સંજય છેલ
આઝાદીનું ઘાસ
અમે ત્રણ મિત્ર ભણતા હતા ત્યારે 1942નું ‘અંગ્રેજો ભારત છોડો’ આંદોલન શરૂ થયું. નેતાએ અમને લલકાર્યા અને નારાબાજી શીખવતા: ગુલામીનાં ઘી, કરતાં આઝાદીનું ઘાસ સારું. અમે પણ ઉત્સાહમાં આવી ગયા. આંદોલનમાં જોરશોરથી ભાગ લીધો. જેલમાં પણ ગયા. નેતાનો એક જ નારો હતો: ગુલામીના ઘી કરતાં આઝાદીનું ઘાસ સારું. જેલમાંથી છૂટ્યા. ભણતર પૂરું કર્યું. પછી દેશ આઝાદ થયો. અમે ડિગ્રીઓ મેળવી ને શહેરમાં નોકરી માટે ધક્કા ખાવા લાગ્યા.
હવે અમારા નેતા મોટા મંત્રી બની ગયા હતા. એક દિવસ અમે તેમના બંગલાની સામેથી પસાર થઈ રહ્યા હતા. જોયું તો બંગલાના આંગણામાં સરસ લીલ્લુંછમ્મ ઘાસ પવનમાં લહેરાઈ રહ્યું હતું. દેશી ને વિદેશી જાતનું ઉત્તમ ઘાસ! અમારું મન લલચાઈ ગયું. અમને થયું કે ‘આઝાદીનું ઘાસ’ ખરેખર કેટલું સરસ હોય છે!
અમે બંગલામાં ઘૂસી ગયા. નેતાશ્રીને યાદ અપાવ્યું કે અમે એમના જ નેતૃત્વમાં આઝાદીની લડાઈ લડી હતી. અમે પણ નારા લગાવ્યા હતા: ગુલામીના ઘી કરતાં આઝાદીનું ઘાસ સારું.
મંત્રીશ્રીએ કહ્યું, ‘હા, હશે હશે. પણ તમે અંદર કઇ રીતે આવ્યા? કામ શું છે?’
અમે કહ્યું, તમારા આંગણામાં આઝાદીનું કેટલું સરસ ઘાસ ઊગ્યું છે. અમને એમાંથી થોડું ખાવા આપોને.
‘સોરી, તમને એ ઘાસ નહીં મળે. એ તો મારા પાળેલા ગધેડાઓને ખવડાવવા માટે છે.’ મંત્રીશ્રીએ કહ્યું.
દંડ
રાજ્યમાં એક કલાકારે કોઇ બહુ મોટો ગુનો કર્યો. એને રાજાની સામે હાજર કરવામાં આવ્યો.
રાજાએ મંત્રીને પૂછ્યું, ‘આને ત્રણ વરસની સજા આપી દઇએ?’
મંત્રીએ કહ્યું, ‘અપરાધ ખૂબ જઘન્ય છે, ત્રણ વરસ બહુ ઓછાં કહેવાય!’
‘તો 10 વરસની સજા આપીએ.’
‘દસ વરસ પણ બહુ ઓછાં છે!’ મંત્રીએ કહ્યું
‘તો આજીવન કારાવાસની સજા ફરમાવીએ?’
‘ના ના, એ પણ બહુ ઓછી સજા કહેવાય!’
‘તો ફાંસી જ આપી દઇએ?’ રાજાએ કંટાળીને પૂછયું.
‘ના ના, ફાંસી પણ બહુ મામૂલી સજા ગણાય!’ મંત્રીએ દૃઢતાથી કહ્યું.
ત્યારે રાજાએ ભડકીને કહ્યું, ‘અરે, ફાંસીથી વધુ સજા શું હોઇ શકે? તમે જ કહો!’
મંત્રીએ કહ્યું, ‘છે એક સજા! આને ક્યાંક આરામથી બેસાડીને એની સામે બીજા કલાકારના ખૂબ વખાણ કરવાના!’
અમરત્વ
એક સામાન્ય લેખક, મોડી રાતે ‘અબૂ બિન આદમ’ની એક વાર્તા વાંચતા વાંચતા સૂઇ ગયો કે- એક રાત્રે, આદમના બેટા અબૂના કમરામાં એકદમ તીવ્ર પ્રકાશ થયો અને એક ફરિશ્તો પ્રગટ થયો. એના હાથમાં એક હિસાબની લાંબી ચોપડી હતી.
ફરિશ્તાએ અબૂને કહ્યું: ‘હું એ લોકોના નામ લખી રહ્યો છું, જે ઈશ્વરને પ્રેમ કરે છે.’
અબૂ બિન આદમે કહ્યું, ‘મારું નામ એ લોકોની યાદીમાં લખી નાખો જે ઇશ્વરને નહીં પણ આસપાસનાં માણસોને પ્રેમ કરે છે.’
આ સાંભળતા જ ફરિશ્તો અદૃશ્ય થઇ ગયો. બીજે દિવસે અબૂ ફરી ત્યાં આવ્યો ત્યારે એણે જોયું કે ઈશ્વરને ચાહનારઓની યાદીમાં, એનું નામ સૌથી ઉપર છે!
એવામાં આટલી વાર્તા પછી અડધી રાતે પેલા લેખકની ઊંઘ ઉડી ગઇ!
પાણી પીને લેખકે આસપાસ જોયું કે એનો ઓરડો પણ તીવ્ર પ્રકાશથી ઝળાહળાં થઇ ગયો છે. એણે આંખો ચોળી તો સામે એને પણ એક ફરિશ્તો દેખાયો- શ્વેત વસ્ત્ર, શ્વેત દાઢી અને વાળ, ચહેરાની આસપાસ સ્વર્ગીય આભા!
લેખકે પૂછ્યું, ‘હે દિવ્ય પુરુષ! આપ કોણ છો ને અહીં શા કારણે પધાર્યા છો?’
ફરિશ્તો બોલ્યો, ‘વત્સ, હું સાહિત્યનો ઇતિહાસ છું ને તમારા જેવી પ્રતિભાઓને અમર કરવા નીકળ્યો છું!’
લેખક ખૂબ ખુશ થયો. હાથ જોડીને કહેવા લાગ્યો, ‘હે દેવ, હું પણ સાહિત્યનો સેવક છું. શું તમે મને અમર કરી શકો એમ છો?’
ફરિશ્તાએ ફરી એક નિર્મળ સ્મિત સાથે કહ્યું, ‘અરે ગાંડા. એટલા માટે તો હું અહીં આવ્યો છું!’
એણે પોતાના હાથમાંની હિસાબના વહીખાતાની પોથી લેખક સામે મૂકીને કહ્યું, ‘જો,આમાં એ લોકોના નામ નોંધી રહ્યો છું જે સાહિત્યમાં અમર થવા માંગે છે. તું પણ તારું નામ એમાં લખી નાખ.’
લેખક પેલા વહીખાતામાં લખેલાં નામોને વાંચવા માંડ્યો. વાંચતા વાંચતા એ ચોંક્યો. પછી એના ચહેરા પર વિષાદ છવાઇ ગયો અને પછી ઘૃણા જન્મી અને પછી રોષ કે ગુસ્સો...
આ બાજુ ફરિશ્તાએ પેન્સિલ આપતાં કહ્યું, ‘આ લે પેન્સિલ, ચાલ તારું નામ ઉમેરી દે અમર લેખકોની યાદીમાં.’
લેખકે એ ફરિશ્તાને પૂછ્યું, ‘પેન્સિલ છોડો. તમારી પાસે રબર છે?’
ફરિશ્તાએ કહ્યું, ‘છે, રબર પણ છે. પણ નિયમ એવો છે કે તમે પેન્સિલ કે રબર બેમાંથી કોઇ એક જ ચીજ વાપરી શકો.’
લેખકે જરાયે મુંઝાયા વિના તરત જ કહ્યું, ‘તો ભલે, મને રબર જ આપો. પેન્સિસલ નથી જોઇતી.’
ફરિશ્તાએ રબર આપી દીધું. પેલા લેખકે એ યાદીમાંથી ત્રણ-ચાર લેખકોના નામ ભૂંસી નાખ્યાં!
ફરિશ્તો અદૃશ્ય થઇ ગયો ને પછી લેખક ખૂબ શાંતિથી સૂઈ ગયો.
બીજે દિવસે ફરીથી અડધી રાતે પેલો ફરિશ્તો આવ્યો અને હિસાબના વહીખાતાવાળી ચોપડી લેખકની સામે મૂકી.
લેખકે જોયું કે એનું નામ તો એક ‘યુગ-પ્રવર્તક મહાન લેખક’ તરીકે એ યાદીમાં લખાયેલું છે! એ તો ખૂબ ખુશ થઇ ગયો. પછી અચાનક ફરિશ્તાએ પોતાની નકલી દાઢી-મૂછ ઉતારી નાખી. લેખકે એને ઓળખી કાઢ્યો કે એ ફરિશ્તો તો સ્થાનિક જુનિયર કોલેજનો કોઈ મામૂલી હિંદી પ્રોફેસર છે!
હરિશંકર પરસાઇ
(1924-1995) હિંદીના જ નહીં, પણ ભારતીય સાહિત્યના મહાન હાસ્યવ્યંગકાર હતા. ‘સદાચાર કા તાવીજ’, ‘જૈસે ઉન કે દિન ફિરે’, ‘હંસતે હૈં રોતે હૈં’, ‘રાની નાગફની કી કહાની’ (વ્યંગનોવલ) જેવી મજેદાર કૃતિઓ લખી છે. 1982માં ‘વિકલાંગ શ્રદ્ધા કા દૌર’ માટે એમને ‘સાહિત્ય અકાદમી’નું પારિતોષિક એનાયત થયેલું. સત્તા, સમાજ કે સાહિત્યજગતના દંભ પર પરસાઇજીએ હાસ્યવ્યંગના સતત ચાબખાઓ મારેલા, જે આજેય આપણને હસાવી શકે છે તો ક્યારેક હચમચાવીયે દે છે. પેશ છે સંજય છેલ દ્વાર એમની કૃતિઓની ગુજરાતી ભાવાનુવાદ શ્રેણી...