Sun May 24 2026

Logo

ચોખવટ  ક્યારે કરવી ક્યારે ન કરવી?!

2026-05-24 09:35:00
Author: Jui Parth
Article Image

જૂઈ પાર્થ

 

કોકિલાબહેન છેલ્લા કેટલાય દિવસથી રઘવાટમાં રહે. જરૂર હોય કે ના હોય પણ દરેક વાતે સફાઈ આપે. ઘરના કહે  પણ ખરા કે આવી નાની-નાની બાબતે શું આટલી ચોખવટો કરવાની? પાણીપુરી ભાવે તો ખાઈ લીધી, એમાં શું? બપોરે આંખ લાગી ગઈ ને કુરિયર પાછું ગયું તો એમાં શું તકલીફ થઈ ગઈ?! આજે વહેલા ના ઉઠાયું તો રાત્રે સરખી ઊંઘ પણ નહોતી જ આવીને?! બહેનપણીને મળવા ગયા એમાં રસોઈ કરતાં 15 મિનિટ મોડું થયું, હવે કોઈ વાર તો ચાલે જ ને?!

 

પણ ના, કોકિલાબહેન તો  પાણીપુરી કેમ ખાધી, કુરિયર કેમ પાછુ ગયું, વહેલા કેમ ના ઉઠાયું, રસોઈ મોડી કેમ બની વગેરે જેવા ના પુછાયેલા સવાલના જવાબ પણ પહેલેથી જ આપી દે છે કેમ કે જે પ્રશ્નોના જવાબ આપવા તેમને નહોતા ગમતા કે જરૂરી નહોતા લાગતા તે આપવાની હવે તેમને આદત પડી ગઈ છે. અને કદાચ એટલે જ કોકિલાબહેન કોઈના પ્રશ્ન પૂછવાની રાહ નથી જોતાં. પોતે જે કર્યું હોય તેનું કારણ જણાવીને ચોખવટ કરી લે છે

 

આપણા કહેવાતા આધુનિક સમાજમાં આવાં અસંખ્ય કોકિલાબહેનો જીવે છે, જેમને જરૂર ન હોય તો પણ  સફાઈ આપવાની આદત પડી ગઈ છે. જીવનનાં વિવિધ પાત્રો ભજવતાં-ભજવતાં, તે જવાબ આપવા ટેવાઈ ગયાં છે, દીકરી, ગર્લફ્રેન્ડ, પત્ની, વહુ, મા, દાદી આ દરેક પાત્રમાં જે સામ્યતા દેખાય છે તે એ છે કે તેમને આજે પણ પુછાયેલા પ્રશ્નનો સાચો જવાબ આપીને સામે ઠપકો લેવાનો હોય છે. જ્યાં હજીએ પ્રશ્નો પુછાય છે અને સ્ત્રીઓ તેના જવાબ આપે છે કે આ કારણસર હું મોડી પહોંચી, પેલા કારણસર વાત ના કરી શકી વગેરે.

 

 સોશ્યલ મીડિયા પર અવારનવાર જોવામાં કે સાંભળવામાં આવે છે કે પોતાની જાતને મહત્ત્વ આપો, તમે સાચા છે એવો વિશ્વાસ રાખો, દરેકની સામે ચોખવટ ના કરો, જ્યાં જરૂર લાગે ત્યાં જ બોલો... પણ જૂની આદતો સહેલાઈથી થોડી જાય? આપણે તો બસ, કોકિલાબહેન બનવાનું એ સમજ્યા વગર કે છેવટે નુકસાન આપણું જ છે. 

 

કેવી રીતે? ચાલો,  વિગતે જોઈએ.

 

પહેલાં તો ચોખવટ કરવાનાં કારણો જોઈએ. પહેલું કારણ છે આદત. તો આદત કેવી રીતે પડી? નાનપણથી જ મમ્મી પપ્પાને જાણ કરીને જ કંઈ પણ કરવાનો ઉછેર. જો જાણ ના કરો તો શિક્ષા મળે. મા-બાપ સારા બાળઉછેરમાં શારીરિક શિક્ષા ના કરે ત્યારે ના બોલીને, ખોટું લગાડીને બાળકને અપરાધભાવનો અનુભવ કરાવતાં હોય છે. આ આખી પ્રક્રિયા બાળકનાં માનસપટ પર ઘણીવાર નકારાત્મત છાપ છોડે છે અને માટે એ ભયથી દૂર રહેવા બાળક મા-બાપની આગળ ચોખવટ કર્યા કરે છે. ઉંમરના દરેક પડાવ પર સામેવાળી વ્યક્તિ બદલાય પરંતુ ચોખવટો ચાલુ રહે છે.

 

આમ આદત, અપરાધભાવ ને ભય એમ આ ત્રણ પરિબળ વ્યક્તિને સતત ખુલાસા કરવા પ્રેરે છે.

 

-તો આ વિચાર-વાણી-વર્તનને શું બદલી શકાય? 

 

હા, જરૂર બદલી શકાય. નક્કી કરો કે સામેવાળી વ્યક્તિ તમારા કોઈ પણ એક્સપ્લેનેશન એટલે કે ચોખવટને લાયક છે કે નહીં. બીજું કે વાતને કેટલું મહત્ત્વ આપવા જેવું છે. જો વાત જ બહુ નાની હોય તો તેમાં ચોખવટની જરૂર જ નથી. ત્રીજું કે પોતાના વિચારોને જુઓ કે તમે આદતને વશ થઈને તો સફાઈ નથી આપી રહ્યાને? ચોથું કે તે એક વાત સ્વીકારો કે દરેક વ્યક્તિને ભૂલ કરવાનો, પોતાની મરજીથી જીવવાનો અધિકાર છે માટે પોતાને ગમતી વસ્તુ કરવામાં અપરાધભાવ નહીં લાવો તો ચોખવટ કરવાનું આપોઆપ ઓછું થઈ જશે. પાંચમું કે એવા લોકોની સાથે વધુ રહો જે તમને આત્મબળ પૂરું પાડે, તમારો આત્મવિશ્વાસ વધારે.

 

આમ કરવાથી પણ સંબંધમાં સફાઈ આપવા માટે બહુ જરૂર નહીં પડે તમે સફાઈ આપવાવાળા કે સફાઈ માગવાવાળા એ મનમાં નક્કી કરી જોજો! 

 

આ વિશે બોલો, તમે શું કહો છો?