Mon Sep 14 2026

Logo

ટ્વિંકલ ખન્નાએ પોતાના જ કિચન પર કેમ પાડી 'રેડ'? તુકારામ મુંઢેની કાર્યવાહી પર કરી ચોંકાવનારી વાત!

2026-08-30 21:32:20
Author: Mumbai Samachar Team
ટ્વિંકલ ખન્નાએ પોતાના જ કિચન પર કેમ પાડી 'રેડ'? તુકારામ મુંઢેની કાર્યવાહી પર કરી ચોંકાવનારી વાત!

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ફૂડ સેફ્ટીને લઈને FDA કમિશનર તુકારામ મુંઢેની કડક કાર્યવાહી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. મુંબઈ જ નહીં, મહારાષ્ટ્રની રેસ્ટોરાં પર થઈ રહેલી તપાસ અને દરોડા બાદ હવે તેની અસર બોલીવુડ સેલેબ્સના કિચન સુધી પણ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. અભિનેત્રી અને લેખિકા ટ્વિંકલ ખન્નાએ પોતાના નવી કોલમમાં તુકારામ મુંઢેની કાર્યવાહી પર પોતાના ખાસ વ્યંગાત્મક અંદાજમાં ટિપ્પણી કરી હતી. ટ્વિન્કલ એક રસપ્રદ વાત પણ શેર કરી છે કે નકલી પનીરના વિવાદ બાદ તેઓ અને તેમની માતા હવે ઘરે જ પનીર બનાવવા લાગ્યા છે.

ટ્વિન્કલ ખન્નાએ લખ્યું હતું કે નકલી પનીરનો મુદ્દો ચર્ચામાં આવ્યા બાદ તેમણે અને તેમની માતાએ બજારમાંથી પનીર ખરીદવાને બદલે ઘરે જ પનીર બનાવવાનું શરૂ કર્યું છે. જોકે, હવે તેમની વચ્ચે પનીરની ગુણવત્તા અને કેટલું પનીર બને છે તેને લઈને એક નવી જ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. 

ટ્વિન્કલે મજાકિયા અંદાજમાં લખ્યું કે તેમની માતાના ઘરે એક લીટર દૂધમાંથી લગભગ 250 ગ્રામ પનીર બને છે, જ્યારે તેમના ઘરે એટલા જ દૂધમાંથી લગભગ 180 ગ્રામ પનીર બને છે. હવે બંને વચ્ચે કોનું પનીર વધારે સ્વાદિષ્ટ છે તેની પણ ચર્ચા થવા લાગી છે.

ટ્વિંકલે આગળ લખ્યું કે કદાચ ભવિષ્યમાં તેમની માતા એ પણ પૂછવા લાગે કે કોનું પનીર વધારે સફેદ છે અને આ સ્પર્ધામાં આગળ વધવા માટે તે પોતાના પનીરમાં ડિટર્જન્ટ નાખવા લાગે. જોકે, તેમણે આ વાતને એક સમાચાર સાથે જોડીને વ્યંગ કર્યો, જેમાં વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હોવાનો ઉલ્લેખ હતો કારણ કે મીઠાની જગ્યાએ ડિટર્જન્ટનો ઉપયોગ થયો હતો.  

ટ્વિંકલ ખન્નાએ પોતાની કોલમમાં ફૂડ સેફ્ટી ડ્રાઈવને લઈને પણ અનેક વ્યંગાત્મક ટિપ્પણીઓ કરી છે. તેમણે રેસ્ટોરન્ટ્સમાં થઈ રહેલી તપાસ, કાર્યવાહી અને લોકોમાં વધતા ડરને પોતાના હાસ્યના અંદાજમાં રજૂ કર્યો.તેમણે લખ્યું કે તુકારામ મુંઢેની કાર્યવાહી બાદ અનેક રેસ્ટોરા પર તાળા લાગ્યા છે અને ટ્વિંકલે ડોમિનોઝના આઉટલેટના સસ્પેન્શનનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

આ પછી તેમણે વાત પોતાના ઘરની રસોઈ સુધી લાવી. તેમણે મજાકમાં લખ્યું કે મુંઢેથી પ્રેરાઈને તેમણે પોતાની રસોડામાં જ રેડ પાડી અને ત્યાં વર્ષો જૂનું 'શાહી મસાલા'નું પેકેટ મળી આવ્યું. ટ્વિન્કલનો વ્યંગ અહીં અટક્યો નથી. તેમણે એક રેસ્ટોરન્ટની મુલાકાત પણ શેર કરી હતી, જેમાં રેસ્ટોરામાં તંદૂરી બ્રોકોલી અને ચિકન ટિક્કા ઓર્ડર કર્યા બાદ ટ્વિંકલે વેઈટરને પૂછ્યું હતું કે કે શું તુકારામ મુંઢેએ આ રેસ્ટોરાની તપાસ કરી છે.

વેઈટર તરફથી રેસ્ટોરાની તપાસમાં પાસ થયું હોવાની વાત સાંભળ્યા બાદ ટ્વિંકલ મજાકમાં કહે છે કે હવે તો પનીર ટિક્કા પણ કોઈ ડર વગર ઓર્ડર કરી શકાય. પરંતુ ત્યાર બાદ તેમના વ્યંગને વધુ મજેદાર બનાવતા તેણે લખ્યું હતું કે પનીરનો એક ટુકડો મોઢા સુધી પહોંચે તે પહેલાં જ તૂટી જઈને માર્ટિનીમાં પડી ગયો હતો. ત્યાર બાદ તેમણે આ નવા ડ્રિંકને 'મુંઢેની માર્ટિની' નામ આપે છે—જિન, વર્મુથ, ઓલિવ અને પનીર સાથે!

તુકારામ મુંઢેની ફૂડ સેફ્ટીને લઈને કડક કાર્યવાહી વચ્ચે ટ્વિંકલ ખન્નાની આ પોસ્ટે ચર્ચાને એક અલગ જ રંગ આપ્યો છે. ખાસ વાત એ છે કે નકલી પનીર અંગેની ચિંતાને તેમણે પોતાના ઘરની રસોઈ સાથે જોડી છે. અર્થાત્, રેસ્ટોરામાં શું પીરસાઈ રહ્યું છે તેની ચિંતા બાદ હવે સેલેબ્સ પણ પોતાના કિચનમાં બનતા પનીર પર નજર રાખી રહ્યા છે. 

ટ્વિંકલની વાત ભલે વ્યંગાત્મક હોય, પરંતુ ફૂડ સેફ્ટી અંગેની હાલની ચર્ચા કેટલી ઝડપથી લોકોના રોજિંદા જીવન સુધી પહોંચી છે તેનો આ એક રસપ્રદ ઉદાહરણ બની છે. ટ્વિંકલ ખન્નાએ તુકારામ મુંઢેની કાર્યવાહીને પોતાના ખાસ હ્યુમર સાથે રજૂ કરી છે. અને કદાચ આ જ કારણે તેમનું 'ઘરે પનીર બનાવવાનું' કન્ફેશન હાલ સૌથી વધુ ધ્યાન ખેંચી રહ્યું છે.