(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ જૂનાગઢ શહેરમાં નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલા તત્વો દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી માટે નવા-નવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતા સામે ગુનેગારોની તમામ યુક્તિઓ નિષ્ફળ સાબિત થઈ હતી. તાજેતરમાં જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ને ઓડિશા રાજ્યમાંથી ટપાલ મારફતે મંગાવવામાં આવેલો વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી.
એસઓજી ટીમને ખાનગી બાતમી મળી હતી કે જૂનાગઢના અમિત ઉર્ફે ચેમ્પિયન અને કિરણ રાઠોડ નામના શખ્સોએ ઓડિશાથી ટપાલ સેવા મારફતે પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મંગાવ્યો છે અને આ પાર્સલ ભવનાથ પોસ્ટ ઓફિસ ખાતે આવી પહોંચ્યું હતું. આ બાતમીના આધારે પોલીસે પોસ્ટ ઓફિસ નજીકના માર્ગ પર સફળ રેઈડ ગોઠવી, પાર્સલ મેળવવા આવેલા બે શખ્સોને સ્થળ પર જ કોર્ડન કરીને ઝડપી લીધા હતા.
તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 4.239 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 2.12 લાખ રૂપિયા આંકવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે એક મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ સહિત કુલ 2,51,950 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા બંને આરોપીઓ, જૂનાગઢના રહેવાસી રઇશખાન પઠાણ અને સોહીલ શેખ, પર ભવનાથ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા હજુ પાંચ આરોપીઓ ફરાર છે, જેમને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધારો અમિત ઉર્ફે ચેમ્પિયન રાઠોડ અને કિરણ રાઠોડ ઉપરાંત ઓડિશાથી પાર્સલ મોકલનાર ગોપી દાદા તથા જૂનાગઢના અકીલ સીડા અને સમુન લાસારીનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આ તમામ ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.