Tue Apr 21 2026

Logo

માનસ મંથનઃ હનુમાનજીને સમજવા હોય તો એમના જીવનની હકારાત્મકતાને સમજો

2026-03-30 08:39:00
Author: Mumbai Samachar Team
Article Image

મોરારિબાપુ

હનુમાન શું છે ? આપણાં શાસ્ત્રોમાં અર્થોની પરંપરા અક્ષરાર્થથી શરૂ છે; પછી શબ્દાર્થ થાય છે; પછી વાક્યાર્થ થાય છે; પછી પ્રકરણાર્થ થાય છે. આખા પ્રકરણનો સાર બતાવવામાં આવે છે; પછી ગ્રંથાર્થ થાય છે. આખા ગ્રંથનો નાના એવા સૂત્રમાં સાર આપે છે એ ગ્રંથાર્થ અને વચ્ચે વચ્ચે તત્ત્વાર્થ, ભાવાર્થ, અન્યાર્થ, અન્યન્યાર્થ, કેટલા બધા સંદર્ભો આવે છે ! કોઈ પણ વસ્તુને જ્યારે આપણે પકડી ન શકીએ, આપણને લાગે કે એ આપણી ઓકત બહાર છે, ત્યારે હનુમાનને સમજવા. તો શબ્દાર્થ કરી લો, ભાવાર્થ કરી લો, તત્ત્વાર્થ કરી લો અને અક્ષરાર્થ કરી લો. હનુમાનના પહેલાં અક્ષર ‘હ’ નો અર્થ થાય છે હકારાત્મક વિચાર. આપણા જીવનમાં પોઝિટિવ વિચાર આવે. અને પછી હનુમાનનું ચરિત્ર જુઓ. એ માણસ એના સમગ્ર જીવનમાં હકારાત્મક છે. હનુમાનને સમજવા હોય તો ‘હ’ને સમજો. તુલસી કહે છે,    
    
आम्या भंग कबहु न किन्ही| 

રામે જે કહ્યું એની હા. યુવાન ભાઈ-બહેનો, જેમના પ્રત્યે મારી મમતા છે એવા પ્યારા શ્રોતાઓ, કથા સાંભળ્યા પછી હકારાત્મક વિચાર નિર્મિત કરો, હનુમાન મુઠ્ઠીમાં આવવા લાગશે.

બીજો અક્ષર ‘નુ’, આપણી બુદ્ધિમાં પ્રશ્ન ઊઠશે કે દરેક બાબતમાં હા કહેવી? બુદ્ધિ તર્ક કરશે. તો, હનુમાનજીનો બીજો અક્ષર ‘નુ’ આપણને શીખવે છે કે, જે વસ્તુ નુકસાનકર્તા હોય એમાં હા ન કહેવી. બાળક કહેશે, મારે આ ખાવું છે અને ડોકટરે એ ખાવાની મનાઈ કરી હોય. તો હા ન કહેવી. નુકસાન કરનારી ચીજમાં હા ન કહેવી, પરંતુ એમાં હાનિ થશે એવું પહેલાં પાકું કરવું. તો, ના કહો. 

બાકી હા, હા, હા. આપણે સંસારી જીવ છીએ, નુકસાનકર્તા ચીજમાં મા-બાપ, મિત્ર, ગુરુજન, વડીલ, હા ન કહે. શંકરે શું કહ્યું સતીને ? માતા-પિતાના ઘેર જવામાં આમંત્રણની જરૂર નથી, આપ જવા માગો છો તો હું હા કહીશ, પરંતુ એ નુકસાનકર્તા છે અને શંકર કોણ છે ? હનુમાન. હકારાત્મક દૃષ્ટિ નુકસાન કરે તો એમાં પણ હા ન કહેવી.

ત્રીજો અક્ષર ‘મા’. ‘મા’નો અર્થ છે કે, સૌને માન આપો. હનુમાનજી નાનામાં નાના વાનરને ઈજ્જત દેતા હતા. ક્યાં હનુમાન અને ક્યાં નાનો વાનર! સૌને માન આપો. લોકોને માન આપવાથી આપણું બગડે છે શું ? સૌને આદર આપો. સૌ પ્રત્યે ભાવ રાખો. સૌ પરમાત્માનાં મંદિર છે. સૌમાં હરિ બેઠા છે. કોઈને ધક્કો દેતા પહેલાં વિચારો. તો, ‘મા’નો અર્થ છે માનદ.

અને હનુમાનનો ‘ન’. ‘ન’ એટલે નમ્રતા. હકારાત્મક વિચાર; નુકસાનકારક હોય એમાં હા ન કહેવી; સૌને માન આપવું અને એનો ક્યાંય અહંકાર ન આવી જાય એટલે છેલ્લો અક્ષરાર્થ છે નમ્રતા. શ્રી હનુમાનજી મહારાજનું નામ લેવાથી ભૂત-પ્રેત નિકટ નથી આવતા; અને ભૂત એટલે ભૂતકાળ તથા પ્રેત એટલે ભવિષ્ય. શોક અને ચિંતાની વચ્ચે શ્રી હનુમાનજીને કારણે આપણે વર્તમાનમાં જીવી શકીએ છીએ. હનુમાનજી આગળ પણ છે, પાછળ પણ છે; ઉપર પણ છે,નીચે પણ છે; ડાબે પણ છે,જમણે પણ છે. ‘રામચરિતમાનસ’માં તુલસીએ લખ્યું છે, હનુમાનજી પાછળ છે.    
    
पाछे पवन तनय सिरु नावा|
 जानि काज प्रभु निकट बोलावा ॥

પાછળ રહે છે એટલે કે આપણને પુશ કરે છે. પાછળ રહીને જીવન સાધનામાં આગળ વધવામાં આપણને ધક્કો મારે છે. પરંતુ એ જ કથામાં, જ્યારે બંદર-ભાલુ તરસ્યાં થાય છે, સીતાની શોધની સુગ્રીવે જે સમયમર્યાદા આપી હતી એ લગભગ પૂરી થવામાં છે અને જાનકીજીની કોઈ ખબર નથી મળતી ત્યારે બધાં દુ:ખી થઈ ગયાં અને હનુમાનજીએ વિચાર્યું કે હવે જલપાન વિના કદાચ આ બધાં મરી જશે, ત્યારે હનુમાનજી ઉપર ચડીને પૃથ્વીમાં, ગુફામાં,પર્વતમાં જુએ છે અને પછી બધાંને લીડ કરે છે. 

હનુમંતતત્ત્વ પાછળ પણ રહે છે, આગળ પણ રહે છે. હનુમંતતત્ત્વ વચ્ચે પણ છે. ‘રામાયણ’ના પ્રસંગો તમે ઉઠાવો. હનુમાનજી દરેક જગ્યાએ વચ્ચે છે. સુગ્રીવ અને રામનું મિલન કરવવામાં હનુમાનજી વચ્ચે છે. ત્યાં મધ્યસ્થીનું કામ શ્રી હનુમાનજીએ કર્યું. આમ સીતાજીની શોધમાં જયારે જામવંત, અંગદ આદિ જાય છે ત્યારે ‘पाछे पवन तनय सिरु नावा|’ હનુમાન સૌની પાછળ રહ્યા. આપણે આ ચાર સૂત્ર સમજવાની જીવનમાં કોશિશ કરીએ, પ્રમાણિક પ્રયાસ કરીએ તો હનુમંતતત્ત્વ સમજમાં આવી શકે છે.

હનુમાનજીની આરાધના કરવામાં કોઈ વિધિવિધાનની જરૂર નથી. સપ્તાહમાં એક વાર હનુમાનને તેલ ચડાવવામાં આવે છે. તેલનો અર્થ છે સ્નેહ. હનુમાનજીને તેલ ચડાવવાનો મતલબ આપણો સ્નેહ ચડાવવો. તુલસી ‘વિનયપત્રિકા’માં કહે છે, 

‘बंदर राम लखन वैदेही, ये तुलसी के परम सनेही |’

સ્નેહ ચડાવ્યો. બીજું, સૂત્ર કે ધાગા ચડાવીએ છીએ. સૂતરનો અર્થ છે યોગસૂત્ર, ભક્તિસૂત્ર, સાંખ્યસૂત્ર, ન્યાયસૂત્ર, એમાંથી કોઈ એકાદ સૂત્ર હનુમાનજીના ચરણોમાં રાખવું. ગુરુએ આપેલું કોઈ સૂત્ર રાખી દો. બહુ સસ્તી પૂજા છે હનુમાનજીની. તો, મહાવીરનો અર્થ છે, જે બધાં લોકોની આરાધનાનું કેન્દ્ર હોય, એ હનુમાન છે. જેમની સાધના કરવાથી સિદ્ધિ મળે, શુદ્ધિ મળે. જરૂરી છે શુદ્ધિ. જેવી રીતે અષ્ટસિદ્ધિ છે, એનું મારી વ્યાસપીઠે અષ્ટશુદ્ધિમાં પરિવર્તન કર્યું છે.

હનુમાન જેવું પવિત્ર કોણ છે? કોણ મહાવીર? કોણ હનુમાન? જે આપણી બધી કામનાઓ પૂર્ણ કરે. આ સૂત્ર અનુસાર સદ્દ્ગુરુ બે કામ કરે છે. કાં તો એ આશ્રિતની બધી કામનાઓ પૂરી કરી દે છે, કાં બધી કામનાઓ નષ્ટ કરી દે છે. આપણી કામનાઓ પૂરી થાય કે આપણી કામનાઓ નષ્ટ પામે એની પસંદગી આપણે કરવાની છે. ‘વિનય પત્રિકા’માં ગોસ્વામીજી કહે છે-    
    
बलिपूजा चाहत नहिं, चाहत एक प्रीति|
सुमिरन ही मानै भलो, पवन सब रीति॥

સૌની આરાધનાનું કેન્દ્ર બને એ હનુમાન. એ એવા દેવ છે, જે બલિદાન નથી માગતા. આટલાં વર્ષો પહેલાં તુલસીનું એ ક્રાંતિકારી સૂત્ર છે કે, બલિપૂજા બંધ થવી જોઈએ. સત્સંગથી સંજોગ બદલી જાય છે. લાખ મહેનત કરતાં કરતાં જે ઈચ્છો તે નથી મળતું. પરંતુ સત્સંગથી દિવસ બદલી જાય છે, ગહન કાળી રાતમાં સૂરજ નીકળે છે.

મારા હનુમાન બલિપૂજા માગતા નથી. હનુમાન બે પ્રકારના બલિ માગે છે, અહંકારનો અને મમતાનો. પશુને શું કામ કાપીએ ? મારા પ્રિય પદોમાંનું એક પદ છે,

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે,
જેની સુરતા શામળિયાની સાથ વદે વેદ વાણી રે.

હરિ ભજે એની લાજ નથી જતી, પરંતુ શરત એટલી કે સૂરતા લાગી હોવી જોઈએ. તો, હનુમંતતત્ત્વ એ છે, જે બલિપૂજા નથી ઇચ્છતું. તો શું ઈચ્છે છે ? ‘चाहत एक प्रीति’ તારો થોડોક પ્યાર, તારી પ્રેમભરી નજર. તુલસીએ આપણા જેવા લોકો માટે સાધના સરળ કરી દીધી છે, જેની પ્રત્યેક પદ્ધતિ પવિત્ર છે. બધી ચેષ્ટાઓ શુભ છે.  
- સંકલન: જયદેવ માંકડ