કીર્તિશેખર
આજકાલ મેન્ટલ હેલ્થ પર જેટલું ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેટલું ઇતિહાસમાં પહેલાં ક્યારેય આપવામાં આવ્યું નથી. આ કારણે જ અનેક રચનાત્મક કારકિર્દીનાં ક્ષેત્રો ઊભરી આવ્યા ંછે, જે પહેલાં અસ્તિત્વમાં નહોતાં. આમાંનું એક ક્ષેત્ર આર્ટ થેરેપી છે. ખરેખર તો, આર્ટ થેરેપી એ માત્ર ચિત્ર દોરવા કે રંગ પૂરવા પૂરતી સીમિત કલા નથી, પરંતુ તે એક વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જેમાં કલાના માધ્યમથી વ્યક્તિની લાગણીઓ, તેનો તણાવ અને માનસિક સમસ્યાઓનો ઉપચાર કરવામાં આવે છે.
આર્ટ થેરેપી હેઠળ વ્યક્તિને પેઇન્ટિંગ, ડ્રૉઇંગ, શિલ્પકળા, સંગીત અથવા અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની તક આપવામાં આવે છે. પ્રશિક્ષિત આર્ટ થેરેપિસ્ટ આ પ્રવૃત્તિઓ દ્વારા લોકોના તણાવ, ડિપ્રેશન અને એન્ઝાયટીને દૂર કરવામાં મદદ કરે છે. આ રીતે આર્ટ થેરેપી દ્વારા બાળકો, વૃદ્ધો અને કોઈપણ ઉંમરના માનસિક દર્દીઓને ભાવનાત્મક ટેકો આપવામાં આવે છે. સવાલ એ છે કે આ ક્ષેત્રમાં કેરિયર છે? વાસ્તવમાં, આ ક્ષેત્ર હેઠળ તમે હૉસ્પિટલ અથવા ક્લિનિકમાં માનસિક રોગીઓ, કૅન્સરના દર્દીઓ વગેરે સાથે કામ કરો છો અને આર્ટ પ્રવૃત્તિઓ દ્વારા તેમને રિકવરી મેળવવામાં મદદ કરો છો. શાળા અને કૉલેજોમાં આ પ્રવૃત્તિ દ્વારા બાળકોના વર્તન અને લાગણીઓને સમજવાનું કામ થાય છે અને વિશેષ જરૂરિયાત ધરાવતાં બાળકો સાથે નિયમિતપણે કામ કરવામાં આવે છે. આ કારકિર્દી હેઠળ વિવિધ બિન-સરકારી સંસ્થાઓમાં કાઉન્સેલિંગ સેન્ટરો બનાવવામાં આવે છે, જેમાં તેઓ ઘરેલુ હિંસા અને તણાવ સામે ઝઝૂમી રહેલા લોકો સાથે કામ કરે છે.
સાથે જ આ કારકિર્દી હેઠળ કૉર્પોરેટ સેક્ટરમાં એવા કર્મચારીઓ કે જેઓ તણાવ અને ‘બર્નઆઉટ’નો શિકાર છે, તેમને સામાન્ય સ્થિતિમાં લાવવાના હોય છે, જેના માટે આર્ટ થેરેપીનો સહારો લેવો પડે છે. આ ક્ષેત્રમાં તમે પોતાનું ફ્રીલાન્સ ક્લિનિક પણ ખોલી શકો છો અને વ્યક્તિગત સમસ્યા ધરાવતા લોકોને વર્કશૉપ દ્વારા ઉપચાર આપી શકો છો. જ્યાં સુધી આ ક્ષેત્રમાં પગારનો સવાલ છે, તો નોકરીની શરૂઆતનાં વર્ષોમાં વાર્ષિક 3થી 6 લાખ રૂપિયાનું પૅકેજ મળી રહે છે. જ્યારે અનુભવ મળ્યા પછી વાર્ષિક 8થી 20 લાખ રૂપિયા સુધીનું સૅલરી પૅકેજ સરળતાથી મેળવી શકાય છે. જો તમે ફ્રીલાન્સ કામ કરી રહ્યા હો તો શરૂઆતમાં 500 રૂપિયા પ્રતિ સેશનથી શરૂ કરીને 3000 રૂપિયા પ્રતિ સેશન સુધી ચાર્જ કરી શકો છો.
આવશ્યક કુશળતા
જેમ કે અગાઉ જણાવવામાં આવ્યું છે, આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે તમારામાં સૌથી પહેલાં તો આર્ટ સ્કિલ હોવી જોઈએ, જેના કારણે ડ્રૉઇંગ, પેઇન્ટિંગ અને ક્રિએટિવિટીનાં કૌશલ્યો તમારામાં હોય. તમારામાં જે બીજી સ્કિલ્સ હોવી જરૂરી છે એ છે સહાનુભૂતિ, એટલે કે બીજાને સમજવાની શક્તિ, સાંભળવાનું કૌશલ્ય અને ધીરજ હોવી તો ખૂબ જ જરૂરી છે.
આ બધા ઉપરાંત, તમારામાં એ ગુણ પણ હોવો જોઈએ કે તમે તરત જ કોઈને ‘જજ’ કરવાની કોશિશ ન કરો. જ્યાં સુધી આ ક્ષેત્રમાં કારકિર્દીની વૃદ્ધિ અથવા ઉજ્જ્વળ ભવિષ્યનો સવાલ છે તો ચોક્કસપણે ભારતમાં માનસિક સ્વાસ્થ્યને લઈને લોકોમાં સતત જાગૃતિ વધી રહી છે.
શાળા અને કંપનીઓમાં હવે સતત કાઉન્સેલિંગને જરૂરી માનવામાં આવી રહ્યું છે. તેથી આર્ટ થેરેપીમાં કારકિર્દીની ઘણી તકો ઉપલબ્ધ છે. આ ક્ષેત્રમાં તકોની ઉપલબ્ધતાનું એક મોટું કારણ એ પણ છે કે અત્યારે આ ક્ષેત્રમાં કૉમ્પિટિશન બહુ વધારે નથી.
આગામી દસ વર્ષમાં આ ક્ષેત્રમાં સ્પર્ધા વધુ તીવ્ર બનવાની અપેક્ષા છે, અને તકો આજ કરતાં ઘણી વધારે હોઈ શકે છે. આ સાથે દરેક અન્ય ક્ષેત્રની જેમ, આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના પોતાના પડકારો પણ છે. શરૂઆતમાં તમને મર્યાદિત માન્યતા મળી શકે છે, લોકોને સમજાવવા પડશે, તમારી કળા ધીમે ધીમે વિકસાવવી પડશે. તેથી, આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવતાં પહેલાં ખાતરી કરો કે તમને તેમાં રસ છે કે નહીં?
નોકરી અથવા પોતાનું કામ
જો નોકરી કરવી હોય તો કોઈ શાળામાં કાઉન્સેલર બનો અથવા હૉસ્પિટલમાં થેરપિસ્ટની નોકરી શોધો અથવા કોઈ એનજીઓમાં કાર્યકર્તા બનો.
જો પોતાનું કામ કરવું હોય તો હોમ ક્લિનિક ખોલો, ઑનલાઇન સેશન લો અથવા તો વર્કશૉપનું આયોજન કરો. આ ક્ષેત્રમાં નોકરી શોધવાનો અથવા તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનો આ એકમાત્ર રસ્તો છે.
સ્ટેપ બાય સ્ટેપ આર્ટ થેરેપીમાં કારકિર્દી કંઈ રીતે બનાવવી?
સ્ટેપ બાય સ્ટેપ આર્ટ થેરેપીમાં કારકિર્દી કંઈ રીતે બનાવવી?
તમારી રુચિ ઓળખો
હા, આ માટે કોઈ બીજાને નહીં પણ પોતાને જ સવાલ પૂછો કે શું તમને કલા એટલે કે પેઇન્ટિંગ અને ડ્રૉઇંગ ગમે છે? બીજી વાત જે તમારે પોતાને પૂછવાની છે તે એ કે શું તમે લોકોની લાગણીઓને સમજી શકો છો? વાસ્તવમાં, આર્ટ થેરેપીનું ક્ષેત્ર કલા અને મનોવિજ્ઞાનનું મિશ્રણ છે.
12મા ધોરણ પછી આ દિશા પસંદ કરો
જો આર્ટ થેરેપીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી હોય તો તમે કોઈ પણ પ્રવાહના વિદ્યાર્થીઓ હોઈ શકો છો; એટલે કે આટર્સ, સાયન્સ કે કૉમર્સ કોઈ પણ પ્રવાહનો વિદ્યાર્થી આર્ટ થેરેપીને પોતાની કારકિર્દી તરીકે પસંદ કરી શકે છે. પરંતુ જો તમે સાઇકૉલૉજી અથવા ફાઇન આર્ટ્સ ભણ્યા હોવ અથવા આ વિષયોમાં તમારી રુચિ હોય તો તે વધુ સારુંં રહેશે, કારણ કે આર્ટ થેરેપીની કારકિર્દી વાસ્તવમાં મનોવિજ્ઞાન અને માનવતા સાથે ઊંડો સંબંધ ધરાવે છે.
આ વિષયોમાં ગ્રૅજ્યુએશન કરો
બી.એ. સાઇકૉલૉજી અને બેચલર ઑફ ફાઇન આર્ટ્સમાં ગ્રૅજ્યુએશન કરનારાઓને આ ક્ષેત્રમાં ઘણી સરળતા રહે છે.
જો દિલ્હી યુનિવર્સિટી અથવા બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન કરવાની તક મળે તો તે તમારા ભવિષ્ય માટે વધુ સારું રહેશે, કારણ કે આ બંને સંસ્થાઓમાં સાઇકૉલૉજીની ફૅકલ્ટી ખૂબ જ ઉત્તમ છે.
ખરેખર તો આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મનોવિજ્ઞાનની પાયાની સમજ હોવી ખૂબ જરૂરી છે. આ સાથે જ તમારે તમારી આર્ટ સ્કિલ પણ વિકસાવવી પડશે.
આર્ટ થેરેપીમાં સ્પેશ્યલાઇઝેશન
વાસ્તવમાં આ સૌથી મહત્ત્વનો તબક્કો છે. જો આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી હોય તો અભ્યાસની દૃષ્ટિએ આ એક રીતે અંતિમ તબક્કો છે. આ અંતર્ગત તમારી પાસે ઘણા વિકલ્પો છે જેમ કે ડિપ્લોમા ઇન આર્ટ થેરેપી, સર્ટિફિકેટ કોર્સ અને એમ.એ. ઇન આર્ટ થેરેપી, જે દેશની ઘણી મહત્ત્વની સંસ્થાઓ દ્વારા કરાવવામાં આવે છે.
જ્યાં સુધી આર્ટ થેરેપીમાં સ્પેશ્યલાઇઝેશન
ક્યાંથી કરવું તેનો સવાલ છે, તો 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધીના આ અભ્યાસક્રમો ગમે ત્યાંથી કરી શકાય છે. કોઈ બિન-સરકારી સંસ્થા (એનજીઓ), ખાનગી સંસ્થા (પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ) અથવા ઑનલાઇન ઇન્ટરનૅશનલ કોર્સ પણ કરી શકાય છે.
જ્યાં સુધી ઇન્ટર્નશિપ અને પ્રૅક્ટિકલ અનુભવનો સવાલ છે, તો તેના માટે કોઈ હૉસ્પિટલ, શાળા અથવા કાઉન્સેલિંગ સેન્ટર સાથે જોડાવું જોઈએ; કારણ કે વાસ્તવિક દર્દીઓ સાથે કામ કરવા સિવાય વ્યવહારિક રીતે આ સ્કિલ બીજે ક્યાંયથી શીખી શકાતી નથી. આ સંસ્થાઓમાં ‘કેસ સ્ટડી’ કરવાની તક પણ મળે છે.