Sat Sep 12 2026

Logo

ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે રોડ કનેક્ટિવિટી મજબૂત બનશે, નેશનલ હાઇવે 47 નો ફોર લેન તૈયાર

2026-08-30 16:31:56
Author: Chandrakant Kanoja
ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે રોડ કનેક્ટિવિટી મજબૂત બનશે, નેશનલ હાઇવે 47 નો ફોર લેન તૈયાર

@NHAI_Official


અમદાવાદ: ગુજરાત અને પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ વચ્ચે રોડ કનેક્ટિવિટી વધુ મજબૂત બનવા જઇ રહી છે. જેમાં નેશનલ હાઇવે -47 નો ફોર લેન જે ઇન્દોરથી ઝાબુઆ થઈને ગુજરાત સરહદ સુધી જાય છે પૂર્ણ થઈ ગયો છે.જેના લીધે ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરો વચ્ચે મુસાફરીનો સમયમાં ઘટાડો થશે. 

ધાર, ઝાબુઆ, દાહોદ, ગોધરા અને અમદાવાદને કનેક્ટ કરશે 

આ ચાર-લેન હાઇવે ધાર, ઝાબુઆ, દાહોદ, ગોધરા અને અમદાવાદને આવરી લેતા રૂટ પર હાઇ-સ્પીડ કનેક્ટિવિટીને સરળ બનાવશે. 162 કિલોમીટર લાંબા હાઇવેને ચાર લેનમાં અપગ્રેડ કરવામાં આવ્યો છે. જે ખાસ કરીને ભારે વાહનો માટે ઉપયોગી બનશે. 

અમદાવાદ -ઈન્દોર વચ્ચે માત્ર 6 કલાકમાં પહોંચાશે 

નેશનલ હાઇવે 47 ના ઇન્દોર-ગુજરાત ફોર લેન ઇન્દોર અને અમદાવાદ માટે  ઉપયોગી સાબિત થશે. આ  અગાઉ બંને શહેરો વચ્ચેનું 380 થી 400 કિલોમીટરનું અંતર કાપવામાં 8 થી 9 કલાક લાગતા હતા. અમદાવાદ જનારા વાહનોને અગાઉ સાંકડા રસ્તાઓ અને જંગલ વિસ્તારોમાંથી પસાર થતા જોખમી વળાંકોમાંથી પસાર થવું પડતું હતું. જોકે, ફોર લેન હાઇવે અપગ્રેડ થયા બાદ હવે મુસાફરીમાં ફક્ત 5 થી 6 કલાક લાગશે. જેના પરિણામે મુસાફરી અને બંને શહેરો વચ્ચે માલના પરિવહન બંને માટે નોંધપાત્ર ફાયદા થવા લાગ્યા છે.

અમદાવાદ અને ચોટીલાના ગામ બામણબોર સુધી કનેક્ટિવિટી

આ હાઇવે મધ્ય પ્રદેશના ઇન્દોરથી શરૂ કરીને ધાર અને ઝાબુઆ જેવા આદિવાસી અને ઔદ્યોગિક વિસ્તારોમાંથી પસાર થશે. જે ગુજરાતમાં  દાહોદ અને ગોધરા સાથે અને ત્યારબાદ અમદાવાદ અને ચોટીલાના ગામ બામણબોર( રાજકોટ)  સાથે જોડાશે. આ પ્રોજેક્ટથી ઇન્દોર અને ધાર, ઝાબુઆ, દાહોદ અને ગોધરા શહેરો વચ્ચેની મુસાફરીને નોંધપાત્ર રીતે ટૂંકી અને સુરક્ષિત બનાવી છે.

નેશનલ હાઇવે -47 ગુજરાતના બામણબોરથી નાગપુર સુધી વિસ્તરેલો 

નેશનલ હાઇવે -47  ગુજરાતના બામણબોરથી મધ્યપ્રદેશમાંથી પસાર થઇને મહારાષ્ટ્રના નાગપુર સુધી વિસ્તરેલો છે. જે કુલ 1,006 કિલોમીટરની લંબાઈને આવરી લે છે. ઇન્દોર અને મધ્યપ્રદેશગુજરાત સરહદ વચ્ચેનો આ હાઇવેનો ભાગ આશરે 150 થી 160 કિલોમીટરનો છે. આ પ્રોજેક્ટ હેઠળ નેશનલ હાઇવેએ તાજેતરમાં 16 કિલોમીટર લાંબા મુખ્ય બાયપાસ અને ફરીથી ગોઠવાયેલા વિભાગનું કામ પૂર્ણ કર્યું છે. જેનાથી આ શહેરોને જોડતા સૌથી પડકારજનક ભાગો પર નેવિગેશન સરળ બને છે.