બાળકોના સ્વાસ્થ્ય રક્ષણ માટે શાળા કેમ્પસ અને આસપાસ જંકફૂડના વેચાણ પર રોક લગાવવા સંચાલક મહામંડળે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો
ગાંધીનગરઃ મહારાષ્ટ્રના માફક હવે ગુજરાતમાં શાળાઓની આસપાસના પરિસરમાં જંકફૂડના સેવન પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી છે. શાળાએ જતાં બાળકોમાં પૌષ્ટિક આહારને સ્થાને જંક ફૂડની આદત એક દૂષણ બની ગયું છે. ત્યારે રાજ્ય શાળા સંચાલક મહામંડળ (ગુજરાત પ્રદેશ) દ્વારા રાજ્યના કેબિનેટ અને રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાનોને એક મહત્વપૂર્ણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.
આ પત્રનો મુખ્ય વિષય શાળાકીય કેમ્પસ અને શાળાઓની આસપાસ 100 મીટરના વિસ્તારમાં જંકફૂડ તેમ જ અસ્વાસ્થ્યપ્રદ ખાદ્યપદાર્થોના વેચાણ પર નિયંત્રણ અને જરૂરી નિયમો બનાવવા અંગેનો છે. મીડિયામાં નાના બાળકોમાં વધી રહેલા ગંભીર રોગોના સમાચારો અને આરોગ્ય વિભાગની ચિંતાને ધ્યાનમાં રાખીને મંડળે આ કડક પગલાં લેવાની માંગણી કરી છે, જેથી બાળકોના સર્વાંગી વિકાસની સાથે તેમના સ્વાસ્થ્યનું પણ રક્ષણ કરી શકાય.

મહામંડળ દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આજકાલ બાળકોમાં પેકેટવાળા, વધુ પડતા તેલ અને ખાંડવાળા ખાદ્યપદાર્થોનું સેવન ખૂબ વધી ગયું છે, જે એક ચિંતાનો વિષય છે. આ સમસ્યાના ઉકેલ માટે મંડળે પાંચ મુખ્ય સૂચનો રજૂ કર્યા છે. પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓની 100 મીટરની ત્રિજ્યામાં જંકફૂડ વેચતી દુકાનો કે લારીઓ પર નિયંત્રણ કે પ્રતિબંધ મૂકવો, શાળાના કેમ્પસમાં ચાલતી કેન્ટીનોમાં આવા પદાર્થોનું વેચાણ સદંતર બંધ કરાવવું અને શાળામાં અપાતા નાસ્તા કે ભોજનમાં તળેલું, તીખું કે નબળી ગુણવત્તાવાળું ભોજન ન પીરસાય તે માટે કડક નિયમો બનાવવાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચાલતી શાળાની કેન્ટીનનું પંચાયત કે કોર્પોરેશનમાં ફરજિયાત રજીસ્ટ્રેશન થાય અને આરોગ્ય વિભાગ દ્વારા તેનું સમયાંતરે ચેકિંગ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે.વિદ્યાર્થીઓમાં પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ આવે તે માટે શાળાઓમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. પત્રના અંતમાં મંડળે સ્પષ્ટપણે નોંધ્યું છે કે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય એ રાજ્યના ભવિષ્યનું સ્વાસ્થ્ય છે, તેથી બાળકોને નુકસાનકારક જંકફૂડથી બચાવવા અને શાળાઓની આસપાસ સ્વચ્છ તથા આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાઓને લાગુ પડે તેવી એક સ્પષ્ટ નીતિ, માર્ગદર્શિકા કે પરિપત્ર સત્વરે બહાર પાડવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.