Sun Aug 30 2026

Logo

યાત્રા વિશેષ : અદ્ભુત-અવિસ્મરણીય ને અકલ્પનીય...

2026-08-23 07:47:00
Author: Priti Sompura
યાત્રા વિશેષ : અદ્ભુત-અવિસ્મરણીય ને અકલ્પનીય...

પ્રીતિ સોમપુરા

(ગતાંકથી શરૂ)

તિબેટી લોકો કૈલાસને તેમના દેવતા ડેમચોકનું નિવાસસ્થાન માને છે. તેથી દર વર્ષે તારબોચે ખાતે નવા પ્રાર્થના ધ્વજ સ્થાપિત કરવામાં આવે છે.

આ રંગબેરંગી તિબેટિયન ધ્વજ માત્ર શણગાર નથી; દરેક રંગનું પોતાનું આધ્યાત્મિક મહત્ત્વ છે.

* વાદળી આકાશનું પ્રતીક
* સફેદ વાયુનું પ્રતીક
* લાલ અગ્નિનું પ્રતીક
* લીલો જળનું પ્રતીક
* પીળો પૃથ્વીનું પ્રતીક

આ પાંચેય તત્ત્વો મળીને સૃષ્ટિના સંતુલન અને જીવનશક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.

તિબેટિયન પરંપરામાં માન્યતા છે કે આ પવિત્ર દ્વારમાંથી કોઈ પણ નકારાત્મક શક્તિ પ્રવેશ કરી શકતી નથી. યમરાજ ભગવાન શિવના ભક્તોની રક્ષા કરીને પોતાની ભક્તિ વ્યક્ત કરે છે.

હિન્દુ પુરાણો અનુસાર યમદ્વારની પરિક્રમા પૂર્ણ કરવાથી કૈલાસ યાત્રા પૂર્ણ માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે આ પવિત્ર દ્વારમાંથી શ્રદ્ધાપૂર્વક પસાર થનારને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

યમદ્વાર માત્ર એક પ્રવેશદ્વાર નથી, પરંતુ તે મનુષ્યના અહંકાર, ભય અને જૂનાં કર્મોને પાછળ મૂકીને આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કરવાનો પ્રતીક છે.

પરિક્રમાનો પ્રથમ દિવસ કૈલાસના સાન્નિધ્યમાં

યમદ્વારથી શરૂ થતી લગભગ 13 કિલોમીટરની પ્રથમ દિવસની પરિક્રમા તુલનાત્મક રીતે સરળ ગણાય છે. રસ્તો ખૂબ કઠિન નથી, પરંતુ કાતિલ ઠંડી, પ્રચંડ પવન, તીવ્ર સૂર્યપ્રકાશ અને ઊંચાઈને કારણે થાકનો અનુભવ થવા લાગે છે.

આ સમગ્ર માર્ગ દરમિયાન કૈલાસના પશ્ર્ચિમ મુખના દર્શન વારંવાર થતા રહે છે. રસ્તામાં ચા, નાસ્તો અને જરૂરી ખાદ્યસામગ્રી પણ સરળતાથી મળી રહે છે, જેના કારણે યાત્રાળુઓને થોડી રાહત મળે છે.

કૈલાસની અદૃશ્ય દિવ્ય શક્તિના સહારે હું પ્રથમ દિવસની પરિક્રમા પૂર્ણ કરીને દિરાપુક પહોંચી. હું જે ગેસ્ટહાઉસમાં રોકાઈ હતી, તેના રૂમમાંથી જ કૈલાસના ઉત્તર મુખના અલૌકિક દર્શન થતાં હતાં. એ દૃશ્ય એવું હતું જાણે સ્વયં ભગવાન શિવ આશીર્વાદ આપવા મારા સમક્ષ ઊભા હોય.

ત્યાંથી લગભગ 200 મીટર ઉપર ચઢતાં જ કૈલાસ પર્વત મારી આંખો સામે પૂર્ણ ભવ્યતામાં ઊભો હતો.

એ ક્ષણને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. આંખો ભીની થઈ ગઈ હતી. મન સંપૂર્ણ શાંત અને નિર્વિચાર હતું. પાંપણો ઝબકાવવાનું પણ મન થતું નહોતું. મારી નજર માત્ર કૈલાસ પર જ સ્થિર હતી.

એ દરમિયાન કેટલાક તિબેટિયન યાત્રાળુઓ પણ ત્યાં ફોટોગ્રાફ લેવા આવ્યા. તેમના ચહેરા પર પણ એ જ શ્રદ્ધા, એ જ સમર્પણ અને એ જ ભાવ દેખાતો હતો, જે કોઈ હિન્દુ ભક્તના હૃદયમાં હોય.

કૈલાસ માત્ર હિન્દુઓ માટે જ પવિત્ર નથી. હિન્દુ ધર્મમાં તેને ભગવાન શિવ અને માતા પાર્વતીનું શાશ્વત નિવાસસ્થાન માનવામાં આવે છે. તિબેટિયન બૌદ્ધ પરંપરામાં કૈલાસને પવિત્ર મંડળ (Sacred Mandala) તરીકે પૂજવામાં આવે છે. 

જૈન ધર્મમાં તે સ્થાન પવિત્ર છે, કારણ કે અહીં પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથને નિર્વાણ પ્રાપ્ત થયું હતું. જ્યારે બોન પરંપરાના અનુયાયીઓ કૈલાસને તેમની દેવી સિપાઈમેનનું નિવાસસ્થાન માને છે.

આ એક એવો પર્વત છે, જે અનેક ધર્મોને એક જ આધ્યાત્મિક અનુભૂતિમાં જોડે છે.

પ્રથમ દિવસની પરિક્રમા પૂર્ણ થતાં કૈલાસનું પૂર્વ મુખ મારી સામે હતું. મારી આંખો તેની પર જ સ્થિર હતી. એવું લાગતું હતું જાણે સમગ્ર શરીરમાં નવી ચેતના અને નવી ઊર્જાનો સંચાર થઈ રહ્યો હોય.

એ દરમિયાન સૂર્યાસ્તનો સમય થયો. ધીમે ધીમે સૂર્યનાં અંતિમ કિરણો કૈલાસના શિખર પર પડવા લાગ્યાં. થોડી જ ક્ષણોમાં સમગ્ર કૈલાસ સુવર્ણ આભાથી ઝળહળી ઊઠ્યો.

એ દૃશ્ય એટલું દિવ્ય હતું કે જાણે સ્વયં સૂર્યદેવ ભગવાન શિવના દર્શન કરવા આવ્યા હોય અને પોતાના સુવર્ણ કિરણોથી તેમને વંદન કરી રહ્યા હોય.

તે ક્ષણે સમય જાણે થંભી ગયો હતો. માત્ર હું હતી. મારી સામે કૈલાસ હતો અને ચારેબાજુ એક અદ્ભુત, નિર્વિકાર અને શબ્દાતીત શાંતિ પ્રસરી ગઈ. 

ડોલ્મા-લા પાસ, ગૌરીકુંડ અને જીવન બદલનારી પરિક્રમા

પરિક્રમાનો બીજો દિવસ સમગ્ર યાત્રાનો સૌથી કઠિન અને સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કો છે. આ દિવસની યાત્રા દિરાપુકથી શરૂ થઈ ડોલ્મા-લા પાસ પાર કરીને ઝુથુલપુક સુધી પહોંચે છે.

ડોલ્મા-લા તરફ જતાં માર્ગમાં કૈલાસના પૂર્વ મુખના અલૌકિક દર્શન થાય છે. દિરાપુકથી ડોલ્મા-લા સુધીનો લગભગ છ કિલોમીટરનો ચઢાણ અત્યંત કપરો છે. સતત ઊંચાઈ, ઓક્સિજનની અછત, કાતિલ ઠંડી, પ્રચંડ પવન અને શ્વાસ લેવામાં પડતી તકલીફ વચ્ચે આગળ વધવું એ જ એક મોટી સાધના બની જાય છે.

લગભગ 16,040 ફૂટની ઊંચાઈથી 18,471 ફૂટ સુધી પહોંચ્યા પછી જ્યારે ડોલ્મા-લા પાસ પર પગ મુકાય છે, ત્યારે એવું લાગે છે કે જીવનની સૌથી કઠિન પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ.

ડોલ્મા-લા પાસ તિબેટિયન દેવી ડોલ્મા (તારા દેવી)ને સમર્પિત છે.એવી માન્યતા છે કે આ દર્રો પાર કરતાં મનુષ્યના તમામ જૂનાં પાપ ધોવાઈ જાય છે અને તેને નવા જીવનની શરૂઆતનો આશીર્વાદ મળે છે. તિબેટિયન યાત્રાળુઓ અહીં રંગબેરંગી પ્રાર્થના ધ્વજો બાંધી દેવી પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. ડોલ્મા-લા પાસ પરથી નીચે ઊતરતાં જ ગૌરીકુંડના દર્શન થાય છે. આ પવિત્ર કુંડને માતા પાર્વતીનું કુંડ માનવામાં આવે છે.

શિવપુરાણ મુજબ, આ જ સ્થળે માતા પાર્વતીએ પોતાના ઉબટણમાંથી ભગવાન ગણેશની રચના કરી હતી અને તેમને જીવનદાન આપ્યું હતું. ત્યારબાદ તેમણે ગણેશજીને દ્વાર પર ચોકીદાર તરીકે બેસાડ્યા હતા, જેથી તેઓ સ્નાન કરતા હોય ત્યારે કોઈ અંદર પ્રવેશ ન કરી શકે.

એ જ સમયે ભગવાન શિવ ત્યાં પહોંચ્યા, પરંતુ ગણેશજીએ તેમને રોક્યા. પરિણામે ભગવાન શિવે ક્રોધમાં આવી તેમનું મસ્તક ધડથી અલગ કરી દીધું. માતા પાર્વતીના રોષ પછી ભગવાન શિવે હાથીનું મસ્તક લાવી ગણેશજીને પુનર્જીવિત કર્યા. તેથી ગૌરીકુંડ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર સ્થાન માનવામાં આવે છે.

ગૌરીકુંડનું સૌંદર્ય મન મોહી લે એવું છે. અહીંથી લગભગ ચાર કિલોમીટર ઊતર્યા પછી બીજા દિવસની સૌથી કઠિન પરિક્રમા પૂર્ણ થાય છે. ત્યારબાદના આઠ કિલોમીટરનો માર્ગ તુલનાત્મક રીતે સરળ છે.

ઝુથુલપુકમાં રાત્રિવિશ્રામ કર્યા પછી ત્રીજા દિવસે માત્ર સાડા છ કિલોમીટરની અંતિમ પરિક્રમા શરૂ થાય છે. આ માર્ગ દરમિયાન કૈલાસના દર્શન થતાં નથી, પરંતુ મનમાં સતત તેની જ ઉપસ્થિતિનો અનુભવ થતો રહે છે.

અંતિમ પગલાં પૂર્ણ કરીને અમે બસ દ્વારા દારચેન પહોંચ્યાં અને ત્યાંથી કૈલાસ યાત્રાનો સમાપન થયો.

પરંતુ સાચા અર્થમાં આ યાત્રા ત્યાં પૂર્ણ થતી નથી. કૈલાસની યાત્રા શરીરથી વધુ આત્માની યાત્રા છે. આ યાત્રા પછી મન વધુ શાંત, વધુ સ્થિર અને વધુ નિર્મળ બની જાય છે. જીવનને જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. અંદર નવી ઊર્જા, નવી ચેતના અને નવી સકારાત્મકતા જન્મે છે.

કૈલાસ વિશે મેં એક વાત ઘણી વાર સાંભળી હતી. જો કોઈ ભક્ત રુદ્રાક્ષની માળા પહેરીને પરિક્રમા કરે, તો માર્ગમાં કોઈ એક સ્થળે તે માળા અજાણતાં જ છૂટી જાય છે. એવું માનવામાં આવે છે કે એ રુદ્રાક્ષ ભગવાન શિવના ચરણોમાં સમર્પિત થઈ જાય છે.
આ વાત મારી સાથે પણ સાચી પડી. બીજા દિવસની પરિક્રમા સુધી મારા ગળામાં રુદ્રાક્ષની માળા હતી. પરંતુ ત્રીજા દિવસે ક્યાંક માર્ગમાં તે અજાણતાં જ છૂટી ગઈ. ઘણું શોધવા છતાં તે મળી નહીં.

એ ક્ષણે મને જરાય દુ:ખ થયું નહીં. મને લાગ્યું કે કદાચ એ રુદ્રાક્ષને પણ પોતાના સ્વામીનાં ચરણોમાં જ સમાઈ જવાનું હતું.

કદાચ એ જ કૈલાસનો સંદેશ છે. અહીં આવીને માણસ કંઈક મેળવતો નથી, પરંતુ પોતાનો અહંકાર, પોતાના ભય અને પોતાનું ‘હું’ ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરીને હળવો બનીને પાછો ફરે છે.  

        (સમાપ્ત)