(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ટાંકીને, ભાજપના એમએલસી પ્રવીણ દરેકરે શનિવારે આરોપ લગાવ્યો કે મુંબઈને નષ્ટ કરવા, તેની વસ્તીગણતરી બદલવા અને ચોક્કસ સમુદાયની વસ્તી વધારવાનું પૂર્વયોજિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
વિધાન પરિષદમાં દરેકરના ધ્યાનાકર્ષક નોટિસનો જવાબ આપતા, ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન યોગેશ કદમે જણાવ્યું હતું કે સરકારે 2025માં રાજ્યમાં ગેરકાયદે રહેતા 2,000 થી વધુ બાંગ્લાદેશીઓને દેશનિકાલ કર્યા હતા.
તેમણે કહ્યું કે 2021માં મહારાષ્ટ્રે ગેરકાયદે રહેતા 109 બાંગ્લાદેશીઓને દેશનિકાલ કર્યા, ત્યારબાદ 2022માં 77, 2023માં 127 અને 2024માં 202. 2025માં, 2037 બાંગ્લાદેશીઓને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. આ વર્ષે, ભારતમાં ગેરકાયદે રહેતા 1,000થી વધુ બાંગ્લાદેશીઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.
દરેકરે બીએમસીના ‘ભ્રષ્ટ ડોકટરો’ પર 237 બોગસ જન્મ પ્રમાણપત્રો આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે હજારો બાંગ્લાદેશી ફેરિયાઓ છે. ‘મુંબઈને નષ્ટ કરવા અને વસ્તી વિષયક સ્થિતિ (ડેમોગ્રાફી) બદલવા અને ચોક્કસ સમુદાયની વસ્તી વધારવાનું પૂર્વયોજિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે,’ એમ તેમણે કહ્યું હતું.
દરેકરે ઘણી ઝૂંપડપટ્ટીઓમાં ‘લેન્ડ જેહાદ’નો પણ આરોપ લગાવ્યો હતો. ભાજપના નેતા અને એમએલસી ચિત્રા વાઘે એવો દાવો કર્યો હતો કે ‘લવ જેહાદ’ પણ થઈ રહ્યો છે.કદમે અગાઉ કહ્યું હતું કે, પોલીસ મહારાષ્ટ્રમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશીઓને પકડી લેશે, તેમની પર કેસ ચલાવશે અને તેમને દોષી ઠેરવશે. આ પ્રક્રિયાને અનુસરીને, તેમને દેશનિકાલ કરવામાં આવશે એવી પ્રક્રિયા હતી.
જોકે, કેન્દ્રના જાહેરનામા મુજબ, રાજ્ય સરકાર હવે તેમને સીધા દેશનિકાલ કરી શકે છે જો તેમની પાસે પુરાવા હોય કે તેઓ બાંગ્લાદેશી નાગરિક છે, એમ તેમણે ઉમેર્યું હતું. કદમે કહ્યું કે એવા કિસ્સાઓ છે કે કેટલાક લોકો છેલ્લા 40 વર્ષથી ગેરકાયદે રહેતા જોવા મળ્યા છે.
કેટલાક કિસ્સાઓમાં, દેશનિકાલ કરાયેલા બાંગ્લાદેશીઓ પણ પાછા ફર્યા છે, તેમણે ઉમેર્યું હતું કે મોડસ ઓપરેન્ડી પહેલા સરહદ પાર કરીને પશ્ર્ચિમ બંગાળમાં પ્રવેશવાની છે. ‘અમે ગુપ્ત માહિતી (ઇનપુટ)ના આધારે કાર્યવાહી કરીએ છીએ,’ એમ પણ કદમે કહ્યું હતું.
રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઓળખ્યા પછી, તેમને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ને સોંપવામાં આવે છે, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે પ્રથમ ડિટેન્શન સેન્ટર બનાવવા માટે 20 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.