Fri Sep 04 2026

Logo

મુંબઈ લોકલ ટ્રેનમાં 24 કલાકમાં મારામારીની બની બે હિંસક ઘટના: મહિલા અને પુરુષ કોચના વીડિયો વાયરલ

2026-08-26 19:51:42
Author: Mumbai Samachar Team
મુંબઈ લોકલ ટ્રેનમાં 24 કલાકમાં મારામારીની બની બે હિંસક ઘટના: મહિલા અને પુરુષ કોચના વીડિયો વાયરલ

મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનમાં રોજેરોજ મારપીટના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં મારામારીની બે ઘટના બની હતી, જે હિંસક ઘટના હતી. એક બનાવમાં પુરુષ કોચમાં બે યુવકો વચ્ચે હિંસક મારપીટ થઈ હતી, જ્યારે બીજા બનાવમાં બે મહિલાઓની વચ્ચે જોરદાર મારપીટ થઈ હતી. આ બંને બનાવના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ પ્રવાસીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

વાયરલ વીડિયોમાં ફ્રીસ્ટાઇલ મારામારી

મુંબઈ લોકલ ટ્રેન મુંબઈગરા માટે જીવાદોરી સમાન છે, દરરોજ લાખો મુસાફરો સવારે અને સાંજના પીક અવર્સમાં મુસાફરી કરતા જોવા મળે છે, ત્યારે પીકઅવર્સના સમયે પ્રવાસીઓને બેસવાની જગ્યા મેળવવા માટે એકબીજા સાથે ઘણીવાર બોલાચાલી કરવામાં આવે છે. તાજેતરમાં બનેલી ઘટનાના વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચાલતી ટ્રેનમાં પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલ પુરુષ કોચમાં બે વ્યક્તિ એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારપીટ કરતા જોવા મળ્યા હતા. અન્ય પ્રવાસીઓ વચ્ચે પડતા તેમણે બંનેને છૂટા પણ પાડ્યા હતા. છૂટા પડ્યા બાદ પણ બંને એકબીજાને ગાળો આપતા હતા. જોકે, બંને વચ્ચે કઈ બાબતને લઈ વિવાદ થયો એ જાણવા મળ્યું નથી, પરંતુ વીડિયોને લઈ લોકોએ અનેક પ્રકારના તર્ક-વિતર્ક વ્યક્ત કર્યાં હતા.

બદલાપુર-સીએસએમટી લોકલમાં મહિલાઓ વચ્ચે મારપીટ

મહિલા પ્રવાસી કોચમાં અન્ય બે મહિલાઓ વચ્ચે ઝઘડા અને મારામારીનો વીડિયો પણ સામે આવ્યો હતો. જાણકારી અનુસાર આ ઘટના બદલાપુર-સીએસએમટી લોકલ ટ્રેનમાં બની હતી. જેમાં વાયરલ વીડિયોમાં બે મહિલાઓ ચાલતી લોકલ ટ્રેનમાં એકબીજાના વાળ ખેંચી અને મારામારી કરતી જોવા મળી હતી. લોકલ ટ્રેનમાં હાજર અન્ય મહિલાઓએ આ બંને મહિલાઓને છોડાવવાના પ્રયત્નો પણ કર્યા હતા, પરંતુ બંનેનો ઝઘડો એટલી હદે વકરી ગયો હતો કે બંનેએ એકબીજાને મારવાનું શરૂ રાખ્યું હતું. 

આ મારામારી પાછળનું કારણ હજી જાણવા મળ્યું નથી. અમુક સોશિયલ મીડિયા યુઝર્સના મતે પર્સનલ ઇસ્યુ કે જગ્યાના અભાવે આ ઝઘડો થયો હોવાનું કારણ જાણવા મળ્યું હતું,  પરંતુ કોઈ અધિકૃત જાણકારી મળી નહોતી. મુંબઈના સબર્બન રેલવે નેટવર્કમાં લોકલ ટ્રેનમાં અવારનવાર બનતી આવી ઘટનાઓના લીધે પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. 

જીઆરપી અને રેલવે અધિકારીઓ આ ઘટનાના વાયરલ ફૂટેજ અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. અધિકારીઓ આ વીડિયોની સચોટતા અને આગળની કાર્યવાહી કરવા માટે  મુસાફરોની ઓળખ ચકાસી રહ્યા છે. લોકલ ટ્રેનમાં આવી વધતી જતી હિંસક ઘટનાઓ ઉપનગરીય નેટવર્કમાં દરરોજ મુસાફરી કરતા પ્રવાસીઓ માટે ચિંતાનો વિષય બનતું જાય છે.