વર્તમાન સમયમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે વધતા જઈ રહેલાં તણાવને કારણે હાલમાં આખી દુનિયાની નજર સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પર મંડાયેલી છે. વિશ્વની જરૂરિયાતના કુલ 20 ટકા તેલ અને ગેસનો પુરવઠો આ સાંકડી દેખાતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અફાટ સમુદ્રમાં, જ્યાં કોઈ રસ્તા કે સાઈન બોર્ડ નથી હોતા, ત્યાં વિશાળ જહાજો પોતાનો રસ્તો કેવી રીતે શોધતા હશે? ઈરાનથી નીકળેલું જહાજ ભારત સુધી કેવી રીતે પહોંચે છે? ચાલો આજે તમને આ સ્ટોરીમાં આ વિશે જણાવીએ...
વાત કરીએ સમુદ્રમાં જહાજના નેવિગેશન અને ઈરાન-ભારત રૂટની રસપ્રદ ટેકનિકલ માહિતીની તો આ જહાજો રસ્તો શોધવા માટે કોઈ એક નહીં, પણ ઘણી આધુનિક ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય નિયમો પર નિર્ભર હોય છે. આ નિયમો અને ટેક્નોલોજી વિશે આપણે લેખમાં વિસ્તારથી ચર્ચા કરીશું.
રેડિયો અને સેટેલાઇટ કોન્ટેક્ટ
સમુદ્રમાં જહાજો વચ્ચેના સંપર્ક માટે રેડિયો કોમ્યુનિકેશન એ સૌથી મહત્વનું પાસુ છે. જ્યારે જહાજ કિનારાથી દૂર ઊંડા સમુદ્રમાં હોય છે, ત્યારે સેટેલાઇટ કોમ્યુનિકેશન દ્વારા તે કંટ્રોલ રૂમ અને અન્ય જહાજો સાથે જોડાયેલું રહે છે. આનાથી કોઈપણ જોખમ કે રૂટ બદલવાની માહિતી તરત મળી જાય છે.
એઆઈએસ સિસ્ટમ
રેડિયો અને સેટેલાઈટ સિવાય એઆઈએસ સિસ્ટમ પણ ખૂબ જ મહત્વની છે. વર્તમાન સમયમાં દરેક આધુનિક જહાજમાં એઆઈએસ સિસ્ટમ હોય છે. આ સિસ્ટમ જહાજની ચોક્કસ લોકેશન, ઝડપ અને દિશાની માહિતી સતત મોકલતી રહે છે. આનાથી આસપાસના જહાજો અને કંટ્રોલ સેન્ટરને ખબર પડે છે કે કયું જહાજ કઈ દિશામાં જઈ રહ્યું છે, જેથી અથડામણ ટાળી શકાય.
જીપીએસ, રડાર અને કંપાસ
રોડની જેમ જ જહાજને રસ્તો શોધવામાં જીપીએસ મદદ કરે છે. જીપીએસ જહાજનું એકદમ સચોટ લોકેશન બતાવે છે. જ્યારે રડાર આસપાસના અન્ય જહાજો કે સમુદ્રમાં રહેલા અવરોધો શોધવામાં મદદ કરે છે. આ ઉપરાંત કંપાસ જહાજને કઈ દિશામાં (ડાબે કે જમણે) વાળવું તે નક્કી કરવા માટેની યોગ્ય દિશા સૂચવે છે.
દરિયાઈ લેન કરે છે મદદ
આપણને ખ્યાલ ના આવે પરંતુ દરિયામાં લેન હોય છે, જેની જાણકારી જહાજ ચલાવી રહેલાં ખલાસીને હોય છે. સમુદ્રમાં રસ્તા નથી હોતા, પરંતુ આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ નક્કી કરેલી 'લેન' (Traffic Separation Schemes) હોય છે. જહાજોએ આ નક્કી કરેલા માર્ગો પર જ ચાલવું પડે છે જેથી ટ્રાફિક જામ કે અકસ્માત ન થાય.
ઈરાનથી ભારત પહોંચવા માટે કેટલો સમય લાગે છે?
સમુદ્રમાં જહાજ કેવી રીતે રસ્તો શોધે છે અને ચોક્કસ રૂટ પર આગળ વધે છે એ જાણી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ કે ઈરાનથી તેલ અને ગેસ લઈને આવી રહેલાં જહાજને ભારત પહોંચવા કેટલો સમય લાગે છે અને આ જહાજ કયો રૂટ લે છે એની.
જહાજ સૌપ્રથમ ઈરાનથી નીકળી હોર્મુઝની સામુદ્રધુની પાર કરે છે. ત્યારબાદ તે અરબી સમુદ્રમાં પ્રવેશે છે અને ભારતના પશ્ચિમ કિનારા તરફ આગળ વધે છે. ઈરાનથી જહાજને ભારતના ગુજરાતમાં આવેલા મુંદ્રા-કંડલા પોર્ટ પર પહોંચવા માટે એકથી દોઢ દિવસનો સમય લાગે છે. જ્યારે મુંબઈ પોર્ટ સુધી પહોંચતા અંદાજે બે દિવસ જેટલો સમય લાગે છે.