Fri May 22 2026

Logo

IND vs PAK મેચનો ક્રેઝ ઓછો થઇ રહ્યો છે? ચાહકોનો રસ ઘટવા પાછળ આ કારણો જવાબદાર

2026-02-15 11:28:00
Author: Savan Zalariya
Article Image

અમદાવાદ: એક સમય એવો હતો જ્યારે ક્રિકેટની બે કટ્ટર હરીફ ટીમો ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ ચાલી રહી હોય, ત્યારે શહેરો અને ગામડામાં કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો હોય એવી સ્થિતિ સર્જાતી હતી. લગભગ દરેક ઘરમાં આખો પરિવાર ટીવી સેટ સામે ગોઠવાઈ જતો. આજે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે, એવામાં ચર્ચા છે કે ક્રિકેટ ચાહકોમાં આ ગ્રેટેસ્ટ રાઈવ્લરીનો ક્રેઝ ધીમે ધીમે ઘટતી રહ્યો છે. 

અજેવાલ મુજબ આજે યોઅજનારી મેચમાં કમર્શિયલ એડના ભાવ રેકોર્ડબ્રેક રહ્યા છે, સ્ટેડિયમની તમામ ટીકીટો વેચાઈ ગઈ છે, કોલંબો જતી ફ્લાઈટના ભાડા આસમાને પહોંચ્યા છે, શહેરની હોટેલોમાં રૂમ્સ નથી મળી રહ્યા, આ તમામ આંકડાઓ વચ્ચે જાહેર ચર્ચા થઇ રહી છે કે ભારત-પાક મેચની ઓર્ગેનિક ‘હાઇપ’ માં ઘટાડો થયો છે. જેના પાછળ ઘણાં કારણો જવાબદાર છે. 



શું કહે છે ગૂગલ સર્ચના ડેટા?
વર્ષ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ચાર ક્રિકેટ મેચ રમાઈ હતી, બંને ટીમો ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં એક ODI અને T20 એશિયા કપમાં ત્રણ T20I મેચ રમાઈ હતી. ગૂગલ સર્ચના ડેટાને ટાંકીને એક અહેવાલમાં જણાવવામાં આવ્યું કે વર્ષ 2025 દરમિયાન ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલી મેચ ભારત vs પાકિસ્તાન નહીં પણ, ભારત vs ઇંગ્લેન્ડ હતી, ત્યાર બાદ યાદીમાં બીજા ક્રમે ભારત vs ઓસ્ટ્રેલિયા છે, ત્યારબાદ ભારત vs વેસ્ટ ઇન્ડીઝ છે, અને પછી ચોથા ક્રમે ભારત vs પાકિસ્તાન મેચ સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી.

ક્રિકેટમાં રાજકરણનો વધુ પડતો પેસારો:
T20 વર્લ્ડ કપ 2026 શરુ થયા પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)એ ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ICCએ બાંગ્લાદેશ સાથે કથિત રીતે કરેલા અન્યાયનું કારણ આપીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો, બાદમાં લાંબી વાટાઘાટો બાદ PCBએ ભારત સામે મેચ રમવાનો નિર્ણય કર્યો હતો. બહિષ્કાર કરવાનો અને બહિષ્કાર પાછો ખેંચવાનો અંતિમ નિર્ણય પાકિસ્તાન વડાપ્રધાન શેબાઝ શરીફ દ્વારા લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન બંને દેશો તરફથી રાજકીય નિવેદનો પણ આપવા આવ્યા હતાં. 

આજે જ્યારે બંને કટ્ટર હરીફ ટીમો વચ્ચે T20 મેચ રમાવા છે, ત્યારે બંને ટીમની સ્ટ્રેટેજી શું રહેશે? બેટર્સે કેવા સ્ટ્રોક રમવા જોઈએ  કે બોલર્સે કેવા બોલ ફેંકવા જોઈએ? ખેલાડીઓના ફોર્મ અને પરફોર્મન્સ કેવા રહેશે? આ બધા મુદ્દા કરતાં, શું બંને ટીમોના ખેલાડીઓ હાથ મિલાવશે? ભારત જીતશે તો શું સૂર્યકુમાર જીત સશસ્ત્ર દળોને સમર્પિત કરશે? શું પાકિસ્તાનના ખેલાડીઓ ફાઇટર જેટ તોડી પડવાનો કે બંદુક ફોડવા ઈશારો કરશે? શું ખેલાડીઓ વચ્ચે મેદાન પર બોલચાલ થશે? જેવા મુદ્દાઓ પર વધુ ચર્ચા થઇ રહી છે. જે એક સમયે ‘જેન્ટલમૅન ગેમ’ તરીકે ઓળખાતી રમતની ભાવનાને અનુરૂપ નથી.

ખરેખર ક્રિકેટની રમતને પ્રેમ કરતા ચાહકો ક્રિકેટમાં રાજકારણના આ વધુ પડતા પગ પેસારને કારણે નારાજ છે.

સ્ટાર ખેલાડીઓની ગેર હાજરી:
નોંધનીય છે કે વર્ષ 2024ના T20 વર્લ્ડ કપમાં ભારતનાં બે દિગ્ગજ સ્ટાર ખેલાડીઓઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી, ટાઈટલ જીત્યા તુરંત બાદ બંને ખેલાડીઓએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની યુવા ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે, પરંતુ ચાહકોને રોહિત અને વિરાટના ક્લાસ ક્રિકેટની કમી વર્તાઈ રહી છે.

રોહિત અને વિરાટનો પોતાનો મોટો ફેન બેઝ છે, આ બંને ખેલાડીઓની ગેરહાજરીને કારણે તેમના ફેન્સ T20I ફોર્મેટમાં ઓછો લઇ રહ્યા છે. 

એક તરફી મેચો:
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચોને ગ્રેટેસ્ટ રાઈવ્લરી એટલા માટે કહેવામાં આવે છે, કેમ કે બંને ટીમો વચ્ચેની મેચ હંમેશા રસાકસી ભરેલી રહેતી, જેને કારણે દર્શકોમાં એક અલગ જ રોમાંચ પેદા થતો હતો. હવે છેલ્લા થોડા વર્ષોમાં પાકિસ્તાન સામે ભારતનો દબદાબો રહ્યો છે, ખાસ કરીને T20I ફોરમેટમાં. 

પાકિસ્તાન સામે ભારતની તાજેતરની મેચોના પરિણામો પર નજર કરીએ તો, 
1.    ODI એશિયા કપ 2023માં ભારતે 228 રનથી જીત મેળવી હતી. 
2.    ICC ODI વર્લ્ડ કપ 2023માં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી. 
3.    ICC T20 વર્લ્ડ કપ 2024માં ભારતે 6 રને જીત મેળવી
4.    ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતનો 6 વિકેટે જીત મેળવી
5.    T20 એશિયા કપ 2025ના ગ્રુપ સ્ટેજમાં ભારતે 7 વિકેટથી જીત મેળવી 
6.    T20 એશિયા કપ 2025ના સુપર 4 સ્ટેજમાં ભારતે 6 વિકેટથી જીત મેળવી 
7.    T20 એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં ભારતે 5 વિકેટથી જીત મેળવી.
આમ છેલ્લા વર્ષોમાં પાકિસ્તાન સામે ભારતનો એક તરફી દબદબો રહ્યો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 8 મેચ રમાઈ છે, જેમાં ભારતે 7માં જીત મેળવી, જ્યારે પાકિસ્તાન એક જ મેચ જીતી શક્યું છે. 

બંને ટીમના કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ પણ ઘણી વાર ટીપ્પણી કરી ચુક્યા છે કે હવે પહેલા જેવી સ્પર્ધા નથી રહી, જેને કારણે આ મુકાબલાનો "સ્પાર્ક" ઓછો થઈ રહ્યો છે.  

IND vs PAK મેચનું ઓવરસેચ્યુરેશન: 
નોંધનીય છે કે રાજકીય મતભેદોને કારણે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ નથી રમાઈ રહી, બંને ટીમો માત્ર ICC ઈવેન્ટ્સ અથવા તો અન્ય મલ્ટી-લેટરલ ટુર્નામેન્ટમાં જ આમનેસામને રહે છે. ICCને માટે IND vs PAK આવકનો મોટો સ્ત્રોત છે, એવામાં ICC દર ટુર્નામેન્ટમાં સતત ભારત અને પાકિસ્તાનને જાણી જોઈને એક જ જૂથમાં રાખે છે. 

જાણકારો કહી રહ્યા છે કે વારંવાર IND vs PAK યોજવાથી તેનું મહત્વ ઓછું થઇ જાય છે, ઉપર જણાવ્યું તેમ છેલ્લા ત્રણ વર્ષમાં બંને દેશો વચ્ચે 7 મેચો રમાઈ ચુકી છે.

વધુ પડતું T20 ક્રિકેટ:
વર્ષ 2005માં T20 ક્રિકેટની શરુઆત થઇ હતી, વર્ષ 2007 પહેલો T20 વર્લ્ડ કપ રમાયો, ત્યાર બાદ અમુક વર્ષોને બાદ કરતા દર બે વર્ષે આ ICC T20 વર્લ્ડ કપનું આયોજન થઇ રહ્યું છે. આ ઉપરાંત ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની સફળતા બાદ દુનિયાભર સંખ્યાબંધ T20 ક્રિકેટ લીગ શરુ થઇ છે. કોઈ પણ સમયે  કોઈને કોઈ દેશમાં T20 ક્રિકેટ લીગ શરુ હોય જ એવી સ્થિતિ બની ગઈ છે. 

એવા આરોપો સતત લાગી રહ્યા છે કે T20 ફોર્મેટની ટુર્નામેન્ટ બેટર્સનેને ધ્યાનમાં રાખીને ડીઝાઇન કરવામાં આવી રહી છે, જેથી દર્શકોને છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ જોઈને મનોરંજન મળી રહે, એવામાં ક્યાંકને ક્યાંક ક્રિકેટની રમતની ભાવનાને નુકશાન પહોંચી રહ્યું છે. જાણકારોના મત મુજબ T20 મેચ ફક્ત પાવર ગેમ બનીને રહી ગઈ છે. 

એવામાં ક્રિકેટના ખરા ચાહકો T20 ફોર્મેટમાં ઓછો રસ લઇ રહ્યા છે.