવિત્ર નિવાસસ્થાનના રક્ષક છે.

 

હિન્દુ માન્યતા અનુસાર યમરાજ મનુષ્યના મૃત્યુ પછી તેના સારાં અને ખરાબ કર્મોનો ન્યાય કરે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે યમદ્વારમાંથી શ્રદ્ધાપૂર્વક પસાર થતાં ચિત્રગુપ્ત યાત્રાળુનાં પાપોના લેખાને ક્ષમા કરી દે છે. ચિત્રગુપ્ત યમરાજના લેખાકાર છે, જે દરેક જીવનાં કર્મોનો હિસાબ રાખે છે.                              (ક્રમશ:)