અમદાવાદ-નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે દેશના 14 રાજ્યોમાં હળવાથી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કેટલાક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે અને આવતીકાલે વરસાદની શક્યતાઓ છે. પ્રિ મોન્સૂન ગતિવિધિના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગ મુજબ, આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું દક્ષિણ-પૂર્વ અરબ સમુદ્ર, દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી, અંદામાન અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડીની કેટલાક વિસ્તારમાં આગળ વધશે. જેના કારણે દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. હાલ દક્ષિણ બંગાળની ખાડી, અંદામાન, પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં ચોમાસાની સીધી અસર જોઈ શકાય છે. આ ઉપરાંત કેરલમ, તમિલનાડુ, કર્ણાટકના દક્ષિણ વિસ્તાર અને પૂર્વોત્તર ભારતમાં પણ વરસાદ પડશે.
દિલ્હીમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ લૂની ચેતવણી આપી છે. તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તેમજ 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 24 મે સુધી ગરમ રાતનું એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગે ઉતત્ર પ્રદેશમાં 22 થી 27 મે સુધી પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં લૂનું એલર્ટ આપ્યું છે. અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સુદી પહોંચી શકી છે. બાંદામાં હીટવેવનું એલર્ટ અપાયું છે. બિહારમાં પણ આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ છે. આ દરમિયાન 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અનેક વિસ્તારોમાં 24 મે સુધી હીટવેવની સંભાવના છે.
રાજસ્થાનમાં 22 થી 27 મે સુધી આંધી સાથે હીટવેવનું એલર્ટ છે. 25 થી 27 મે દરમિયાન અનેક વિસ્તારમાં ભીષણ હીટવેવનું એલર્ટ છે. હિમાચલ પ્રદેશના શિમલા, મનાલી, ધરમશાલા અને મંડીમાં આજે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ દરમિયાન કરા પણ પડી શકે છે.
ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ છે. કેટલાક વિસ્તારમાં કરા પડી શકે છે. ઉત્તર કાશી, નૈનીતાલ, પિથૌરાગઢમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં બે દિવસ દરમિયાન આંધી-વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.