યુદ્ધબંધની વાતનો પાકકો અમલ થાય તો સ્થિરતા આવી શકે, બાકી અનિશ્ર્ચિતતા છવાયેલી રહેશે એ માટે આપણે મનોમન તૈયાર રહેવું પડશે.
જયેશ ચિતલિયા
2026નું નવું કેલેન્ડર વરસ અને આ એપ્રિલથી શરૂ થયેલું નવું નાણાકીય વરસ નબળું, નિરાશાજનક અને હતાશાજનક તેમ જ આઘાતજનક રહ્યું છે. ઈરાન-ઈઝરાયલ-અમેરિકા યુદ્ધે સૌનો સમય બૂરો બનાવી દીધો છે. શરૂઆત ટ્રમ્પ ટૅરિફથી થઈ, ત્યારબાદ એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ના ઝટકા આવ્યા અને છેલ્લે યુદ્ધના ભયાનક આંચકા. શેરબજાર સહિતના રોકાણ જગતની બુરાઇ માટે આનાથી વધુ શું જોઈએ?
આ સંજોગો- માહોલમાં આશા દેખાતી નથી, મૂંઝવણ જાતી નથી અને હાલ આ લખાય છે ત્યારે યુદ્ધવાળા દેશો વચ્ચે મંત્રણા ચાલુ છે, પરંતુ પરિણામ કંઈપણ હોય તેનો અમલ કેટલો ચોકકસ થશે એ શંકા અને સવાલ ઊભા રહેશે.
‘ગ્લોબલ નાણાકીય સંસ્થા-મ્યુચ્યુઅલ ફંડ ફ્રેન્કલીન ટેમ્પલટન’ના તાજેતરના એક અહેવાલ મુજબ આ યુદ્ધના માહોલમાં પણ ભારતીય અર્થતંત્ર અડીખમ અને વિશ્વાસ સાથે ઊભું છે,
છેલ્લા અમુક દાયકાઓમાં ભારતે પોતાની એનર્જી સિકયુરિટી મજબુત કરી છે અને કટોકટીભરી નિર્ભરતા ઘટાડી છે. ‘મેક ઈન ઈન્ડિયા’ ની પહેલ પણ નોંધનીય કહી શકાય. જયારે પણ વિશ્વમાં અનિશ્ર્ચિતતાનો માહોલ બને છે ત્યારે શેરબજારની વોલેટિલિટી પણ કુદરતી રીતે સર્જાય છે.
સમાચારોના આધારે સતત વધઘટ થયા કરે છે, આવા સમયમાં દરેક સમાચારને રિએકશન આપવું જોઈએ નહીં. જો આપણે કોવિડ-20 અને ઈરાક યુદ્ધને પણ યાદ કરીશું તો ધીરજનું મહત્ત્વ સમજાશે. આ બે ઘટના બાદ માર્કેટમાં કેટલાં સમયમાં શું થયું હતું તેના પુરાવા સૌની નજર સામે છે. આવા સમયમાં ઉતાવળા નિર્ણયો નુકસાનકારક સાબિત થવાની શકયતા ઊંચી રહેશે.
‘ફ્રેન્કલિન ટેમ્પલટન’ના અભિપ્રાય મુજબ ભારતના ફેવરેબલ ડેમોગ્રાફિકસ, ફાઈનાન્સિયલાઈઝેશનની વૃદ્ધિ, સતત ચાલી રહેલું ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ તેના લોંગટર્મ ગ્રોથ ડ્રાઈવર્સ છે. જોકે આ યુદ્ધનો માહોલ હજી ચાલતો રહયો તો ભારતની વિકાસ યાત્રા તેમ જ કરન્સી અને વેપારતુલા પર દબાણ આવશે. વિદેશી રોકાણનો પ્રવાહ કયારનો ધીમો તો પડયો જ છે, હવે તે વધુ સાવચેત રહેવા લાગ્યા છે. આ બાહય જોખમો સામે ભારતની સ્થાનિક આર્થિક સ્થિતિ બહેતર રહી છે, આવકેવરા અને જીએસટીની રાહતો તેમ જ મોનેટરી રાહતની અસરો કામ કરી રહી છે. બેંકોમાં ક્રેડિટ ગ્રોથમાં પણ વૃદ્ધિ નોંધાઇ છે. કોર્પોરેટ અને રિટેલ ધિરાણમાં હજી વેગ છે, જોકે બેંકો ચોકકસ ધિરાણો સામે સાવચેત થતી જાય છે, જેમ કે શેર્સ સામેના અને આઈપીઓ સામેના ધિરાણમાં મર્યાદા ઘટાડાઈ છે. જીએસટી કલેકશનના આંકડા દર્શાવે છે કે ડિમાંડ અને વપરાશનું સ્તર ઓવરઓલ અનુકૂળ છે.
સાઇક્લિકલ સેકટર્સ ગતિશીલ રહ્યા છે, ભારતની જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની ડિફેન્સ કંપનીઓની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે, જે હાલના સમયમાં ઓલ ટાઈમ હાઇ રહીને રૂપિયા 38 હજાર કરોડ ઉપર નોંધાઇ છે. રોકાણકારોએ આવા સમય-સંજોગોમાં શાંત, ધીરજવાન, લાંબાગાળાના અભિગમ સાથે આગળ વધવું જ બહેતર છે. શિસ્તબધ્ધ રોકાણ તેમને સહાયરૂપ થશે. બાકી તો હાલ પડકારનો અને પરીક્ષાનો સમય છે.
શેરબજાર વિશે કેટલાક સવાલ
હવે શેરબજારનું શું લાગે છે? એ સવાલની ચર્ચા લગભગ નિરર્થક બની ગઈ છે. શેરબજારમાં તેજી-મંદી આવ્યા કરે, પરંતુ આવો માહોલ બહુ ઓછી વાર બને છે. યુદ્ધ પ્રકરણ બંધ થવાના પાકકા એંધાણ દેખાતા નથી, રોકાણ જગતના વિશ્વમાં પણ અનિશ્ર્ચિતતા છવાયેલી રહી છે.
આઈપીઓની માર્કેટ મંદ પડી ગઈ છે, કંપનીઓ આઈપીઓ લાવવાનું ટાળવાનું પસંદ કરશે.
મ્યુચ્યુઅલ ફંડસના રોકાણનો ઉત્સાહ પણ ઢીલો પડયો છે. વેપારીઓથી માંડી સામાન્ય પ્રજા હવે કેવા પડકારો માટે તૈયાર રહેવું પડશે એના પર મીટ માંડીને બેઠી છે. મોંઘવારી વધી શકે છે, નોકરીઓ પર આફત આવી શકે છે.
શેરબજારમાં એક નોંધવા જેવી બાબત એ જોવાઈ કે ‘ફોરેન ઈન્સ્ટિટયુશનલ ઈન્વેસ્ટર્સ’ (ઋઈંઈં) એ નાણાકીય વરસ 2026માં ભારતીય માર્કેટમાંથી અઢળક રકમ ઉપાડી લીધી હતી અને તેની સામે સ્થાનિક સ્થાકીય રોકાણકારો ( ઉઈંઈં ) એ 8.5 લાખ કરોડ રૂપિયા ભારતીય બજારમાં મુકયા હતા. જો આપણા આ સંસ્થાકીય રોકાણકારોએ આમ ન કર્યુ હોત તો બજારની શું દશા થઈ હોત એ વિચારી લેજો. એફઆઈઆઈનો આ જંગી ઉપાડ મોટેભાગે યુદ્ધની ક્રાઈસિસમાં રૂપિયાની કથળેલી સ્થિતિ અને અનિશ્ર્ચિતતાને કારણે રહ્યો છે. છેલ્લા 14 વરસમાં રૂપિયો તેના બૂરામાં બૂરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જોકે નાણાં પ્રધાનના દાવા અનુસાર ભારતીય રૂપિયો અન્ય દેશોની કરન્સીની સામે બહેતર અથવા ઓછો તૂટ્યો છે. બીજી બાજુ ક્રૂડના અને ગેસના ભાવ તથા સપ્લાય ચેઈન ગંભીર સમસ્યા બન્યા છે, જે પણ ભારતીય રૂપિયાને ભારે પડશે અને મોંઘવારીને વધુ વકરાવશે. સમજો તો ઢગલાબંધ ઈશારા છે, ખર્ચ ઘટાડો, કરકસર કરો અને બચત કરો યા વધારો. જાણકારો કહે છે કે હાલ શેર્સ કરતાં મ્યુચ્યુઅ ફંડસ વધુ સારા, એ કરતાં પણ સોના-ચાંદી વધુ બહેતર. રોકાણ માટે લાંબો સમય આપવો અનિવાર્ય બનશે, પેનિકને બદલે પેશન્સ રાખવા જોઈશે.
નેગેટિવ અસરોથી મુકત રહી શકાશે નહીં
ટ્રમ્પ સાહેબને કારણે હાલ યુએસનું શું થઈ રહ્યું છે એ બહુ ઓછાં લોકોને સમજાય છે. યુએસની ઈકોનોમીમાં ક્રાઇસિસ સર્જાયા બાદ ભારત પરની સંભવિત અસર રૂપે તેની યુએસ ખાતે થતી નિકાસને ફટકો પડશે, આમ પણ ટૅરિફ યુદ્ધ બાદ આ સિલસિલો શરૂ થયો છે.
જોબલોસનું પ્રમાણ વધી શકે. યુદ્ધની ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કયુર્ં હોવાથી ભારત આ તમામ નેગેટિવ અસરોથી સાવ મુકત રહી શકે નહીં, માત્ર એક આશ્વાસન એ છે કે અન્ય દેશો કરતાં ભારત પર ઓછી અસર થાય એ માટે સરકારે વ્યવહારું પગલાં ભરવાના થશે. સરકારે અત્યારસુધી ભારતીય ઈકોનોમીને સાચવી છે અને જે મુજબ વિશ્વ સાથે વેપાર અને રાજકીય સંબંધો જાળવ્યા છે તે સરાહનીય કહી શકાય. બાય ધ વે, હાલ તો બચત કરવા અને વધારવામાં શાણપણ છે. ગયા સપ્તાહમાં માર્કેટે એકંદરે રિકવરી દર્શાવી છે તેમ છતાં અનિશ્ર્ચિંતતા તો હજુય ઊભી ગણાય.