Sat May 16 2026

Logo

કાશ્મીરમાં આતંકી નેટવર્ક પર મોટો પ્રહાર: સોપોરમાં જમાત-એ-ઇસ્લામીના 15થી વધુ ઠેકાણા પર પોલીસના દરોડા

2026-05-16 14:12:00
Author: Vimal Prajapati
Article Image

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદી નેટવર્કને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે સુરક્ષા દળો સતત કડક કાર્યવાહી કરી રહ્યા છે. આ અંતર્ગત કાશ્મીરના સોપોરમાં પોલીસે પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઇસ્લામી (JeI) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને એકસાથે 15થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પ્રતિબંધક અધિનિયમ (UAPA) હેઠળ નોંધાયેલા એક કેસના સંદર્ભમાં કરવામાં આવી છે.

15થી વધુ વિસ્તારોમાં પોલીસ ત્રાટકી

સોપોર પોલીસ સ્ટેશનમાં UAPA એક્ટની કલમ 10 અને 13 હેઠળ દાખલ થયેલી FIR નંબર 42/2025 ના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની અલગ-અલગ ટીમોએ સોપોરના અનેક સંવેદનશીલ વિસ્તારોને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં મુખ્યત્વે જામિયા કદીમ, નસીમ બાગ, ક્રાંકશિવન, તારઝૂ, અમરગઢ, વારપોરા, બોમાઈ, બોઇટીંગુ અને અન્ય વિસ્તારો સામેલ છે.

પોલીસ પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ દરોડા સ્પેશિયલ UAPA કોર્ટમાંથી કાયદેસરનું સર્ચ વોરંટ મેળવ્યા બાદ જ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઓપરેશન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા મુજબ પૂર્ણ કરાયું હતું. સર્ચ દરમિયાન પોલીસને પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલું આપત્તિજનક જેહાદી સાહિત્ય અને દસ્તાવેજો મળી આવ્યા છે, જેને જપ્ત કરીને આગળની તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.

'બિસાતી' ની 20 લાખની મિલકત જપ્ત કરવામાં આવી 

પાકિસ્તાનથી ઓપરેટ થતા આતંકી 'બિસાતી' ની 20 લાખની મિલકત જપ્ત કરવામાં આવી છે. આ દરોડા પહેલા ગત 10 મેના રોજ પણ સોપોર પોલીસે આતંકી ફંડિંગ અને લોજિસ્ટિક નેટવર્ક તોડવા માટે એક મોટી મિલકત ટાંચમાં (Attach) લીધી હતી. પોલીસે બાંદીપોરા જિલ્લાના કેહનુસામાં આવેલી 10 મરલા જમીન (અંદાજિત કિંમત રૂપિયા 20 લાખ) જપ્ત કરી લીધી છે. આ મિલકત પ્રતિબંધિત આતંકી સંગઠન 'હિઝબુલ મુજાહિદ્દીન' સાથે જોડાયેલા આતંકી હેન્ડલર માજિદ અહમદ સોફી ઉર્ફે 'બિસાતી' ની હતી. 

પોલીસના જણાવ્યાં પ્રમાણે માજિદ સોફી હાલમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં બેસીને કાશ્મીર ખીણમાં આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા અને આતંકીઓને ફંડિંગ પૂરું પાડવાનું કામ કરી રહ્યો છે. આતંકવાદને મદદ કરી કે આશરો આપ્યો અથવા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થશે તેની સામે કાયદા હેઠળ કડકમાં કડક પગલાં લેવામાં આવશે.