સાશા
ભારત ક્રિકેટનું મક્કા તો બની જ ગયું છે, અન્ય ઘણી રમતોમાં પણ આપણે દુનિયાને નવા નવા ચૅમ્પિયનો આપી રહ્યા છીએ. મંઝિલ દૂર છે, પણ લક્ષ્ય મેળવવું સંભવ છે
ભારત શું રમતગમતની દુનિયાની નવી મહાસત્તા બનશે? આ સવાલ માત્ર કલ્પના પર આધારિત નથી, પણ નક્કર સંકેતો પરથી પૂછવામાં આવી રહ્યું છે અને આ મુદ્દો ચર્ચાનો વિષય પણ બની ગયો છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચૅરમૅન જય શાહે તાજેતરમાં એક નિવેદનમાં બહુ સરસ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, `ક્રિકેટમાં ભારત ઘણા દાયકાઓથી મહાશક્તિ છે જ અને હવે 2036 સુધીમાં ભારતે ખેલકૂદમાં વૈશ્વિક સ્તરે અનેક જવાબદારીઓમાંથી પસાર થવાનું છે.'
તેમના આ નિવેદનને પગલે ઘણા મંચો પર ભારતીય રમતગમતની શક્તિ બાબતમાં ચર્ચાઓ થઈ છે. બીજી રીતે કહીએ તો જય શાહનું નિવેદન માત્ર ક્રિકેટ જગત સુધી સીમિત નથી. મર્યાદિત હોય પણ શું કામ! ભારત હાલમાં વિશ્વના ટોચના પાંચ અર્થતંત્રમાં ગણાય છે એટલે ખેલકૂદમાં પણ ભારત પાસે મોટી અપેક્ષાઓ રખાય એ સ્વાભાવિક છે. 2030માં ભારતમાં (અમદાવાદમાં) કૉમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે અને 2036માં ઑલિમ્પિક ગેમ્સનું આયોજન થવાની પણ સંભાવના છે.
આપણા ખેલાડીઓ અને ઍથ્લીટોએ તાજેતરમાં જ વિભિન્ન ખેલ સ્પર્ધાઓમાં પોતાની ધમાકેદાર હાજરી નોંધાવી હતી. ટોક્યો ઑલિમ્પિક્સમાં આપણે સાત ચંદ્રક જીતીને આપણા માટે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. ઍથ્લેટિક્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા હતા, જ્યારે બૅડમિન્ટન તેમ જ બૉક્સિંગ, કુસ્તી, ચેસ, તીરંદાજી, કબડ્ડી વગેરેમાં આપણે સતત સારું પ્રદર્શન કરી રહ્યા છીએ.
ભારતમાં લગભગ 65 ટકા પ્રજા યુવાન છે. આપણે લગભગ દરેક મોટી ઇવેન્ટમાં અગાઉ કરતાં સારું પર્ફોર્મ કરી રહ્યા છીએ અને આપણો દેશ સંબંધિત રમતને નવા નવા ચૅમ્પિયન આપી રહ્યો છે. આ બધું ભારતને ખેલજગતમાં મહાશક્તિ બનાવવાની દિશામાં લઈ જાય છે. કેન્દ્ર સરકાર તેમ જ રાજ્ય સરકારો ખેલકૂદ માટેના અંદાજપત્રમાં દર વર્ષે વધારો કરે છે, ખેલો ઇન્ડિયા તેમ જ ટાર્ગેટ ઑલિમ્પિક પૉડિયમ સ્કિમ (ટૉપ્સ) જેવી યોજનાઓ પણ મજબૂત આધારસ્તંભ બની રહી છે.
જો ક્રિકેટની વાત કરીએ તો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) સમગ્ર ખેલજગત સામે એક એવું મૉડેલ બની ગયું છે જેની તુલના અન્ય ક્રિકેટ લીગ કરી શકે એમ નથી. બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સફળ સંચાલનમાં 2008ની સાલથી આ ટી-20 લીગ ટૂર્નામેન્ટ ચાલી રહી છે અને આ વખતે તો કમાલ જ થઈ ગઈ. મંગળવારે રાજસ્થાન રૉયલ્સ (આરઆર)નું ફ્રૅન્ચાઇઝી 1.63 બિલિયન ડૉલર (અંદાજે 15,280 કરોડ રૂપિયા)માં વેચાયું હતું તો મોડી રાતે સમાચાર મળ્યા હતા કે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)ના ફ્રૅન્ચાઇઝીને આરઆરથી વધુ એટલે કે 1.78 બિલિયન ડૉલર (આશરે 16,738 કરોડ રૂપિયા)ના વિક્રમજનક ભાવે ખરીદી લેવામાં આવ્યું છે.
આરઆરના ફ્રૅન્ચાઇઝીને અમેરિકાના બિઝનેસમૅન કાલ સોમાણીએ ખરીદ્યું છે, જ્યારે આરસીબીની માલિકી હવેથી સંયુક્ત રીતે આદિત્ય બિરલા ગ્રૂપ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ગ્રૂપ, ડેવિડ બ્લિટ્ઝર તથા બ્લૅકસ્ટોનના હાથમાં રહેશે. આ બન્ને ફ્રૅન્ચાઇઝી કુલ મળીને 31,800 કરોડ રૂપિયામાં વેચાયા અને બીસીસીઆઇને કહેવાય છે કે 1,500 કરોડ રૂપિયાનો ફાયદો થશે. આઇપીએલની સમગ્ર ખેલજગતમાં બોલબાલા છે અને લોકપ્રિયતા હજી પણ વધશે એ જોતાં ભારત આવનારાં વર્ષોમાં રમતગમતમાં મહાશક્તિની દિશામાં પૂરપાટ જઈ રહેલું જોવા મળશે તો નવાઈ નહીં લાગે.
મોટી સ્પર્ધાઓમાં જીતવામાં આવતા ચંદ્રકો, તળિયાના સ્તરેથી ઍથ્લીટો તથા ખેલાડીઓને તાલીમ આપવા માટેની માળખાકીય સગવડો તેમ જ ખેલ સંસ્કૃતિની બાબતમાં ભારત હજી અમેરિકા, રશિયા, ચીન, ઑસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે દેશોથી ઘણું પાછળ છે, પરંતુ આપણે ત્યાં જે ગતિએ નીતિ-આધારિત સુધારો થઈ રહ્યો છે, ખેલકૂદમાં સરકારના તેમ જ કંપનીઓનાં રોકાણો થઈ રહ્યા છે, ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે એવાં બધાં કારણો સકારાત્મક સંદેશ આપે છે કે ભારત હવે રમતગમતમાં સંભાવનાના તબક્કામાંથી નીકળીને મોટી મોટી દાવેદારી કરવાના યુગમાં પ્રવેશી ચૂક્યું છે.
ટેસ્ટ ક્રિકેટમાં ભારત ભલે ચોથા નંબરે છે, પરંતુ ટી-20 અને વન-ડે ફૉર્મેટમાં ઘણા મહિનાઓથી નંબર-વન છે અને કોઈ ભારતને હટાવી નથી શકતું.ટી-20માં ત્રણ વર્લ્ડ કપ જીતવાનો વિશ્વવિક્રમ ભારતે થોડા દિવસ પહેલાં જ રચ્યો છે. દર વર્ષે માર્ચ-મે વચ્ચેના કુલ બે મહિના માટે વિશ્વભરમાં ક્રિકેટ ટૂર્નામેન્ટો મોટા ભાગે થંભી જાય છે અને આઇપીએલ પર સૌનું ધ્યાન રહે છે. આ બધુ જોતાં ભારત ક્રિકેટનું મક્કા બની ગયું છે.
જોકે ક્રિકેટને બાજુ પર રાખીએ તો અન્ય રમતોમાં હજી સામાજિક તથા શૈક્ષણિક સ્તરે મર્યાદિત સમર્થન મળ્યું છે. સ્કૂલ-કૉલેજોમાં રમતગમતની બાબતમાં માળખું હજી જોઈએ એવું મજબૂત નથી દેખાતું. ભારતના લશ્કરી તથા સંરક્ષણ વિભાગના અન્ય ક્ષેત્રમાંથી નીરજ ચોપડા જેવા ઘણા રમતવીરો ખેલકૂદમાં વિશ્વસ્તરે ચમકતા જોવા મળે છે, પણ અન્ય ક્ષેત્રમાંથી જોઈએ એટલા મજબૂત દાવેદારો નથી મળી રહ્યા. ભારતમાં હજી પણ ખેલકૂદમાં ગ્રાસ રૂટની સિસ્ટમ ઘણી નબળી છે.
અન્ય મોટા મોટા દેશોમાં રમતગમતને શારીરિક કૌશલ્ય ઉપરાંત વૈજ્ઞાનિક પ્રશિક્ષણ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દેન માનવામાં આવે છે. સ્પોર્ટ્સ સાયન્સ, ડૅટા ઍનાલિટિક્સ, માનસિક કોચિંગ (મનોબળ મજબૂત કરવા માટેની તાલીમ) આ બધાને વિક્સિત દેશોમાં મજબૂત આધાર ગણવામાં આવે છે, જ્યારે ભારતમાં એનો પાયો હજી ઘણો નબળો છે. આઇસીસી અધ્યક્ષ જય શાહના નિવેદનને માત્ર ઘોષણા તરીકે ગણવાને બદલે લક્ષ્ય તરીકે ગણીશું તો દેશના ખેલકૂદ ક્ષેત્રને ઘણો ફાયદો થશે.