Tue Sep 29 2026

Logo

માર્ચથી મે વચ્ચે દેશમાં કાળઝાળ ગરમીની આગાહી: IMD એ આપી ચેતવણી...

2026-03-01 22:02:11
Author: Mumbai Samachar Team
માર્ચથી મે વચ્ચે દેશમાં કાળઝાળ ગરમીની આગાહી: IMD એ આપી ચેતવણી...

નવી દિલ્હીઃ આ વર્ષે દેશના મોટાભાગના ભાગોમાં માર્ચ અને મે વચ્ચે સામાન્ય કરતાં વધુ ગરમીના દિવસોનો સામનો કરવો પડી શકે છે. આ આગાહી ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)એ કરી હતી.

આ ભાગોમાં પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, દક્ષિણ અને પૂર્વ મહારાષ્ટ્ર, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને ઉત્તર કર્ણાટક અને ઉત્તર તમિલનાડુના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે માર્ચ-એપ્રિલ-મે સીઝન દરમિયાન હીટવેવની વધતી સંભાવનાને કારણે જાહેર આરોગ્ય, જળ સંસાધનો, વીજળીની માંગ અને જરૂરી સેવાઓ માટે ભારે જોખમ ઊભું થઇ શકે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો, બહાર કામ કરતા લોકો અને પહેલાથી જ કોઇ મેડિકલ કન્ડીશન ધરાવતા સંવેદનશીલ લોકો પર અસર પડી શકે છે.

જો કે માર્ચ દરમિયાન દેશના ઘણા ભાગોમાં, ઉત્તર-પૂર્વ અને પૂર્વ ભારત, પશ્ચિમ હિમાલય પ્રદેશ અને મધ્ય અને દ્વીપકલ્પીય ભારતના ભાગોને બાદ કરતાં મહત્તમ તાપમાન સામાન્ય કે સામાન્ય કરતાં નીચું રહેવાની સંભાવના છે.

આ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારત, દક્ષિણ દ્વીપકલ્પ અને પૂર્વ કિનારાના કેટલાક ભાગોને બાદ કરતાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય લઘુત્તમ તાપમાન રહેવાની સંભાવના છે. જ્યાં માર્ચ દરમિયાન સામાન્ય કે સામાન્ય કરતાં ઓછું લઘુત્તમ તાપમાન રહેવાની સંભાવના છે.