કાઠમંડુંઃ નેપાળમાં આવેલા પૂરના કારણે ભારે તારાજી થઈ છે, રોજે રોજ જે વીડિયો અને ફોટો મળી રહ્યા છે, તેનાથી લોકોના હૃદયના ધબકારા ચોક્કસ ચૂકી જવાય. લગભગ ચારેક દિવસો પછી પણ સંપૂર્ણ રીતે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કરી શકાયું નથી, પરંતુ પૂર વિનાશક હતું એના પુરાવા મળી રહ્યા છે.
પૂરમાં સેંકડો ગામ, બજાર, જૂના-નવા મકાન, ઈમારત, સ્કૂલ અને ધર્મશાળાઓ કાટમાળમાં ફેરવાઈ ગયા છે. અણધાર્યા વિનાશના આ દ્રશ્યોમાંથી એક વીડિયો એવો પણ છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોતા એટલું કહી શકાય કે, રામ રાખે એને કોણ ચાખે? આ બધાની વચ્ચે એક ફિરોજી ઘરની ચર્ચા હજુ પણ ચાલી રહી છે.
સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા
આ ઘર એટલા માટે ચર્ચામાં કારણ કે પ્રચંડ પ્રવાહ સાથે આસપાસનું બધુ વહી રહ્યું છે પણ આ ઘર અડીખમ ઊભું હતું. આ ઘર જાણે કવિ સૌમ્ય જોશીની ગઝલના શૅરને સાર્થક કરતું હોય એવું લાગે છે. અડગ ઊભી છે અણસારે, ભણકારે શબરી, પર્ણ, પવન બન્ને છે, ક્યાંથી હારે શબરી? જ્યાં પ્રવાહમાં પત્તાના મહેલની જેમ ઈમારતો પડી રહી છે અને પ્રવાહ સાથે વહી રહી છે એવામાં આ શક્તિશાળી ઘર અડગ છે. અડીખમ છે અને અટલ છે. પ્રવાહનો વેગ આ ઘરને હલાવી શક્યું નથી.
આ જ કારણે આ ઘરની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે. લોકો આ ઘરની મજબૂતીના વખાણ કરી રહ્યા છે. પણ સ્ટોરી અહીંયાથી જ અટકતી નથી. લોકોની ચિંતામાં એ ઘરમાં રહેલા માણસોને લઈને પણ છે. આખરે આ ઘર ક્યાં છે અને એમાં રહેલા લોકોનું શું થયું એ અંગે આજે વિસ્તારની વાત કરીએ.
આ રીતે અટક્યો પાણીનો પ્રવાહ
મૂળ વાત એ છે કે, આ ઘર નેપાળના રસુવા જિલ્લામાં આવેલું છે. આ ઘરની નજીક જ નેપાળ-તિબેટની બોર્ડર આવેલી છે. આ એ જ વિસ્તાર છે, જ્યાં સૌથી વધુ વિનાશક પૂર આવ્યું હતું. તિમુરે અને રસુવાગઢી વિસ્તાર જે પૂરના પ્રચંડ પ્રવાહમાં વહી ગયો એ પણ આ ઘરથી નજીક છે. માત્ર પ્રચંડ પાણીનો પ્રવાહ જ કારણભૂત નથી પણ એક રિપોર્ટ અનુસાર હિમાલયના ઊંચાઈ ધરાવતા વિસ્તારમાં ગ્લેશિયર અને પહાડી વિસ્તારનો એકભાગ તૂટી જવાના કારણે ખીણ પ્રદેશમાં પડ્યો હતો.
આ પછી કાટમાળ પાણી સાથે વહી ગયો, અડધા રસ્તા સુધી કાટમાળ રોકાયા બાદ પાણીનો પ્રવાહ અટક્યો. કુદરતી રીતે જ ડેમ જેવી સ્થિતિ થઈ ગઈ. પાણીનો ભરાવો થઈ ગયો અને ધીમે ધીમે પ્રેશર વધતું ગયું. પછી પથ્થર, કાટમાળ, માટી, પાણી, બરફ અને બીજી સાધન સામગ્રી સાથે બધુ પ્રચંડ વેગ સાથે વહી ગયું અને સ્થિતિ ખરાબ થઈ ગઈ.
પરિવાર છે સુરક્ષિત
જે વીડિયો સામે આવ્યો છે એમાં સ્પષ્ટ દેખાય છે કે, ઘરમાં ઓછામાં ઓછા ત્રણ સભ્યો છે. ચારેય બાજુ ભયંકર રીતે કાટમાળ વહી રહ્યો છે. પાણીનો પ્રચંડ પ્રવાહ દેખાય છે. આ કારણે લોકો પણ ભયભીત છે. આ વીડિયો વાયરલ થતાં જ, સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પરિવારની સલામતી વિશે પૂછવાનું શરૂ કર્યું. લોકોને ડર હતો કે જો પાણીનો પ્રવાહ વધુ તીવ્ર બનશે તો ઘર અને તેના રહેવાસીઓ તણાઈ શકે છે. બાદમાં, સોશિયલ મીડિયા પર બીજો એક વીડિયો સામે આવ્યો જેમાં પુષ્ટિ મળી કે ઘરની અંદર રહેલા પરિવારના સભ્યો સુરક્ષિત છે.
પરિવારની સલામતીની જાણ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો. પરિવાર સુરક્ષિત હોવાના સમાચાર બહાર આવ્યા પછી, ઘરની માળખાકીય અખંડિતતા સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ. લોકો આશ્ચર્યચકિત છે કે જ્યારે નજીકની ઇમારતો અને અન્ય બાંધકામો પાણીથી તણાઈ ગયા હતા, ત્યારે આ ઘર જોરદાર પ્રવાહ વચ્ચે ઊભું રહ્યું.
મજબૂત એન્જિનિયરિંગનો નમૂનો
ઘણા યુઝર્સ ઘરના બાંધકામની પ્રશંસા કરી. કેટલાક લોકોએ તેને મજબૂત એન્જિનિયરિંગના ઉદાહરણ તરીકે ટાંક્યું, જ્યારે અન્ય લોકોએ ટિપ્પણી કરી કે બિલ્ડર પ્રશંસાને પાત્ર છે. જ્યારે ઘર પૂરના પાણીના શક્તિશાળી પ્રવાહનો સામનો કરે છે, ત્યારે તેની માળખાકીય ડિઝાઇન, મજબૂત પાયો, માટીની સ્થિતિ, પાણીના પ્રવાહની દિશા અને આસપાસની ભૂગોળ જેવા પરિબળો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘર અડીખમ રહ્યું એના માટે ઘરની પ્લનિંથ, કોલમ અને છતને કનેક્ટ રાખનારું માળખું જોરદાર મજબૂત હોઈ શકે છે. નેપાળમાં તેને ખાસ કરીને પિલરવાળું ઘર કહેવાય છે.
પૂરના વિનાશ અંગે લોકોએ અવનવી પ્રતિક્રિયા આપી હતી, જેમાં કોઈએ 'પહાડોની સુનામી' કહ્યું હતું તો કોઈએ 'પ્રલયના પુરાવા' ગણાવ્યા હતા. કોઈએ કહ્યું કે હોલીવુડની ફિલ્મો જેવા ડરામણ સીન હતા