Wed Sep 02 2026

Logo

માર્કેટમાંથી તરબૂચ ખરીદતાં પહેલાં આ જરૂર વાંચજો! લાલચોળ, મીઠા તરબૂચ છે ખતરાની ઘંટડી...

2026-05-16 20:40:36
Author: Darshana Visaria
માર્કેટમાંથી તરબૂચ ખરીદતાં પહેલાં આ જરૂર વાંચજો! લાલચોળ, મીઠા તરબૂચ છે ખતરાની ઘંટડી...

છેલ્લાં કેટલાક સમયથી ઉનાળામાં મળતાં કલિંગર એટલે કે તરબૂચ ખાવાને કારણે લોકોના બીમાર પડવાની કે મૃત્યુ થવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ પાછળનું આખરે કારણ શું છે? ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખવા અને ઠંડક આપવામાં માટે તરબૂચનો કોઈ જવાબ નથી. આજકાલ માર્કેટમાં નફો કમાવવા માટે તડબૂચમાં 'નાઈટ્રેટ' કે 'એરિથ્રોસિન' એટલે કે લાલ રંગની ડાઈ અને સેકરીન જેવા કેમિકલના ઇન્જેક્શન મારવામાં આવે છે. આવું તડબૂચ ખાવાથી ફૂડ પોઇઝનિંગ, પેટમાં દુખાવો, લીવર અને કિડનીને ગંભીર નુકસાન થાય છે. પરિણામે ખરીદતા પહેલાં અસલી અને ઝેરી તરબૂચનો તફાવત જાણવો ખૂબ જરૂરી છે. આજે આપણે સ્ટોરીમાં આ વિશે વાત કરીશું...

પીળો ડાઘ ચેક કરો:

જ્યારે તરબૂચ વેલા પર કુદરતી રીતે પાકે છે, ત્યારે તેનો જે ભાગ જમીન અડેલો રહે છે ત્યાં એક પીળા કે ક્રીમ રંગનો ડાઘ પડી જાય છે. જો તડબૂચ પર આવો ડાઘ (ફીલ્ડ સ્પોટ) હોય, તો સમજી લેવું કે તે કુદરતી રીતે પાકેલું છે. જો આખું તરબૂચ એકદમ લીલું હોય અને ક્યાંય પીળો ડાઘ ન હોય, તો તેને કેમિકલથી પકવવામાં આવ્યું હોવાની પૂરેપૂરી શક્યતા છે.

વધુ પડતો લાલ રંગ અને ચમક:

જો તરબૂચ બહારથી અતિશય ચમકતું અને કાપ્યા પછી અંદરથી અકુદરતી રીતે ઘાટ્ટો લાલ રંગ ધરાવતું હોય, તો સાવધ થઈ જાવ. ઇન્જેક્શનવાળા તરબૂચ અંદરથી ખૂબ લાલ દેખાય છે પરંતુ તેનો સ્વાદ મોળો અથવા વધુ પડતો આર્ટિફિશિયલ ગળ્યો લાગે છે.

ઘર બેઠા કરો 'વોટર ટેસ્ટ':

તરબૂચમાં કલરની મિલાવટ છે કે નહીં તે જાણવા માટે, તેનો એક નાનો ટુકડો કાપીને પાણી ભરેલા કાચના ગ્લાસ અથવા વાસણમાં નાખો. જો પાણીનો રંગ તરત જ ગુલાબી કે લાલ થવા લાગે, તો સમજી લેવું કે તેમાં આર્ટિફિશિયલ કલરનું ઇન્જેક્શન મારવામાં આવ્યું છે. કુદરતી તરબૂચથી પાણીનો રંગ તરત બદલાતો નથી.

વચ્ચે મોટી તિરાડ અથવા સફેદ પાવડર:

તરબૂચને કાપતી વખતે જો તેની બરાબર વચ્ચે ખૂબ મોટી તિરાડ (Crack) જોવા મળે, તો તે અતિશય કેમિકલ અથવા ગ્રોથ હોર્મોન્સના ઉપયોગથી ફૂલેલું હોઈ શકે છે. આ ઉપરાંત, જો તેની આસપાસ કોઈ સફેદ કે પીળો પાવડર જેવો પદાર્થ દેખાય તો તે કેમિકલના અવશેષો હોઈ શકે છે.

વજન અને અવાજ:

સારું અને પાકેલું તરબૂચ તેના કદ પ્રમાણે વજનમાં ભારે હોય છે કારણ કે તેમાં પાણી ભરપૂર હોય છે. તેમજ તેને હાથથી થાપ મારવા પર જો ભારે અને ખોખલો અવાજ આવે તો તે સારું છે, પરંતુ જો તીણો અવાજ આવે તો તે કાચું અથવા અંદરથી સુકાઈ ગયેલું હોઈ શકે છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમને પણ ઝેરી અને કેમિકલયુક્ત તરબૂચ ખરીદવા અને ખાવાથી બચી જાય. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...