અમદાવાદઃ નડિયાદ કચેરીની ટીમ દ્વારા એક સઘન દરોડો પાડી બિનઅધિકૃત દવા ઉત્પાદનનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. મળેલી ચોક્કસ બાતમીના આધારે નડિયાદ વિભાગની આરોગ્ય વિભાગની ટીમે ૦૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ કપડવંજના ધોળીકૂઈ ખાતે આવેલા ડોક્ટર સોની, બાવીશી વાળાનું દવાખાનું પર તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસમાં સ્થળ પરથી આશરે ૧૦૦ મિ.લી. ક્ષમતાની પારદર્શક પ્લાસ્ટિકની બોટલોમાં લાલ રંગનું પ્રવાહી ભરેલી ૧૬૦ બોટલો (કોઈપણ પ્રકારના લેબલ વિના) વેચાણ અર્થે સંગ્રહ કરેલી મળી હતી.
સ્થળ પરથી "રતવાની દવા" દર્શાવતા લેબલ, આશરે ૧,૦૦૦ ખાલી બોટલો, તેમજ વિટામિન બી-કૉમ્પ્લેક્સ દવાની ૪.૫ લીટર ક્ષમતા ધરાવતા ૯૨ ભરેલા પ્લાસ્ટિક કન્ટેનર તથા વપરાયેલા ખાલી કન્ટેનર જપ્ત કરાયા હતા. આમ કુલ રૂ. ૬૬,૪૦૦/- ની કિંમતનો સમગ્ર જથ્થો કાયદેસર રીતે જપ્ત કરવામાં આવ્યો હતો. લેબોરેટરીના ટેસ્ટ રિપોર્ટ અને તપાસના આધારે આકરામાં આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
દવાખાનાના જવાબદાર વ્યક્તિ ડો સોની છેલ્લા પાંચ વર્ષથી આ દવાખાનું ચલાવે છે. તેઓ અમદાવાદની પેઢી 'પરેશ ટ્રેડીંગ કોર્પોરેશન' પાસેથી વિટામિન બી-કૉમ્પ્લેક્સનો ૪.૫ લીટરની દવા ખરીદતા હતા. આ પ્રવાહી દવાને તેઓ પોતાના દવાખાનામાં જ ૧૦૦ મિ.લી.ની બોટલોમાં રીપેક કરી, પોતાનું લેબલ લગાવીને દર્દીઓને બોટલ દીઠ રૂ. ૮૦/- ના ભાવે વેચતા હતા.
આ પ્રવાહી દવાના ઉત્પાદન માટે જરૂરી ઉત્પાદન પરવાનો કે પ્રોડક્ટ પરમિશન ઉપલબ્ધ નહોતી. બેચ મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ, સ્ટોક રજિસ્ટર કે વેચાણ બિલ/કેશમેમો જેવા કોઈ દસ્તાવેજો રાખવામાં આવતા નહોતા. બોટલ પર દવાનું નામ, સરનામું, કમ્પોઝિશન, બેચ નંબર, ઉત્પાદન તારીખ, એક્સપાયરી ડેટ કે લાયસન્સ નંબર જેવી કાયદાકીય માહિતી દર્શાવવામાં આવતી નહોતી. સ્થળ પરથી શંકાસ્પદ દવાના સેમ્પલ લઈ નિયમાનુસાર પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.