‘મુંબઈ સમાચાર’ આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહમાં કૈલાસ ખેરે આનંદનો મેઘધનુષ રચ્યો
મુંબઈ: બોરીવલીના ચીકુવાડી વિસ્તારમાં ગુરુવારથી શરૂ થયેલા ‘મુંબઈ સમાચાર’ આયોજિત ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’ના બીજા દિવસે - શુક્રવારે સાંજે સંગીત જલસામાં સૂફી અને લોકગીત માટે ખ્યાતિપ્રાપ્ત લોકલાડીલા ગાયક-પદ્મશ્રી કૈલાસ ખેર અને કૈલાસા બેન્ડના પરફોર્મન્સથી ખીચોખીચ મેદની મંત્રમુગ્ધ થઈ હતી. એટલું જ નહીં સરપ્રાઈઝ તરીકે રજૂ થયેલા ગુજરાતી ગીત ‘હે રંગલો જામ્યો કાલંદરીને ઘાટ’ શરૂ થતાની સાથે યુવાન - વડીલ શ્રોતાઓ ખેલૈયાઓ બની ઝૂમી ઊઠ્યા. શુક્રવારની સાંજ ખરા અર્થમાં સંગીતના જલસાની સાંજ બની ગઈ.
બપોરના ત્રણ કલાક ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું રસપાન કર્યા પછી હાજર રહેલા હજારો લોકોમાં કૈલાસ ખેરને સાંભળવા માટે ગજબનાક ઉત્સાહ છલકાતો હતો. ‘કાગા સબ તન ખાઈઓ’, ‘મૈં તો તેરે પ્યાર મેં દીવાના હો ગયા’ અને ‘આઓજી આઓજી’ એમ ત્રણ ગીતથી સમા બાંધી કૈલાસ ખેરે જણાવ્યું કે ‘બોરીવલી સાથે મારો જૂનો નાતો છે. 2002માં હું મુંબઈ પહેલી વાર આવ્યો ત્યારે બોરીવલી સ્ટેશન પર ઊતર્યો હતો.
2006થી મારી કરિયરની શરૂઆત થઈ અને આજે 20 વર્ષ પછી મને બોરીવલીમાં જ કાર્યક્રમ કરવાનો અવસર મળ્યો એ માટે હું આભારી છું. ‘મુંબઈ સમાચાર’નું આ અદ્ભુત આયોજન ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’ અનન્ય છે. માતૃભાષા માત્ર નામ પૂરતી નથી હોતી. આપણે આપણાં મૂળિયાં ન ભૂલવા જોઈએ એ જરૂરી છે. આ અનોખા પ્રયાસમાં લોકોને ભાઈજીની અમૃત વાણીનો લાભ મળી રહ્યો છે એ સોનામાં સુગંધ ભળવા બરાબર છે.’
(તસવીરો: અમય ખરાડે)
ત્યારબાદ સૂફી - પોપનું મિશ્રણ એવા ‘તૌબા તૌબા’ ગીતથી સંગીત સફર આગળ ચલાવી અને જ્યારે ફિલ્મનું ગીત ‘કૈસે બતાયેં ક્યોં તુજકો ચાહેં’ રેલાયું ત્યારે ઘણા લોકો મોબાઈલની સ્ક્રીન પર ગીતના બોલ વાંચી ઝૂમી રહ્યા હતા. લોકોને તાન ચડી હોવાનો ખ્યાલ આવતા જ કૈલાશજીએ ‘પ્રીત કી લત મોહે ઐસી લાગી’ના સૂર રેલાવ્યા અને હાજર મેદનીને જાણે સંગીતની લત લાગી હોય એવો માહોલ બની ગયો. વાતાવરણ ઉત્સાહ - ઉલ્લાસના ઉચ્ચતમ તબક્કા જેવું બની ગયું હોવાનો અણસાર આવી જતાં ‘સરપ્રાઈઝ કી પુડિયા ખોલ રહા હૂં’ એમ કહી ‘હે રંગલો જામ્યો કાલંદરીને ઘાટ’ શરૂ કરતા કોઈના પગ જગ્યા પર બેસવા તૈયાર નહોતા અને ઉંમરને ઉત્સાહ - ઉમંગ સાથે નિસ્બત નથી હોતી એ સિદ્ધ કરતા હોય એમ લોકો મન મૂકી નાચવા લાગ્યા.
(તસવીરો: અમય ખરાડે)
અંતે હોલ સ્ટેડિયમ જેવો લાગવો જોઈએ એમ કહી હાજર દરેક વ્યક્તિ પાસે મોબાઈલની ટોર્ચ ચાલુ કરાવી ગીત ગાઈ લોકોની સાંજ રળિયામણી બનાવી દીધી.કૈલાસ ખેરે કાર્યક્રમના અંતમાં એમના આગવા અંદાજમાં રમૂજનો છંટકાવ કરી શુક્રવારની સાંજને સફળ બનાવવા માટે અને તેમના કૈલાસા બેન્ડને ભાવતાલની કટકટ કર્યા વિના આમંત્રણ આપવા બદલ ‘મુંબઈ સમાચાર’ અને આયોજન સાથે સંકળાયેલા લોકોનો આભાર માન્યો હતો.
(તસવીરો: અમય ખરાડે)
સૌપ્રથમ ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે ‘ઉત્તર ભારતમાં દુબે હોય એ ગુજરાતમાં દવે કહેવાય, બે વેદના અભ્યાસુ દવે. ભારતનું જ નહીં, એશિયાના સૌથી જૂના અખબારનું તંત્રીપદ તેઓ સંભાળે છે.’ ત્યારબાદ મુખ્ય મનોરથી સ્કાયલાઈન ઈન્ફ્રાના સૌરભ મહેતાનો ઉલ્લેખ ગોલ્ડન હાર્ટવાળા વ્યક્તિ તરીકે કરી ‘તેઓ જે મકાન બનાવે છે એ આપના કામનું છે’ એમ જણાવ્યું હતું. એમના પત્ની ઈશિતા મહેતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભાગવત સપ્તાહના સહ મનોરથી ‘ગંધાર ગ્રુપ ઓફ કંપનીઝ’ના રમેશભાઈ પારેખ તેમજ ‘શોબિઝ ઈવેન્ટ’ના સંતોષ સિંહનો ઉલ્લેખ કરી આવા મોટા યજ્ઞની સફળતા માટે ઘણા યજમાનો એકઠા થાય એ જરૂરી છે અને ‘મુંબઈ સમાચાર’ના આ કાર્યક્રમમાં એ દેખાઈ રહ્યું છે એમ જણાવ્યું હતું.
(તસવીરો: અમય ખરાડે)
આ ઉપરાંત ‘હાઈટેક ઈવેન્ટ’ના જિજ્ઞેશ ભુતા, ‘બ્રાઇટ આઉટડોર’ના ડો. યોગેશ લાખાણી, આયોજનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા રાજુ સાવલા અને ડેકોરેશનમાં ચાર ચાંદ લગાવનારા વિજય શાહનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ મંચ પર હાજર બધા મહાનુભાવોને પોતાનું સ્ટેટસ વિસરી બાળક બની મન મૂકી નાચવાનો આગ્રહ કર્યો હતો. કૈલાસજીએ ‘યે દુનિયા ઉટ પટાંગા, કિથ હાથ તે કિથે ટાંગા’ પંક્તિ શરૂ કરી અને સ્ટેજ પરના બધા મહાનુભાવો ઉજવણીમાં જોડાયા.