Mon Jun 08 2026

Logo

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની માઠી અસર: ખાંડના ભાવ ગબડ્યાં, પણ પતાસા થશે મોંઘા

2026-03-12 17:53:48
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ હાલ ચાલી રહેલા ખાડી યુદ્ધને કારણે આખા વિશ્વમાં તેની માઠી અસરો જોવા મળી રહી છે. ભારતમાં પણ આની મોટી અસર પડી હોવાનું જોવા મળી રહ્યું છે. યુદ્ધથી ખાંડના કારખાનાઓ અને ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે, જયારે શાકભાજી સસ્તા થયા છે. બજારમાં કેળાના ભાવ પણ ગગડવાની  શક્યતા છે. તે જ સમયે, હિન્દુ નવા વર્ષ ગુડી પડવા દરમિયાન પતાસાના ભાવમાં વધારો થવાની ધારણા છે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થવાથી, ઘણી જગ્યાએ ઘરેલુ ગેસ સિલિન્ડરના કાળા બજાર થવાની આશંકા છે. હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરવાની માલિકોને ફરજ પડી છે. ઘણા શહેરોમાં ઘરેલુ ગેસ સિલિન્ડર માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. યુદ્ધની અસરો હવે રાજ્યના નાગરિકો પણ અનુભવી રહ્યા છે.

યુદ્ધની અસર હવે ખાંડ ઉદ્યોગ પર પણ દેખાવા લાગી છે. યુદ્ધ શરૂ થયા પછી કેન્દ્ર સરકારે ખાંડ ફેક્ટરીઓને આપેલો નિકાસ ક્વોટા લગભગ અટકી ગયો છે. નિકાસ બંધ થવાને કારણે સ્થાનિક બજારમાં ખાંડનો જથ્થો વધી ગયો છે અને ખાંડના ભાવમાં ઘટાડો થયો છે. થોડા દિવસો પહેલા 3700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાતી ખાંડના ભાવ ઘટીને 3200 રૂપિયાની આસપાસ થઈ ગયો છે. 

ભાવમાં ઘટાડાની સીધી અસર ખેડૂતોના શેરડીના ટેકાના ભાવ પર થવાની શક્યતા છે. યુદ્ધને કારણે નિકાસ બંધ થવી, બજારમાં ભાવમાં ઘટાડો અને સ્ટોકમાં વધારો, આ ત્રિવિધ કટોકટીને કારણે ખાંડના કારખાનાઓ નાણાકીય મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યા છે. તેથી, ખાંડ ઉદ્યોગ સરકાર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યો છે.

ગુડી પડવા પર શેરડી મોંઘી થશે

સાડા ત્રણ મુહૂર્તમાંનો એક ગુડી પડવાના તહેવાર પર પતાસાની માળાનું ખૂબ મહત્વ હોય છે. આ દિવસે પતાસાની માળા પહેરાવીને ગુડીની પૂજા કરવામાં આવે છે. પરંતુ વધતી મોંઘવારીને કારણે પંઢરપુરમાં આ માળાનાં ભાવ આસમાને પહોંચી ગયા છે. ખાંડ અને મજૂરીના ભાવમાં થયેલા ભારે વધારાને કારણે આ વર્ષે ભાવમાં લગભગ ચાલીસ ટકાનો વધારો થયો છે. 

ગુડી પડવાના તહેવાર દરમિયાન સામાન્ય લોકોને મોંઘવારીનો  માર લાગ્યો છે. ખાંડની સાથે, અન્ય કાચા માલના ભાવમાં પણ બે-ત્રણ ગણો વધારો થયો છે, એમ ઉત્પાદક નાગેશ ઘોડકેએ જણાવ્યું હતું.