Thu Apr 23 2026

Logo

બચત તથા રોકાણ: એના માટે વર્તમાન સમયમાં અમલમાં મૂકવા જેવું શું ?

2026-04-05 09:01:55
Author: જયેશ ચિતલિયા
Article Image

હાલમાં ઈરાન-ઈઝરાયલ-અમેરિકાના યુદ્ધનાં  પરિણામે લગભગ આખું વિશ્વ સહન કરી રહ્યું છે. એની જબરી અસર સમગ્ર અર્થવ્યવસ્થા પર થઈ છે. આ સંજોગોમાં સામાન્ય નાગરિકો-સેવર્સ-ઈન્વેસ્ટર્સ શું ધ્યાનમાં રાખશે તો એની અસરોની ઓછી પીડામાંથી પસાર થવું પડે ...

જયેશ ચિતલિયા

ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ તરતમાં પતી જવાની વાત તો બાજુએ રહી, એ વધુ વિફરવાની શકયતા ઊભી થઈ છે, જેનું કેન્દ્રિય કારણ ટ્રમ્પ છે. ટ્રમ્પ કેટલાં સાચા, કેટલાં ખોટા એ તો એમના જિસસ જાણે, પરંતુ ટ્રમ્પ હાલ યુએસ ઈકોનોમીને બચાવી લેવા તમામ પ્રકારના ધમપછાડા કરી રહ્યા છે અને કરશે. દેવાના ડુંગરો-પહાડો હેઠળ દબાયેલા યુએસ પાસે હાલ પોતાનું અને ડૉલરનું વર્ચસ્વ જમાવી રાખવા આ એક માર્ગ જ દેખાતો હોવાનું લાગે છે. 

ટ્રમ્પને ડૉલરને ઊંચો રાખવા, ક્રૂડ ઓઈલ પર પોતાનો કબ્જો વધારવા પોતાની જ સર્વોપરિતા જોઈએ છે, વેનેઝુએલા સાથે ટ્રમ્પે શું કર્યુ એ નજર સામે છે. જેથી ટ્રમ્પસાહેબના તોફાન ચાલુ રહેશે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે કે વધી પણ શકે,  આ બધા વચ્ચે યુદ્ધની આડ અસરોમાંથી આપણો દેશ પણ બાકાત રહ્યો નથી. આવા સમયમાં આપણા દેશના આર્થિક ફંડામેન્ટલ્સ મજબૂત હોવા છતાં કયાંક આવી પડેલા ગંભીર પડકારોની અસરે નબળાં પડવા લાગ્યા છે. 

વડા પ્રધાને દરેક રાજયોના ચીફ મિનિસ્ટર્સની બેઠકમાં દેશની આ સ્થિતિમાં ઉપાય કરવા-સહકાર આપવા અને યોગ્ય રીતે વહીવટ સંભાળી લેવા અનુરોધ કર્યો છે. એલપીજીની અછત ભારતને ભારે પડી રહી છે. ક્રૂડની અને રૂપિયાની નેગેટિવ અસર કયારની ચાલી રહી છે.
હાલ તો શેરબજારમાં કડાકા અને મ્યુચ્યુઅલ ફંડસના નોંધપાત્ર ઘટાડાની અસરે કરોડો રોકાણકારોના પોર્ટફોલિયોનું ધોવાણ થયું છે. એક અંદાજ મુજબ રોકાણકારોની છેલ્લા બે વરસની કમાણી કે પ્રોફિટ ધોવાઈ ગયા છે. ઈકિવટીઝ ઉપરાંત સોના-ચાંદી પણ ઠંડા પડયા છે. દેશના આર્થિક વિકાસની ગતિ મંદ પડવાની સંભાવના પણ છે. ફાઈનાન્શિયલ માર્કેટ સંકોચાતું જાય છે. વ્યાપક રોકાણકાર વર્ગ મૂંઝવણ અને ચિંતામાં છે, હવે કરવું શું એ વિશે મહત્તમ ક્ધફયુઝ છે.

ફોરેન ઈન્વેસ્ટર્સ સતત વેચવાલ

ગયા સપ્તાહમાં શેરબજારમાં એક નોંધવા જેવી વાત તે થઈ કે ફોરેન ઈન્સિટટયુશનલ ઈન્વેસ્ટર્સ (એફઆઈઆઇ) એ નાણાકીય વરસ 2026માં ભારતીય માર્કેટમાંથી 1.6 લાખ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા અને તેની સામે સ્થાનિક સ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ) એ 8.5 લાખ કરોડ રૂપિયા ભારતીય બજારમાં મુકયા હતા. જો આપણા આ સંસ્થાકીય રોકાણકારોએ આમ ન કર્યું હોત તો બજારની શું દશા થઈ હોત એ વિચારી લેજો. 

એફઆઈઆઈનો આ જંગી

ઉપાડ મોટેભાગે યુદ્ધની ક્રાઈસિસમાં રૂપિયાની કથળેલી સ્થિતિને કારણે રહ્યો છે. છેલ્લાં  14 વરસમાં રૂપિયો તેના બૂરામાં બૂરા સમયમાંથી પસાર થઈ રહ્યોે છે. જોકે નાણાં પ્રધાનના મતે ભારતીય રૂપિયો અન્ય દેશોની કરન્સની સામે બહેતર અથવા ઓછો તૂટયો છે. બીજીબાજુ, ક્રૂડના ભાવ અસાધારણ સંજોગોમાં વધતા જાય છે, હજી અનિશ્ર્ચિંતતા ઊભી જ છે. 

આ દસ મુદા વિચારો ને અમલ કરો... 

બાય ધ વે, વર્તમાન સંજોગોમાં ચોકકસ બાબતો સમજી લેવી જરૂરી છે.

એક : દરેકે પોતાના ખર્ચ પર ચોકકસ કાપ મૂકવો પડશે, બિનસમજદાર માણસો ખર્ચ જેમ છે એમ ચાલુ રાખીને બચત પર કાપ મૂકવાનું પગલું ભરે છે, જે એક ગંભીર ભૂલ હોય છે. ખરેખર તો બચત સંભવ હોય તેટલા પ્રમાણમાં ચાલુ રાખવાનો અથવા વધારવાનો આ સમય ગણાય.

બીજું : શેરબજારમાં રોકાણ હોય તો તેના પોર્ટફોલિયોની સમીક્ષા કરવી જોઈશે, તેને સમય આપવો જોઈશે. સારા સ્ટોકસ પેનિકમાં વેચવાની ઉતાવળ કરવી નહીં. આમ પણ હાલ તો બજાર ખાસ્સું ઘટી ગયું હોવાથી અને વેલ્યુએશન વાજબી સ્તરે આવી ગયા હોવાથી સંજોગો નોર્મલ થવાની રાહ જોવી રહી. કેમ કે નીચા લેવલે ખરીદીની તક મળશે.

ત્રીજું : આમ છતાં, ખરીદી કરવાની જલ્દબાજી કરવી નહીં, તબકકાવાર અને બહુ સિલેકટેડ સ્વરૂપે જ ખરીદી કરવી જોઈશે. 

ચોથું : મ્યુચ્યુઅલ ફંડસમાંના રોકાણની વેલ્યૂ પણ ભરપૂર ડાઉન ગઈ જ હશે, તેમ છતાં તેમાં પણ નાણાં ઉપાડી લેવાની ભૂલ કરવા જેવી નથી. સિવાય કે રોજિંદી લાઈફમાં આર્થિક કટોકટી આવી ગઈ હોય કે નાણાંની પ્રવાહિતાની જરૂર ઊભી થાય તો બેંક એફડી ભલે ઉપાડી લો, પરંતુ મ્યુચ્યુઅલ ફંડના નાણાં ઉપાડવા નહીં.

પાંચમું : સંભવ હોય તો મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) જેવા માર્ગમાં રોકાણ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. આ માર્ગે રોકાણનો આ ઉત્તમ અવસર કહેવાય.

છઠ્ઠું : ઈમર્જન્સી ફંડ તરીકે છ થી બાર મહિનાનું ભંડોળ હાથ પર અથવા બેંકમાં સાચવી રાખો.

સાતમું : જેના વિના ચાલી શકે એમ હોય એવા તમામ લકઝરી ખર્ચ સાવ બંધ કરવામાં શાણપણ રહેશે. (જેમને પોષાતા હોય એ ભલે કરે).

આઠમું : આ સમયમાં વ્યક્તિ કે કંપનીએ (બિઝનેસ) સર્વાઈવલ અને સ્ટેબિલિટી માટે સેવિંગ પર વિશેષ ભાર મૂકવો જોઈએ.

નવમું : આ સમયમાં ગભરાટ થઈ શકે, પણ આ ગભરાટ કે ફ્રસ્ટ્રેશનમાં આડેધડ રોકાણ કરવાનું જોખમ લેવાને બદલે આવશ્યક ચીજો અને સેવાઓ સંબંધી ક્ષેત્રમાં રોકાણ કરી શકો. યુદ્ધના માહોલમાં મોટાભાગના લોકો રોકાણ જ બંધ કરી દે છે, જયારે કે આ સમયમાં ધીરજપૂર્વક લોંગટર્મ ઈન્વેસ્ટમેન્ટ કરાય. લાાગણીવશ કે આવેશમાં કરાતું રોકાણ ખોટમાં નાખી શકે છે.

દસમું : લેપટોપ કે ડાયરી હાથમાં લઈ કયા લગડી સ્ટોકસ યુદ્ધ બાદ કેટલાં ઘટયા છે તેનો હિસાબ મેળવીને સંબંધિત સ્ટોકસના ભાવોની રેન્જ અને તે કંપનીઓની કામગીરી જોઈ જવી જોઈએ. 

ઈકોનોમી અને માર્કેટના આવા કટોકટીના અને અનિશ્ર્ચિંતતાના સંજોગો અભ્યાસ માટેનો સમય ગણાય. આમાં નવેસરથી રોકાણ વ્યૂહરચના ઘડવી અથવા ધીરજથી નિરીક્ષણ કરતા રહેવામાં ડહાપણ-શાણપણ ગણાય.

શેરબજારે ફરીવાર સપ્તાહ નેગેટિવ સપ્તાહ પસાર કર્યુ છે, બેન્ચમાર્ક ઈન્ડેકસ નીચા જતા ગયા છે, બોટમ દેખાતી નથી. હાલ ખર્ચ પર કાપ અને સેવિંગ વધારવા પર ધ્યાન આપવું એ એક મહત્ત્વનો ઈલાજ કહી શકાય.