Fri Aug 21 2026

Logo

ભારે વરસાદથી દિલ્હી-NCR જળબંબાકાર: રસ્તાઓ પાણીમાં ગરકાવ અને ભયંકર ટ્રાફિકજામથી નાગરિકો પરેશાન

2026-08-07 21:22:07
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ચોમાસાની સિઝન ધીમે ધીમે જામી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે સવારથી લઈ સાંજ સુધી પાટનગર દિલ્હી અને એનસીઆરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સતત વરસેલા વરસાદના કારણે દિલ્હીના અનેક વિસ્તારમાં સ્થિતિ જળબંબાકાર થઈ ગયા છે. આ કારણે દૈનિક ધોરણે દિલ્હી આવનારા લોકોને લાંબા ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. પાટનગરના એક રહેવાસીએ જણાવ્યું હતું કે દોઢ કલાક સુધી ટ્રાફિક જામમાં રહ્યા બાદ માંડ માંડ કારનો કાફલો આગળ વધતો હતો.ખાસ કરીને દિલ્હીને ક્નેક્ટ કરતા હાઈવે અને દિલ્હીમાંથી અન્ય વિસ્તાર જેમ કે, એનસીઆર, ગુરૂગ્રામ, નોઈડા જેવા વિસ્તારોને ક્નેક્ટ કરતા રસ્તાઓ પર લાંબો ભયંકર ટ્રાફિકજામ જોવા મળ્યો છે. 

ગ્રેટર નોઈડામાં એમ્બ્યુલન્સ ફસાતા તંત્ર દોડતું થઈ ગયું
વરસાદના પાણીમાં એક એમ્બ્યુલન્સ ફસાતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ગ્રેટર નોઈડા-95 અંડરપાસ નજીક વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અનેક વાહનો ફસાયા હતા, જ્યાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. પોલીસ, રાહત બચાવકર્તા ટીમ, ટેક્નિશિયન અને એમ્બ્યુલન્સમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. ગ્રેટર નોઈડા, ગૌર સિટી, પરી ચૌક, નોલેજ પાર્ક, સુરજપુર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી પાણીને કારણે જળબંબાકાર બનતા સ્થાનિકો માટે આજનો વરસાદ આફતમાં પરિણમ્યો હતો.

પાણીએ પરેશાની ઊભી કરી
દિલ્હી એનસીઆરમાં સતત વરસાદના કારણે પાણીનો ભરાવો થઈ ગયો હતો. દૈનિક કામ હેતુ નિકળેલા વર્ગને વરસાદે પરેશાન કર્યા હતા. ખાસ કરીને નોકરિયાત વર્ગ જે સાંજે નોકરીથી પરત ફરી રહ્યો હતો એને વરસાદનું વિધ્ન કરતા ટ્રાફિકજામનું વિધ્ન વધારે નડતરરૂપ રીતે નડ્યું હતું. નોઈડા, ગ્રેટર નોઈડા, ફરીદાબાદ અને ગાઝિયાદબાદ સુધી પાણી ભરાઈ જવાના કારણે અનેક મોટાવાહનો પણ અટવાયા હતા. ગુરૂગ્રામમાં સવારે દૂધ પહોંચાડનારા અને ઓફિસ માટે નીકળનારા લોકો અટવાયા હતા. 


પાણી ગોઠણ સુધી ભરાઈ જવાના કારણે પાણીએ પરેશાની ઊભી કરી હતી. હવામાન ખાતા દિલ્હી અને દિલ્હી આસપાસના વિસ્તારો માટે શનિવાર અને રવિવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સાત અને આઠ ઓગસ્ટ અને 9 ઓગસ્ટની સાંજ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દિલ્હીનું ન્યૂનત્તમ તાપમાન 22 ડિગ્રીએ સ્થિર થાય એવી પૂરી શકયતાઓ છે. દિલ્હીના તુઘલકાબાદમાં ભારે વરસાદને કારણે અનેક વાહનો અટવાયા હતા. જ્યારે દિલ્હી જયપુર હાઈવે પર લાંબા અંતર સુધી વાહનોનો ખડકલો જોવા મળ્યો હતો. ટ્રાફિક જામમાં લોકોના બેથી અઢી કલાક વ્યર્થ ગયા હતા.

ફ્લાઈટ શેડ્યુલને આંશિક અસર
એરપોર્ટ રોડ પર ટ્રાફિકના કારણે ફ્લાઈટ શેડ્યુલને આંશિક અસર થઈ હતી. વરસાદના કારણે વિઝિબિલિટી ઝીરો થતા સાંજનો સમય જાણે હિલ સ્ટેશન જેવો હોય એવો માહોલ જોવા મળ્યો હતો. ગુરૂગ્રામમાં કટારિયા ચોકમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ હતી.કાર અને ટ્રક જેવા મોટા વાહનો પાણીમાં તરતા હતા. દિલ્હી પાસે કપશેરા બોર્ડર પર પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનોની રફતાર ધીમી પડી ગઈ હતી. કારના વ્હીલ ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા હતા.  જ્યારે પ્રગતિ મેદાન પાસે 8 કિમી સુધી ટ્રાફિક જામ થતા કારની લાંબી કતાર જોવા મળી હતી. ગુરુગ્રામ, વસંતકુંજ, જયપુર રોડ, ગુરૂગ્રામ ફ્લાય ઓવર જેવા રસ્તાઓ પર વાહનોના ખડકલા જોવા મળ્યા છે.