Tue Jul 28 2026

Logo

કવર સ્ટોરી: તમે ભારતના નાગરિક છો એવું સાબિત કઈ રીતે કરો?

2026-06-28 08:02:00
Author: Vijay Vyas
Article Image

 

 

 

આપણી પાસે ઢગલાબંધ સરકારી દસ્તાવેજો છે, જેના આધારે તમે બેન્કમાં અકાઉન્ટ ખોલાવી શકો, મત આપી શકો, ઈન્કમટેક્સ ભરી શકો-કાર ડ્રાઈવ કરી શકો ને વિદેશ યાત્રાએ પણ જઈ શકો, છતાં એ બધા ડોક્યુમેન્ટસને  તમે ભારતના નાગરિક હોવાના પુરાવા તરીકે માન્ય નથી રખાતા! આવો વિચિત્ર વિરોધાભાસ જગતના બીજા કોઈ દેશમાં જોવા નથી મળતો...



 

- વિજય વ્યાસ

 

તમે ભારતીય નાગરિક છો ?

 

સવાલ વિચિત્ર છે, પણ હમણાં ભારત સરકારના વિદેશ મંત્રાલયે કરેલી સ્પષ્ટતાને પગલે આ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કેમ કે અત્યાર સુધી આપણે માનતા હતા કે, ભારતીય પાસપોર્ટ હોય એટલે આપણે ભારતીય નાગરિક ગણાઈએ. ભારત સરકારના વિદેશ મંત્રાલયે મહાજ્ઞાન આપ્યું છે કે, ભારતીય પાસપોર્ટ હોય એટલે તમે ભારતીય નાગરિક છો એવા ભ્રમમાં ના રહેતા કેમ કે ભારતીય પાસપોર્ટ ભારતની નાગરિકતાનો પુરાવો નથી, પણ એ પ્રવાસ કરવા માટેનો એક સામાન્ય ડોક્યુમેન્ટ જ છે. 

મતલબ કે, કોઈ વ્યક્તિ ભારતીય પાસપોર્ટ ધરાવતી હોય તેના કારણે ભારતની નાગરિક બની જતી નથી... ! 

 

કોમિક વાત પાછી એ છે કે, વિદેશ મંત્રાલય એવું માને છે કે, ભારતીય પાસપોર્ટ તો આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળતાથી કરી શકાય અને વિદેશમાં ભારતના હોવાની ઓળખ સ્થાપિત કરી શકાય એ માટે અપાય છે. વિદેશ મંત્રાલયની આ વાત હાસ્યાસ્પદ છે કેમ કે પાસપોર્ટના કારણે વિદેશમાં તમે ભારતીય હોવાની ઓળખ સ્થાપિત કરી શકો પણ તેના કારણે ભારતીય નાગરિક હોવાનું ના કહેવાય એ કેવું ?

 

વિદેશ મંત્રાલયની આ સ્પષ્ટતા પછી બહુ મહત્ત્વનો સવાલ એ ઊભો થઈ ગયો છે કે, આપણે ભારતીય નાગરિક છીએ એવું કઈ રીતે માની શકાય? જાણીને આશ્ર્ચર્ય થશે કે, 150 કરોડની વસતિ  ધરાવતા આ વિશાળ  દેશમાં કોઈ વ્યક્તિ ભારતની નાગરિક છે એવું સાબિત કરવા માટેનો કોઈ એક જ દસ્તાવેજ જ નથી. અત્યાર સુધી આપણે જે પણ દસ્તાવેજોને ભારતીય નાગરિક તરીકેની ઓળખ માનતા હતા એ બધા તો એક પછી એક નકારાઈ રહ્યા છે એ જોતાં તમે ભારતીય નાગરિક છે એવું સાબિત કઈ રીતે કરી શકો?

 

આ દેશમાં હિંદુઓએ પોતે ભારતના નાગરિક હોવાનું સાબિત કરવા માટેના સંજોગો બહુ ઊભા નથી થતા, પણ બીજા ધર્મનાં લોકોની નાગરિકતા સામે તો હવે સવાલો કરાય જ છે. આ સંજોગોમાં કોઈ વ્યક્તિ ભારતની નાગરિક હોવાનું કઈ રીતે સાબિત કરી શકે એ સમજવું જરૂરી છે. જે લોકો ભારતમાં જન્મ્યા નથી ને બીજા દેશમાંથી આવીને ભારતમાં વસ્યા છે અથવા ભારતીય માતા-પિતાનું સંતાન છે, પણ વિદેશમાં જન્મ્યા છે એવા લોકો કાનૂની પ્રક્રિયા દ્વારા ભારતના નાગરિક બની શકે છે. આવા લોકોને કેન્દ્ર સરકાર સિટિઝન સર્ટિફિકેટ આપે છે. આ સિવાયનાં બીજા નાગરિકો માટે ભારતના નાગરિક હોવાનું સાબિત કરતો કોઈ એક જ દસ્તાવેજ નથી. એ લોકો બર્થ સર્ટિફિકેટ, માતા-પિતા કે દાદા-દાદીના દસ્તાવેજો, ભારતમાં જ ભણ્યા હોવાના પુરાવા એટલે કે સ્કૂલ રેકોર્ડ્સ દ્વારા પોતે ભારતના નાગરિક હોવાનું સાબિત કરી શકે છે.

 

આ વ્યવસ્થા વરસોથી છે, પણ એકદમ હાસ્યાસ્પદ છે કેમ કે ભારતના નાગરિકોને જ મળતા દસ્તાવેજોને પણ ભારતના નાગરિક હોવાના પુરાવા તરીકે માન્યતા નથી. થોડાંક ઉદાહરણોથી આ વાત સમજવી પડશે. તમારે ભારતના મતદાર તરીકે નોંધણી કરાવવી હોય તો તેના માટે ભારતના નાગરિક હોવું જરૂરી છે. એ જ રીતે પાસપોર્ટ કઢાવવો હોય તો પણ ભારતના નાગરિક હોવું જરૂરી છે. આધાર કાર્ડ માટે પણ ભારતના નાગરિક હોવું જરૂરી છે. બીજા ઘણા દસ્તાવેજો કઢાવવા માટે પણ ભારતના નાગરિક હોવું અનિવાર્ય છે.

 

તમે આ દસ્તાવેજોમાંથી કોઈ આપો તો તમે ભારતના જ નાગરિક હોવાનું સ્વીકારીને મતદાર ઓળખપત્ર, આધાર કાર્ડ કાઢી આપવામાં આવે, પણ ભારતના નાગરિકોને જ જે કાર્ડ કે દસ્તાવેજ અપાય છે તેને જ નાગરિકતાના પુરાવા તરીકે માન્ય નથી રખાતાં. ભારતના નાગરિકોને જ મળતા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે,  પણ પાન કાર્ડ ભારતના નાગરિક હોવાના પુરાવા તરીકે માન્ય નથી. ડ્રાઈવિંગ લાઇસન્સ તમારા બર્થ સર્ટિફિકેટના આધારે કાઢી અપાય છે. પણ નાગરિકતાના પુરાવા તરીકે ડ્રાઈવિંગ લાઇસન્સ પણ માન્ય નથી. આવી વિચિત્ર સિસ્ટમ દુનિયાના બીજા કોઈ દેશમાં નહીં હોય.

 

મજાની વાત પાછી એ છે કે, જેને ભારતના નાગરિક હોવાના પુરાવા તરીકે માન્ય નથી રખાતા એ જ દસ્તાવેજોને આધારે ભારતના નાગરિકો તરીકેના લાભ લોકોને અપાય છે. ગરીબોને અનાજ આપવા માટે રેશન કાર્ડ હોવું જરૂરી છે, પણ રેશન કાર્ડ નાગરિકતાના પુરાવા તરીકે માન્ય નથી. સરકારની પેન્શન યોજના, હેલ્થ ઈન્સ્યોરન્સ વગેરે યોજનાઓનો લાભ લેવો હોય તો આધાર કાર્ડ ફરજિયાત છે, પણ આધાર કાર્ડ નાગરિકતાના પુરાવા તરીકે માન્ય નથી. આવી વિચિત્ર સિસ્ટમ બીજા કોઈ દેશમાં હોય ખરી ?

 

આઘાતની વાત પાછી એ છે કે, આ દેશને આઝાદ થયે 80 વર્ષ પૂરાં થવામાં છે છતાં કોઈ સરકારે આ સિસ્ટમ બદલીને ભારતના નાગરિક તરીકેની સત્તાવાર માન્યતા આપતો દસ્તાવેજ બહાર પાડવાની દિશામાં કશું કર્યું જ નથી. જવાહરલાલ નહેરૂની સરકારથી આ લાલિયાવાડી શરૂ થઈ ને અત્યાર નરેન્દ્ર મોદીના શાસનમાં પણ આ  જ  બેઢંગી રફતાર ચાલે જ છે. તેનું ચોક્કસ કારણ શું એ તો સરકારમાં બેઠેલા મહાનુભાવો જ કહી શકે, પણ ભારતીય નાગરિકો માટે એક ચોક્કસ દસ્તાવેજ બહાર નહીં પાડવાનો નિર્ણય આડકતરી રીતે ભારતમાં ભ્રષ્ટાચાર સર્વવ્યાપી હોવાનો સ્વીકાર છે. 

 

ભારતમાં પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ સહિત કોઈ પણ દસ્તાવેજ નકલ બની જ જાય છે. ભારતીય નાગરિકો માટે એક ચોક્કસ દસ્તાવેજ બનાવીશું તો તેની પણ નકલ થવા માંડશે અને ભારતમાં મોટી સંખ્યામાં બોગસ નાગરિકો બની જશે એવો ડર શાસકોને હશે. આ ડર આડકતરી રીતે આપણા શાસકોની પોતાની નિર્માલ્યતાનો સ્વીકાર જ કહેવાય. બાકી બીજું શું કારણ હોય?

 

અત્યારે ટેકનોલોજી અત્યાધુનિક બની ગઈ છે એ જોતાં આ ડર અકારણ છે. બાયોમેટ્રિક્સના કારણે જેની નકલ ના થઈ શકે એવા યુનિક ડોક્યુમેન્ટ કે કાર્ડ બનાવી જ શકાય. અમેરિકા, જાપાન સહિતના વિકસિત દેશો એ કરે જ છે, પણ ભારતમાં ભ્રષ્ટાચાર એ હદે વ્યાપ્ત છે કે, દેશની નાગરિક ના હોય એવી વ્યક્તિ પણ પોતાનાં બાયોમેટ્રિક્સ આપીને નકલી નાગરિકતા કાર્ડ કઢાવી શકે છે. આ વાસ્તવિકતા છે ને તેને સ્વીકારવી પડે. ‘આપણે વિશ્વગુરુ બની ગયા’ એવું કહેવા માત્રથી જ વાસ્તવિકતા ના બદલાય.

 

હાલની શાસક સરકારને એક ડર કદાચ ઘૂસણખોરોનો છે. ઘૂસણખોરોમાં મોટા ભાગના બાંગ્લાદેશી કે બર્માથી આવેલા મુસ્લિમો છે. આ મુસ્લિમો કૉંગ્રેસ સહિતના દંભી સેક્યુલર પક્ષોની મતબેંક છે, ભાજપની મતબેંક નથી. 

 

ભારતની નાગરિકતા માટેનો ચોક્કસ દસ્તાવેજ હોય તો આ ઘૂસણખોરો પણ ભારતના નાગરિક બની જશે ને તેના કારણે પોતાનાં મતબેંકનાં સમીકરણો ખોરવાઈ જશે એવો ડર શસક પક્ષને  હોઈ શકે. ભારતમાં થોડા ઘણા રૂપિયા વેરીને ગમે તે કરી શકો એ જોતાં આ ડર ખોટો પણ નથી. જે દેશમાં સરહદની સુરક્ષા માટે ખડે પગે સૈનિકો તૈનાત હોવા છતાં સરહદ પારથી આતંકવાદીઓ ને બંદૂકો, રોકેટ લોંચર્સ, આરડીએક્સ સહિતનો મોતનો સામાન આવી જતો હોય એ દેશમાં નાગરિક ઓળખપત્ર કઢાવવું તો મોટી વાત જ નથી. 

 

બાંગ્લાદેશ કે બર્માથી કે બીજે ક્યાંયથી ઘૂસણખોરી કરીને ભારતમાં આવી ગયેલાં ને અહીં જામી ગયેલાં લોકો આધાર કાર્ડ કઢાવીને બેસી ગયાં છે, નાગરિક ઓળખપત્ર પણ એ રીતે જ મળી જાય.

 

આ સમગ્ર  સિનારિયો ભારત માટે શરમજનક છે, પણ તેનો કોઈ ઉપાય નથી. આ કારણે આપણા જ દેશમાં આપણે દેશના નાગરિક છીએ કે નહીં એ વિશે ગૂંચવાડો વચ્ચે આપણે જીવ્યા કરીએ છીએ. આ ગૂંચવાડો દૂર કરવા  સડી ગયેલી સિસ્ટમને સુધારવી પડે ને એ કરવાનું આપણા કોઈ શાસકનું ગજું નથી એ વરવી વાસ્તવિકતા છે.