Wed Sep 09 2026

Logo

હું, સોનલ ઝવેરી- પ્રકરણ - 43

2026-08-25 08:04:00
Author: Maavji Maheshwari
હું, સોનલ ઝવેરી- પ્રકરણ - 43

 

માવજી મહેશ્વરી

બોલતાં બોલતાં સોનલ હાંફી ગઈ હોય તેમ ઊંડા શ્વાસ ભરવા લાગી. અચાનક રત્નાકરજી ‘ઓહ! માય ગોડ’ કહી સોનલના ચહેરા સામું એકધારું જોઈ રહ્યા. સનતની હાલત વિચિત્ર હતી. તે આખીય ઘટનામાં સામેલ હતો, તોય જાણે બહાર હતો. એને એવુંય લાગતું હતું કે સોનલ હવે એ સોનલ નથી, જે ટ્રેનમાં હતી, જે હોટેલના રૂમમાં હતી. ઓકે એ કાર તમે દિલ્હી એરપોર્ટ ઉપર જ મૂકી આવ્યા એમ ને? જો એ કાર પોલીસના ધ્યાને આવશે તો એ લોકો માટે કબજો મેળવવાનું મુશ્કેલ બનશે. અચ્છા કારના નંબર યાદ છે? 

સોનલ વિલાયેલું હસી પડતાં બોલી, ‘દાદાજી નંબર જોવાનો કોની પાસે સમય હતો. પણ અહીં આવી છું ત્યારે વિચારું છું કે હું એજ સોનલ છું જે ગઈ કાલે હતી?’ 

મને ગણપત દ્વારા જે વાત મળી છે એ હિસાબે મોટાભાગનું મેં વિચારી લીધું છે. ‘બે રસ્તા છે. એક આપણે એ બધા ઉપર સીધે સીધી ફરિયાદ નોંધાવી દઈએ. બીજું પહેલા એ લોકો સાથે વાત કરી લઈએ. એટલે કે વકીલ કરશે.’ 

‘શા માટે?’ સોનલ ઉતાવળે બોલી ગઈ. પછી જરા અટકીને બોલી, ‘મને જરા સમજાવો.’ 
તું નામજોગ ફરિયાદ કરી શકે. જે થયું તે બધું જણાવી દેવું પડે. 

સોનલ વચ્ચે જ બોલી પડી, ‘દાદાજી સૌથી મોટી વાત તો રહી ગઈ. એમનો એક મોબાઈલ ફોન અનાયાસે મારા હાથમાં આવી ગયો છે. સનત એ ફોન ક્યાં છે?’ સોનલની આંખો ચમકતી હતી. જાણે ઘણા સમય પછી વાત કરવાનો અવસર મળ્યો હોય તેમ સનતે કહ્યું, ‘એ તો તમારી બેગમાં છે. એનો સીમ પણ આપણે કાઢી લીધો છે ને.’ 

‘વ્હોટ? છોકરી તને ખબર છે તું કેવું પરાક્રમ કરીને આવી છે? એ મોબાઈલ ફોન આપણાં બધાં કામ આસાન કરી દેશે. સાંભળ આજે આપણે ઘેર જઈએ. તારા આ મિત્રને કાલે મુંબઈ બતાવવાની વ્યવસ્થા કર.’ રત્નાકરજીના હોઠ ઉપર ન સમજાય તેવું સ્મિત રમી રહ્યું. સોનલે સનત સામે જોયું. સનતે બારીના કાચ સામે જોયા કર્યું, ‘દાદાજી હું જાણવા માગું છું તમે શું કરવા ધારો છો?’ 

‘એ બધા નાલાયકોને જેલ ભેગા કરવા ધારું છું.’ 

સોનલ અકારણ ચૂપ થઈ ગઈ. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને અભિજિત સામે જોઈને કહ્યું, ડૉક્ટર ક્યારે ડિસીસન આપશે? આપણે જમી આવીએ તો? એક કામ કરો પહેલા તું અને સનતભાઈ જમી આવો. હું ત્યાં સુધી વિચારી લઉં.’ કોઈ ઊઠે તે પહેલા સનત ઊઠી ગયો. તે અસ્વસ્થ હતો એ દેખાઈ આવતું હતું. રૂમની બહાર નીકળતાં જ સોનલે સનતનો હાથ પકડતાં કહ્યું, ‘આટલા નર્વસ થઈ જવાનું કારણ શું છે? એકલું ફીલ કરો છો કે કોઈ મૂર્ખાઈ કર્યાના વિચાર આવે છે?’ 

‘એક વાત તો એ છે કે હું સામાન્ય માણસો વચ્ચે જ રહ્યો છું એટલે એટીકેટવાળા અને શ્રીમંત માણસો વચ્ચે મુંઝાઈ જાઉં છું. બીજું જો પોલીસની મેટર થશે તો મારું પણ નામ આવશે. મારી કંપનીને ખબર પડશે તો મારી નોકરી જશે સાથે મારે વારંવાર અહીં આવવું પડશે.’ 

‘તો બીક લાગે છે એમને?’ સોનલે તોફાની અવાજમાં કહ્યું. 
‘તમને મસ્તી સુઝે છે અને મારો જીવ જાય છે. હું શા માટે તમને તાબે થતો રહ્યો તેની મને ખબર નથી. પણ હવે ખરેખર બીક લાગે છે.’ 

સોનલે સનતનો હાથ પકડીને અને લિફ્ટનું બટન દબાવ્યું. સનત નીચે જતી લિફ્ટની ધ્રુજારી અનુભવતો રહ્યો. સોનલ સનતના ચહેરા ઉપર આવતા જતા ભાવોને જોઈ રહી હતી. તેણે સનતના બૂટ ઉપર પોતાનો પંજો દબાવી જરા મલકતા કહ્યું, ‘આપણે ખાવા જઈએ છીએ સમજ્યા? ખાવા પહેલા બીકના વિચારો ન કરવા જોઈએ અને બીજી એક વાત કહું? તમે ખરેખર હિંમતવાળા છો. બીકણ નથી. હવે તો આમેય આપણને કશુ થવાનું નથી. ચિંતા ન કરો. તમે સાંભળ્યું ને દાદાજીએ તમને મુંબઈ બતાવવાનું કહ્યું છે. એટલે તમને મજા આવે એટલા દિવસ મુંબઈની મોજ માણો. તમારા માટે મસ્ત હોટેલ અને ગાડીની વ્યવસ્થા થઈ જશે.’ 

‘એટલે મારે એકલા એકલા ફરવાનું એમને?’

‘ઓહ સ્વીટ ચાઈલ્ડ. તમે તરત દુ:ખી થઈ જાવ છો. ડોન્ટ વરી ડિયર.’ સનતે એકદમ સોનલની સામે જોયું. સોનલે નેણ ઉપર ચડાવ્યા. સનતે કંઈક વિચાર્યું. તેને મનોમન હસવું આવ્યું. 

રાતે ઘસઘસાટ ઊંઘ્યા પછી સનત સવારે પરવાર્યો ત્યાં સુધીમાં નવ વાગી ગયા. તેની સાથેનો ડ્રાઈવર બદ્રી યુવાન અને કંઈક વાતોડિયો પણ હતો. જોકે આગલા દિવસે રાતે સોનલે એને કહેલું, ‘બદ્રી, સાહબ કો મુંબઈ દિખાના હૈ. કલ સુબહ જલદી હોટેલ પર પહૂંચ જાના.’ હોટેલ રત્નાકરજીના ઘરથી ખાસ્સી દૂર હોય એવો અંદાજ તેણે લગાવ્યો હતો. 

રાતે તેને એવો વિચાર આવ્યો હતો કે પોતાની કંપનીમાં મેલ કરીને જાણ કરી દે કે એ બે દિવસની રજા લેશે. પણ એ વાત રાતે થાકના કારણે ભૂલાઈ ગઈ. તેણે સોનલને ફોન જોડ્યો પણ એ ફોન બંધ આવતો હતો. સનતને ઈચ્છા હતી કે તે સોનલની થોડી મસ્તી કરે. જોકે આગલા દિવસથી સોનલ બદલાઈ ગઈ હતી. તે છૂટા પડ્યા ત્યાં સુધી રત્નાકરજી સાથે ચર્ચા કરતી રહી હતી. તેણે બદ્રીને ફોન લગાવ્યો. 

પહેલી જ રીંગમાં બદ્રીએ ફોન ઉપાડતાં કહ્યું, ‘ગુડ મોર્નિંગ સર. મૈં નીચે આપકા વેઈટ કર રહા હૂં. આપ નીચે આતે હૈં ના? હા આતા હૂં.’ એવો ટુંકો જવાબ આપીને સનતે નીકળતાં પહેલા ફરી એકવાર સોનલને ફોન કર્યો પણ તેનો ફોન બંધ આવતો હતો. સનતને ન ગમ્યા જેવું થયું. બદ્રીએ સનતને બપોર સુધીમાં તો કેટલુંય ફેરવ્યો. બપોર પછી સનતે સોનલને ઉપરા ઉપરી ફોન કર્યે રાખ્યા પણ સોનલનો ફોન બંધ આવતો રહ્યો. 

ચારેક વાગે તેણે બદ્રીને કહ્યું, ‘બદ્રી દેખો સોનલ મેડમકા ફોન બંધ આ રહા હૈ. મુજે ઉનસે મિલના જરૂરી હૈ. તું ઉનકે ઘર યા ઓફિસ લે ચલો.’ પરંતુ ડ્રાઈવર બદ્રીએ જે જવાબ આપ્યો તે સાંભળી સનતને પહેલા ઝાટકો લાગ્યો. તેને સમજાતું ન હતું કે સોનલે બદ્રીને એવી સૂચના શા માટે આપી સહશે કે સનતને આજે આખો દિવસ ફેરવજે પણ ઘેર કે ઓફિસે ન લઈ આવજે અને કોઈના નંબર પણ ન આપજે. 
* * *
બીજા દિવસની સવારે મુંબઈમાં જાણે ધડાકો થયો. હીરા બજારની જાણીતી પેઢી એમ. વી. એન્ટરપ્રાઈઝની તમામ મિલકતનું ટ્રસ્ટ બનાવી દેવાની જાહેરાત સાથે જ આખાય મુંબઈની માર્કેટમાં હો હા મચી ગઈ. છાપાંઓએ પહેલા પાને આ સમાચાર વિગતવાર છાપ્યા હતા. સાથે સાથે એમ. વી. એન્ટરપ્રાઈઝની માલિક સોનલ ઝવેરીના ફોટો સાથે પ્રથમ પાને જાહેરાત હતી. આ પેઢીનું શા માટે ટ્રસ્ટ બનાવી દેવામાં આવ્યું છે તે આખીય વાત એ જાહેરાતમાં દર્શાવી હતી. 

ટીવી મીડિયાએ પણ સવારથી આ પેઢીની મિલકતનું ટ્રસ્ટ બનાવી દેવાયાના સમાચાર રસપૂર્વક ચલાવ્યા કરતા હતા. કેટલાક પત્રકારોએ પેઢીની માલિક સોનલ ઝવેરીની મુલાકાત લેવા સવારથી તાકમાં બેઠા હતા. પણ ન તો સોનલ કોઈને મળતી હતી કે ન સોનલનો ફોન લાગતો હતો. પેઢીના કર્મચારીઓની નિંદર જ ઊડી ગઈ હતી. તેમણે પણ સોનલને સોલિસીટર રત્નાકરજીને ફોન કરતા રહ્યા હતા, પણ કોઈને ફોન લાગતો ન હતો. જેમ જેમ દિવસ ચડવા માંડ્યો તેમ તેમ આગની જેમ એમ. વી. એન્ટરપ્રાઈઝના સમાચાર ફેલાતા રહ્યા. 

વેપારી આલમમાં ખળભળાટ હતો પણ કોઈ ખુલ્લીને કહેતું ન હતું. એની વચ્ચે ટીવી ઉપર સોનલ ઝવેરીની પત્રકાર પરિષદ બોલાવવાની જાહેરાત થઈ અને હવાની રૂખ બદલી ગઈ. કરોડોનો કારોબાર કરતી કોઈ કંપની અચાનક પોતાનો ધંધો સંકેલી બધીય મિલકતનું ટ્રસ્ટ બનાવી દે એ વાતના મૂળમાં જરૂર કોઈ સનસનાટી હશે એવું વિચારતી અખબારી આલમ સોનલ માટે અનેક જાતના પ્રશ્નોનું લિસ્ટ લઈને બેસી ગઈ હતી. 

મુંબઈની ઝવેરી બઝાર અને મીડિયા બેય ઊંચા જીવે વાટ જોઈ રહ્યા હતા. આખરે એ સમય આવ્યો જ્યારે સોનલ ઝવેરી ખુદ પ્રેસ સામે આવી. કેટલાકને એ વાત સમજાતી નહોતી કે આવડી મોટી કંપનીની માલિક આટલી નાની ઉંમરની હશે. કંપનીના સોલિસીટર રત્નાકર વોરા સામે બેઠા હતા. રત્નાકરજીએ પોલીસ અને વકીલો સાથે રાખીને એવા પાસાં ફેંક્યા કે ચોવીસ કલાકમાં બધાની શાન ઠેકાણે આવી ગઈ. 

જોકે ટ્રસ્ટ બનાવતા પહેલાં કર્મચારીઓ અને મણિરામ ઝવેરીના વારસદારો માટે કેટલીક મિલકત અલગ રાખેલી હતી. પત્રકારોની વિંધી નાખતી નજર અને કેમેરાની ફ્લેશ સામે સ્વસ્થ બેઠેલી સોનલને અચાનક યાદ આવ્યું કે સનત અકળાઈ ગયો હશે. તેને હવે જાણ કરવી જરૂરી છે. તેણે રત્નાકરને પાસે બોલાવીને ધીમેથી કાનમાં કશુંક કહ્યું. રત્નાકર વોરાએ એક વ્યક્તિને કશીક સૂચના આપી. 

અડધાએક કલાકમાં સનત આવ્યો અને એને જે દેખાયું તે જોઈને અચંબિત થઈ ગયો. સોનલ માઈકના ખડકલા સામે સ્વસ્થ બેસી પત્રકારોને માહિતી આપી રહી હતી. તે સોનલનો અવાજ સાંભળાતો બેસી રહ્યો. તેને થોડું થોડુ સમજાવા લાગ્યું. પણ તેને એ સમજાતું ન હતું કે માત્ર બે દિવસમાં ખેલ પડયો કઈ રીતે? પેલો ભેરુજી, ડ્રાઈવર, સોનલના નાલાયક ભાઈઓ, એની ખુરાંટ મા, એનો રંગીન મિજાજી બાપ એ બધાં ક્યાં છે? હવે એ બધા શું કરશે? 

ફાંકડા અંગ્રેજીમાં બોલતી સોનલને જોઈ તેને એ વિચાર પણ આવ્યો કે આ સોનલ જેને ખેરખાં પત્રકારો સાંભળી રહ્યા છે તેણે મારી સાથે એક જ બર્થ ઉપર મુસાફરી કરી છે. એક જ બેડ ઉપર ભેગી સૂતી છે. આ સપનું છે કે હકીકત?  એક તરફ તેને રાજીપો થતો હતો જ્યારે બીજી તરફ એક વિષાદ જાગતો હતો કે હવે સોનલ ક્યારેય નહીં મળે. આ સોનલ જુદી છે જ્યારે એ સોનલ જુદી હતી. એ સોનલ એક સપનું હતી. આ સોનલ હકીકત છે. 
* * *
અમદાવાદ એરપોર્ટની બહાર આવેલા સનતે આકાશ સામે જોયું. બપોર તપવા માંડ્યા હતા. તેનું મન જરા ઉદાસ હતું. પત્રકાર પરિષદ પૂરી કરી સોનલે રત્નાકરજી સાથે બેઠક કરી. આઠ વાગે તેણે સામેથી આવીને કહ્યું, ‘સનત ભૂખ નથી લાગી?’ સનત જાણે રાહ જ જોઈ રહ્યો હતો. સોનલ તેની સાથે એકલી હોટેલ મૂકવા આવી હતી. બંને જણાએ ડિનર સાથે લીધું. 

સનતને તો કેટલુંય પૂછવું હતું. પણ જાણે તે સોનલથી અંજાઈ ગયો હોય એવું લાગતું હતું. જમ્યા પછી પૂરા બે કલાક વાતો કરી. જતી વખતે સનતને ભરપૂર આલિંગન આપીને કપાળ ઉપર ચુંબન કરતા સોનલે કહેલું, ‘યુ આર રીયલી અ જેન્ટલમેન. હું આજીવન તમારી ઋણી રહીશ. એક પ્રોમીસ કરો કે મને કદી ફોન નહીં કરો. પણ તમારા નંબર બદલાવતા નહીં. હું ક્યારેક તમને મળવા આવીશ.’ 

સનતને અચાનક જ યાદ આવ્યું કે જતી વખતે સોનલે કહેલું તમારી બેગમાં એક નાનકડી ભેટ છે ત્યાં પહોંચીને જોજો. સનતથી રહેવાયું નહીં તેણે એક રેલિંગનો ટેકો લઈને બેગના તળિયે હાથ નાખી ફંફોસ્યું. સિંદૂરની નાનકડી ડબ્બી જેવું આંગળીઓને અડ્યું. તેણે ઝડપથી ડબ્બી કાઢી ખોલીને જોયું તો તેની આંખો ફાટી રહી. તેણે સાચા હીરાને આટલા નજીકથી પહેલીવાર જોયા હતા. ઘડીભર પરસેવો વળી આવ્યો. તેણે ઝડપથી ડબ્બી અંદર મૂકી દીધી. સોનલને ફોન કરવા ખીસ્સામાંથી સેલફોન કાઢ્યો, આસપાસ શબ્દો પડઘાઈ રહ્યા, પ્રોમીસ કરો કે મને કદી ફોન નહીં કરો. 
સનતની આંખો સામે સોનલ ઝવેરી રમી રહી. (સમાપ્ત)
આભાર...   વાચક મિત્રો 
‘મુંબઈ સમાચાર’માં પ્રસિધ્ધ થયેલી મારી નવલકથા ‘હું સોનલ ઝવેરી’ને વાચકોએ વધાવી લીધી એનો આનંદ છે. હું ‘મુંબઈ સમાચાર’ના તંત્રી શ્રી નીલેશ દવે, મેગેઝિન એડિટર ભરત ઘેલાણી તથા સમગ્ર સ્ટાફનો આભારી છું. ફરી મળશું...
- માવજી મહેશ્વરી