Sun May 31 2026

Logo

IPL ફાઈનલ: અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અભેદ્ય કિલ્લામાં ફેરવાયું, ક્રિકેટપ્રેમીઓનો ભારે ધસારો

2026-05-31 16:44:31
Author: Vimal Prajapati
Article Image

ફાઈનલ મેચને લઈને એરપોર્ટથી સ્ટેડિયમ સુધી સેલિબ્રિટીઝ અને ચાહકોની ભીડ, સુરક્ષા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમ એક્ટિવ

અમદાવાદઃ આજે આઈપીએલની ફાઈન મેચ અમદાવાદ ખાતે યોજાવાની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPLની ફાઈનલને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છવાયેલો છે. આ ફાઈનલ મેચ જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ પહોચ્યાં છે. માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ જાણીતી હસ્તીઓ, ભૂતપૂર્વ ક્રિકેટર્સ, રાજકીય નેતાઓ અને VVIP લોકો, બોલિવુડ એક્ટર અને એકટ્રેસ પણ આ ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા છે. ખાસ કરીને જાણીતા અભિનેતા વરૂણ ઘવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર અમદાવાદ એરપોર્ટ ખાતે સ્પોટ થયા હતા. 

મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાને કારણે અંદાજે 3,000થી વધુ પોલીસ કર્મચારીને તહેનાત કરવામાં આવ્યા છે, જેમાં ટ્રાફિક પોલીસ, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિત અન્ય સુરક્ષા એજન્સીના જવાનનો સમાવેશ થાય છે.

સુરક્ષા માટે પોલીસની તમામ તૈયારીઓ પૂર્ણ
IPLની ફાઈનલ મેચ જોવા માટે લાખોની સંખ્યામાં લોકો આવવાના છે. આ લાખોની જનમેદની વચ્ચે રમાનારી આ હાઈ-પ્રોફાઈલ મેચમાં સુરક્ષા, સરળ સંચાલન અને દર્શકોને સુરક્ષિત અનુભવ પૂરો પાડવા માટે ગુજરાત પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે.  ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોતે સુરક્ષા સમીક્ષા કરીને પોલીસ વિભાગને સુદ્રઢ વ્યવસ્થા જાળવવા કડક આદેશ આપ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. 

ફાઈનલ આરસીબી અને ગુજરાત વચ્ચે હોવાથી દેશભરમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો અમદાવાદ પહોંચી ગયા છે. મોટા ભાગે તો લોકો મેટ્રો, ટેક્સી અને ઓટો રિક્ષા દ્વારા સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યાં છે. જ્યારે મોટી સંખ્યામાં ખાનગી કાર સહિતના વાહનોમાં પણ સ્ટેડિય ખાતે આવ્યાં છે. આ મેચ જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યાં છે. 

કલાકોમાં 45,000 ટિકિટ વેચાઈ
ફાઈનલ મેચની ટિકિટની વાત કરવામાં આવે તો, સવારે 10 વાગ્યા ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા વિગતો પ્રમાણે માત્ર દોઢ જ કલાકમાં 45 હજાર એટલે કે 30 ટકાથી પણ વધારે ટિકિટનું વેચાણ થઈ ગયું હતું. અત્યારે પણ ટિકિટ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. ફાઈનલ મેચમાં ઓનલાઈન ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયાં છે, છતાં પણ લોકો ટિકિટ ખરીદી રહ્યાં છે, આ દર્શાવે છે કે, લોકો આઈપીએલ અને ક્રિકેટ પાછળ કેટલા ઘેલા છે!

'એન્ટી ડ્રોન સિસ્ટમ' એક્ટિવ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ કોઈ અનિચ્છનીય ડ્રોન એક્ટિવિટી થાય નહીં તેના માટે અત્યાધુનિક 'એન્ટી ડ્રોન સિસ્ટમ' એક્ટિવ કરવામાં આવી છે. આ સાથે સુરક્ષાના ભાગરૂપે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. આખા સ્ટેડિયમની તપાસ કરવામાં આવી રહી છે. લોકોની ભીડને કાબૂમાં રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ બેરિકેડિંગની ગોઠવણ કરવામાં આવી છે. પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ આખા સ્ટેડિયમને અત્યારે અભેદ કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. 

આ રસ્તાઓ આજે બંધ રહેશે
અમદાવાદના મોટેરા વિસ્તારમાં જતા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. કારણ કે, જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટથી કૃપા રેસિડન્સીથી મોટેરા ગામ સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ માટે વૈકલ્પિક રૂટ તપોવન સર્કલથી ઓઓનજીસી ચાર રસ્તાથી વિસત સર્કકથી જનપથથી પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધરાવળ સર્કલ સુધી આવવા-જવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે કૃપા રેસિડન્સીથી શરણ સ્ટેટ્સ ચાર રસ્તાથી ભાટ કોટેશ્વર રોડથી એપોલો સર્કલ તરફ પણ વૈકલ્પિટ રૂટ આપવામાં આવ્યો છે.