Tue Jul 28 2026

Logo

હાલ કૈસા હૈ જનાબ કા... ઇન્ટરવલ કે બાદ!

2026-07-03 10:33:00
Author: Divyakant Pandya
Article Image

2026ના બાકી છ મહિનામાં સ્ટાર્સ- ફ્રેન્ચાઇઝ અને મોટા પડદા વચ્ચેનો જંગ

શો-શરાબા - દિવ્યકાંત પંડ્યા

2026ના પહેલાં છ મહિના પૂરા થઈ ગયા છે અને હવે બાકીના છ મહિનામાં કઈ ફિલ્મ્સ દર્શકોની રાહ જોઈ રહી છે તેની ચર્ચા કરવાનો સમય છે. વર્ષની શરૂઆતમાં આપણે પહેલાં છ મહિનામાં આવનારી કેટલીક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ્સ પર નજર કરી હતી. (અહીં ઓટીટી પ્લૅટફૉર્મ્સ પર રિલીઝ થતી વેબ સિરીઝનો સમાવેશ નથી કર્યો, કારણ કે મોટા ભાગની સિરીઝની રિલીઝ ડેટ તેમના આગમનના થોડા સમય પહેલાં જ જાહેર કરવામાં આવે છે.) તો ચાલો, હવે મનોરંજન દેવની કૃપાથી વર્ષના બીજા ભાગમાં આવનારી ફિલ્મ્સની સફર શરૂ કરીએ...

બોલિવૂડ અને હોલિવૂડ બન્નેે તરફથી એવી ફિલ્મ્સ આવી રહી છે જે માત્ર રિલીઝ નથી, પરંતુ ઇવેન્ટ બની શકે એવી સંભાવના ધરાવે છે. આ ફિલ્મ્સને જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે આજે બન્ને ઇન્ડસ્ટ્રીઝ નવી વસ્તુઓ પર નહીં, પરંતુ લોકો પહેલાંથી ઓળખતા હોય એવી દુનિયા, પાત્રો અને બ્રાન્ડ્સ પર વધારે વિશ્વાસ મૂકી રહી છે.

સૌથી પહેલાં બોલિવૂડની વાત કરીએ. વર્ષના બીજા ભાગની સૌથી મહત્ત્વની ફિલ્મ્સમાંની એક છે ‘આલ્ફા’. યશરાજ ફિલ્મ્સે છેલ્લા કેટલાંક વર્ષોમાં પોતાનું સ્પાય યુનિવર્સ ઊભું કર્યું છે. હવે ‘આલ્ફા’ દ્વારા પ્રથમ વખત મહિલા કેન્દ્રિત સ્પાય ફિલ્મ પર મોટો દાવ લગાવવામાં આવ્યો છે. આલિયા ભટ્ટ અને શર્વરી મુખ્ય ભૂમિકામાં છે. એ જોવું રસપ્રદ રહેશે કે સ્પાય ફિલ્મ્સ માટે ‘ધુરંધર’ પછી તેના બદલાયેલા ફૉર્મ્યુલા સાથે પણ દર્શકો એટલો જ ઉત્સાહ બતાવે છે કે નહીં.

સપ્ટેમ્બરમાં આવનારી ‘મિર્ઝાપુર: ધ મૂવી’ વર્ષનો સૌથી રસપ્રદ પ્રયોગ સાબિત થઈ શકે છે. ‘મિર્ઝાપુર’ પાસે પહેલેથી જ મજબૂત ચાહકવર્ગ છે. હવે જોવાનું એ રહેશે કે મોબાઇલ અને ટીવી સ્ક્રીન પર સફળ રહેલાં પાત્રો માટે લોકો થિયેટરમાં ટિકિટ ખરીદે છે કે નહીં. આ ફિલ્મની સફળતા કે નિષ્ફળતા ભવિષ્યમાં અન્ય વેબ શોઝ માટે પણ રસ્તો બનાવી શકે છે.

ઑક્ટોબરમાં આવનારી ‘દૃશ્યમ 3’ એવી ફિલ્મ છે જેના વિશે કદાચ સૌથી ઓછી શંકા છે, કારણ કે આ ફ્રેન્ચાઇઝની તાકાત તેના સ્ટાર્સ કે ઍક્શન સિક્વન્સ નથી, પરંતુ તેની સ્ટોરી છે. વિજય સાલગાંવકરનું પાત્ર વર્ષોથી દર્શકોને પોતાનીસાથે જોડી રાખવામાં સફળ રહ્યું છે. આજના સમયમાં જ્યારે ઘણી ફિલ્મ્સ માત્ર સ્કેલ પર ભાર મૂકે છે, ત્યારે ‘દૃશ્યમ’ જેવી ફિલ્મ યાદ અપાવે છે કે સારી થ્રિલર હજુ પણ દર્શકોને ખેંચી શકે છે.

જોકે વર્ષના બીજા ભાગની સૌથી મોટી ચર્ચા કદાચ ‘રામાયણ ભાગ 1’ને લઈને થવાની છે. ભારતીય સિનેમામાં પૌરાણિક કથાઓ પર ઘણી ફિલ્મ્સ અને સિરિયલ્સ બની છે, પરંતુ આ પ્રોજેક્ટનો સ્કેલ કંઈક અલગ જ છે. આંતરરાષ્ટ્રીય સ્તરના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, મોટા કલાકારો અને ભારતીય સંસ્કૃતિના સૌથી લોકપ્રિય ગ્રંથોમાંથી એક પર આધારિત આ ફિલ્મ માટે અપેક્ષાઓ ખૂબ ઊંચી છે.

વર્ષના અંતમાં આવનારી ‘કિંગ’ પણ ખાસ ધ્યાન ખેંચે છે. શાહરુખ ખાન આજે પણ એવા થોડાક સ્ટાર્સમાં સામેલ છે, જેમની ફિલ્મની જાહેરાત જ એક ઇવેન્ટ બની જાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વારંવાર એવો સવાલ પૂછાયો છે કે શું સ્ટારડમ હજુ પણ બોક્સ ઑફિસ પર કામ કરે છે? ‘કિંગ’ કદાચ તેનો જવાબ આપી શકે.

હવે હોલિવૂડ તરફ નજર કરીએ. જુલાઈમાં આવનારી ‘ધ ઓડિસી’ સૌથી વધુ ચર્ચાતી ફિલ્મ્સમાંની એક છે. દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાન આજે એવા ફિલ્મમેકર બની ગયા છે કે લોકો માત્ર ફિલ્મની સ્ટોરી માટે નહીં, પરંતુ તેમની ફિલ્મ જોવાનો અનુભવ લેવા માટે પણ ટિકિટ ખરીદે છે.

આ જ સમયગાળામાં ‘સ્પાઇડર-મેન : બ્રાન્ડ ન્યૂ ડે’ પણ આવશે. સ્પાઇડર-મેન દુનિયાના સૌથી લોકપ્રિય સુપરહીરોમાંનો એક છે, પરંતુ આજે પડકાર માત્ર સુપરહીરો બતાવવાનો નથી. દર્શકો હવે સારી ઇમોશનલ સ્ટોરી અને મજબૂત પાત્રો પણ ઇચ્છે છે. સ્પાઇડર-મેનની ફિલ્મ્સ અત્યાર સુધી એ સંતુલન જાળવવામાં સફળ રહી છે  એટલે આ નવી ફિલ્મ પર પણ સૌની નજર રહેશે.

નવેમ્બરમાં ‘ધ હંગર ગેમ્સ: સનરાઇઝ ઓન ધ રીપિંગ’ આવશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં હોલિવૂડમાં એક રસપ્રદ ટ્રેન્ડ જોવા મળ્યો છે. જૂની લોકપ્રિય ફ્રેન્ચાઇઝને ફરી જીવંત કરવામાં આવી રહી છે, પરંતુ માત્ર નોસ્ટેલ્જિયા નહીં, નવી પેઢીના દર્શકોને પણ કંઈક નવું આપવું પડે છે. આ ફિલ્મ માટે પણ એ જ પડકાર રહેશે.

ડિસેમ્બરમાં તો બૉક્સ આફિસ પર મોટી ટક્કર જોવા મળી શકે છે. એક તરફ ‘જુમાનજી’ ફ્રેન્ચાઇઝનો નવો ભાગ હશે, ‘ડ્યુન’નો પણ ત્રીજો ભાગ હશે અને સામે હશે ‘એવેન્જર્સ : ડૂમ્સડે’. ખાસ કરીને ‘એવેન્જર્સ : ડૂમ્સડે’ માટે અપેક્ષાઓ ખૂબ મોટી છે. ‘એન્ડગેમ’ પછી માર્વેલ સ્ટુડિયોઝ માટે કદાચ આ સૌથી મહત્ત્વની ફિલ્મ છે.

ટૂંકમાં, બોલિવૂડ હોય કે હોલિવૂડ, હાલમાં કોઈ પણ અજાણ્યા રસ્તા પર ચાલવા તૈયાર નથી. આમ છતાં  સિનેમાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે હંમેશાં આશ્ર્ચર્યચકિત કરે છે. દર વર્ષે કોઈ નાની ફિલ્મ મોટી સફળતા મેળવી લે છે અને કોઈ બહુ મોટી ફિલ્મ અપેક્ષા મુજબ ચાલતી નથી. લેટ્સ સી!

લાસ્ટ શૉટ

ડિસેમ્બરમાં ‘ડ્યૂન’એ પહેલેથી જ ઈંખઅડ સ્ક્રીન્સનો મોટો હિસ્સો પોતાના નામે કરી લીધો હોવાથી ડિઝનીએ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ માટે ‘ઇન્ફિનિટી વિઝન’ નામના નવા પ્રીમિયમ ફૉર્મેટને લૉન્ચ કર્યું છે.