Thu Sep 17 2026

Logo

ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાના એંધાણ, ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમી કાળઝાળ

2026-04-19 08:59:20
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાના એંધાણ, ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમી કાળઝાળ

નવી દિલ્હીઃ દેશમાં કાળઝાળ ગરમીને કારણે અનેક રાજ્યોના મહાનગરના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીના તાપમાનમાં સીધો 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જ્યારે લૂ ફૂંકાતા બપોર પછીના સમયમાં પણ ગરમ હવાનો અહેસાસ થઈ શકે છે. ગુજરાત રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થતા બપોરના સમયે કુદરતી કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળ્યો છે. રસ્તાઓ ખાલીખમ જોવા મળ્યા છે. તા.19થી 21 એપ્રિલ સુધી માવઠાની શક્યતાને કારણે તાપમાન ઘટી શકે છે પણ વાદળછાયા વાતાવરણને કારણે બફારો યથાવત રહી શકે છે. 

બે દિવસ સુધી વાદળછાયું હવમાન

શનિવાર અને રવિવાર એમ બે દિવસ સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ વાદળછાયું રહી શકે છે.તા. 19 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, મહિસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ થઈ શકે છે. વાતાવરણમાં એકાએક પલટો જોવા મળતા ખેડૂતોની ચિંતામાં એકાએક વધારો થયો છે, જ્યારે 20 એપ્રિલના રોજ તાપી, ડાંગ, અમરેલી અને ભાવનગરમાં હળવા ઝાપટા પડી શકે છે. 21 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચ જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજસ્થાન અને પાડોશી દેશ પાકિસ્તાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. 

એપ્રિલમાં અષાઢી માહોલ

અપર એર સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ભેજવાળા પવન ફૂંકાઈ શકે છે, પ્રી-મોનસૂન જેવી ગતિવિધિઓ જોવા મળી શકે છે. બીજી તરફ સતત વાદળછાયું વાતાવરણ બફારામાં વધારો કરી શકે છે. દેશના હવામાન વિભાગની આગાહી અનુસાર ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, જમ્મુ કાશ્મીર, લદ્દાખ,હિમાચલ પ્રદેશ, કોંકણ ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે હરિયાણા, મહારાષ્ટ્ર, મરાઠાવાડા, કર્ણાકટમાં હળવો વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, છત્તીસગઢ, યુપીના કેટલાક ભાગમાં બે દિવસ બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે. 

પૂર્વના રાજ્યોમાં વરસાદ

આ અઠવાડિયે 21 એપ્રિલ સુધી રાજસ્થાન, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ સુધીના રાજ્યોમાં ગરમીમાં વધારો થશે. પવની ગતિ ઓછી હોવાને કારણે લૂનો અનુભવ થશે નહીં. જ્યારે અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગમાં તથા સિક્કીમમાં ભારે વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે. બીજી તરફ દિલ્લી સહિત પંજાબ, ચંડીગઢ તથા રાજસ્થાનના કેટલાક ભાગમાં તાપમાનમાં 5થી 7 ડિગ્રીનો સીધો વધારો થઈ શકે એવી શક્યતાઓ છે, જ્યારે મહારાષ્ટ્રમાં રવિવારથી ત્રણ દિવસ બાદ તાપમાન સતત નીચે ઊતરશે અને થોડી ઠંડકનો અહેસાસ થશે.