Mon Sep 28 2026

Logo

જમ્મુ કાશ્મીરમાં સૈન્યએ બે આતંકવાદીઓને ઠાર માર્યા, ઉધમપુરમાં સર્ચ ઑપરેશન શરૂ

2026-09-17 10:18:00
Author: Mumbai Samachar Team
જમ્મુ કાશ્મીરમાં સૈન્યએ બે આતંકવાદીઓને ઠાર માર્યા, ઉધમપુરમાં સર્ચ ઑપરેશન શરૂ

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના ઉધમપુરના મજલ્ટા વિસ્તારમાં સૈન્ય અને ત્રાસવાદીઓ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હોવાની વિગત મળી રહી છે. આ ઑપરેશનમાં સૈન્યએ બે આતંકવાદીઓને ફૂંકી મારવામાં આવ્યા છે. સુરક્ષા જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ છે. સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર મજલ્ટાના સુદૂર વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાના ઈનપુટ મળ્યા હતા. જેની સામે સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી સૈન્ય, પોલીસ અને CRPFએ સાથે મળી સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઑપરેશન શરૂ થતાની સાથે જ ત્રાસવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સામે સૈન્યએ પણ ફાયરિંગ કરીને વળતો જવાબ આપ્યો હતો. 

સામસામે ફાયરિંગ થયું
ફાયરિંગ અને બ્લાસ્ટના અવાજથી આસપાસના વિસ્તારો પણ ધણધણી ઊઠ્યા હતા. સૈન્યએ આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે જે તે વિસ્તારમાં શંકાસ્પદ અડ્ડા પર હુમલો કરી દીધો હતો. આખી રાત યથાવત રહેલું ઑપરેશન વહેલી સવારે શાંત પડ્યું હતું. પણ ગુરૂવારે સવારે ફરી એ જ વિસ્તારમાં ફાયરિંગ થતા સૈન્યએ રણનીતિ અપનાવીને વળતો જવાબ આપ્યો હતો. આ વખતે આતંકીઓ ઘેરો તોડને ભાગવાના મૂડમાં હતા. આ માટેના પ્રયાસ કર્યા હતા. સૈન્યે જવાબી ફાયરિંગ કરીને બે આતંકીઓને ઠાર માર્યા હતા. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. પોલીસની ગાડીઓ પણ વિસ્તારમાં શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરી રહી છે. કાશ્મીર પોલીસનું એવું કહ્વું છે કે, કેટલીક શંકાસ્પદ પ્રવૃતિઓ ચાલી રહી હતી. આ પછી સૈન્યને ઈનપુટ મળ્યા હતા. ત્યાર બાદ સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આતંકી સંગઠન સાથે ક્નેક્શન
રસ્તા ઉપર પણ વાહનોનું ચેકિંગ કાશ્મીર પોલીસે શરૂ કરી દીધું હતું. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ કાશ્મીરના બડગામ પાસે આવેલા જંગલ વિસ્તારમાં ઘર્ષણ થયું હતું. જ્યાં સૈન્યએ લશ્કર એ તોએબાના ટોપના કમાન્ડરને ઠાર માર્યો હતો. એમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં પણ સૈન્ય સતત વૉચ રાખી રહી હતી. કુપવાડા, બારામુલા, સોપોર તથા કુલગામમાં પણ સૈન્યએ જુદા જુદા 10 અડ્ડાઓ પર દરોડા પાડીને સર્ચ કર્યું હતું. સૈન્ય તરફથી સમયાંતેર આ પ્રકારનું ગ્રાઉન્ડ વર્ક કરીને આતંકી નેટવર્કને તોડી પાડવામાં આવે છે. આ વખતે બે આતંકીઓને ઠાર મારીને તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. એની ઓળખ હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવી નથી. પણ કોઈ મોટા આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાનું હાલ મનાય રહ્યું છે.