Tue Apr 21 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ હોંગકોંગના કોફીન હાઉસ

2026-03-07 10:53:00
Author: Mumbaisamachar Team
Article Image

હેમંત વાળા

ગુજરાતીમાં કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા અને બીજું સુખ તે ઘરબાર કર્યા. કહેવત અનુસાર જીવનમાં તંદુરસ્તીનું મહત્ત્વ સૌથી વધુ છે અને તે પછી ઘરનું મહત્ત્વ છે. એક રીતે જોતાં આ બંને પરસ્પર સંકળાયેલાં પણ છે. જો આવાસમાં કુદરતી હવા-ઉજાસનું પ્રમાણ વધુ હોય તો તંદુરસ્તી જળવાય. વિશ્વના ધનિક ગણાતાં શહેરમાં જેની ગણના થાય છે તે હોંગકોંગના ઘણાં લોકો તંદુરસ્તી માટે જોખમકારક ગણી શકાય તેવાં ઘરોમાં રહેતાં હોય છે. આ ઘર એટલે કોફીન હાઉસ અર્થાત્‌‍ શબપેટી ઘર. 

અહીં એક ઓરડા જેટલી જગ્યામાં 10 થી 12, કે તેથી પણ વધારે, લોકો પોતાની સ્વતંત્ર જગ્યા નિર્ધારિત કરીને રહેતાં હોય છે. પરિણામે દરેક વ્યક્તિને એટલી ઓછી જગ્યા મળે કે આ પ્રકારના ઘરને શબપેટીનું નામ અપાયું છે. ઉપભોક્તાવાદની કડવી વાસ્તવિકતાનું આ સચોટ ઉદાહરણ છે. એક તરફ વિશ્વમાં જેની સતત ચર્ચા થઈ રહી હોય તેવા બહુમાળી આલીશાન મકાનો અને બીજી તરફ શબપેટી જેવાં ઘર. 

તે સાથે આ પ્રકારના ઘરનું ભાડું સમજી ન શકાય, સ્વીકારી ન શકાય તેટલું વધારે હોય છે. મજબૂર માનવી છતાં પણ ત્યાં રહેવા તૈયાર થાય છે. એક મોજણી પ્રમાણે સન 2007માં આશરે 53000 કરતાં વધુ લોકો આ પ્રકારના શબપેટી ઘરમાં રહેતાં હતાં. એક અંદાજ પ્રમાણે આ આંકડો આજે અઢી લાખ કરતાં વધારે છે.

આ પાંજરા જેવાં ઘરોમાં વ્યક્તિ જાણે પોતાને પૂરી દે છે. અહીં રહેનાર કેટલીક વ્યક્તિઓ સાથે કરાયેલ વાર્તાલાપથી એમ જણાય છે કે આ જગ્યાનો ઉપયોગ માત્ર સુવા માટે અને કેટલીક ન્યૂનતમ અંગત સામગ્રીને રાખવાં માટે જ કરાય છે. અમુક સ્થાને તો સંડાસ જેવી પ્રાથમિક સવલતો પણ નથી હોતી અથવા હોય તો તે અગવડતા જનક હોય છે. 

સામાન્ય દિવસે આ લોકો મોટાભાગનો સમય બહાર જાહેર સ્થાનમાં અથવા બગીચામાં પસાર કરે છે. જ્યારે લોકો આ શબપેટી ઘરમાં હોય ત્યારે મોબાઈલ તેમની માટે સૌથી વધુ જરૂરી બની રહે છે. ક્યારેક એમ માનવા મન પ્રેરાય કે આ પ્રકારના ઘર કરતાં તો જેલ સારી હોય, ફેર એટલો કે આ ઘરમાં વ્યક્તિને પોતાની, અતિ મર્યાદિત તો અતિ મર્યાદિત, પણ સ્વતંત્રતા હોય.

વાસ્તવિકતા એ છે કે એક બેડ જેટલી જગ્યામાં જ ડઝન એક વ્યક્તિઓ રહેતાં હોય છે, જાણે કે એકબીજા પર ખડકાયેલી અભરાઈઓમાં રહેતાં માનવી. અહીં બધું જ પરસ્પર સહકારથી વાપરવામાં આવે. અહીં એકબીજાને સાચવી લેવાની ભાવના દ્રઢ હોય. થોડીક અગવડતા બધાં જ ચલાવી લે. અહીં દરેક સમયે, દરેક બાબતે સમાધાન કરવું પડે. 

અહીં અપંગ માટે લગભગ કોઈ સ્થાન નથી. કેટલાક વૃદ્ધ લોકોએ પાંજરામાં તેમનાં જીવનને `મૃત્યુની પ્રતીક્ષા કરતી સ્થિતિ' તરીકે વર્ણવ્યું છે. ધનિક ગણાતા હોંગકોંગમાં પ્રોપર્ટીની તેજીની આ એક કાળી બાજુ છે, જ્યાં કેટલાંક લોકો એટલી નાની જગ્યામાં રહેતાં હોય કે વ્યક્તિ અહીં પોતાના પગને સંપૂર્ણ રીતે લાંબા ન કરી શકે.

અહીં કૌટુંબિક જીવનની સંભાવના નથી હોતી. અહીં વ્યક્તિગત પ્રસન્નતા માટેનો માહોલ નથી હોતો. અહીં તંદુરસ્તી બગાડવાની પૂરેપૂરી સંભાવના હોય છે. અહીં વ્યવસ્થિત હલનચલન પણ શક્ય નથી બનતું. શબપેટી ઘરમાં બધો જ સામાન ખડકલાંની જેમ રખાય અને તેથી માનસિક અશાંતિ ઊભી થાય. અહીં વીજળીનાં દોરડાં પણ આમતેમ ગોઠવાયેલાં હોય અને તેથી ક્યાંક અકસ્માત થવાની સંભાવના પણ રહે. 

આ પ્રકારની પરિસ્થિતિથી ક્યારેક આગ પણ લાગી શકે. આ ઘરમાં કુદરતી હવાની અવરજવરની સંભાવના ન હોવાથી અહીં ભેજનું પ્રમાણ પણ વધુ રહે. આ બધા સાથે અહીં ગીચતા વધુ હોવાથી, અકસ્માતના સમયે રાહત કાર્ય પણ મુશ્કેલ બની જાય. આવી પરિસ્થિતિમાં પણ લોકો રહેતા હોય છે તે પણ હોંગકોંગ જેવા શહેરમાં.

દરેક સરકારની જેમ અહીંની સરકાર પણ આ પરિસ્થિતિ માટે ચિંતિત છે. સરકાર નવાં નિયમો બનાવે છે. નવી સવલતો ઊભી કરે છે, ચોક્કસ પ્રકારનું આર્થિક પ્રોત્સાહન આપે છે, ખૂટતી બાબતોને અન્ય સ્થળે પહોંચાડવા પ્રયત્ન કરે છે, તે બધાં સાથે પણ પ્રશ્નનું નિવારણ નજીકના ભવિષ્યમાં તો દેખાતું નથી. માંગણી ઘણી વધુ છે અને પુરવઠાની માત્રા ઘણી ઓછી છે. એક મુખ્ય પ્રશ્ન તો જમીનનો છે. 

અહીં જરૂરિયાત કરતાં ઘણી ઓછી જમીન પ્રાપ્ય છે. આ જમીન પર કેટલાક સંપન્ન લોકોનો કબજો છે. બાકીની જમીનમાં અસરકારક બાંધકામ કરી બધાની જરૂરિયાતો સંતોષાય તે પ્રકારના સ્થાપત્ય-ઉકેલની જરૂર છે. સમાજ વ્યવસ્થા માટે તો આ પડકાર છે જ, ત્યાંની સરકાર માટે પણ આ સળગતો પ્રશ્ન છે, તેનાં કરતાં પણ વધારે આ પડકાર સ્થાપત્યનો છે.

ક્યારેક એમ જણાય છે કે સ્થપતિઓએ પોતાની મોટાભાગની ક્ષમતા ધનિક વર્ગ માટે અનામત રાખી છે. જો તેઓએ શરૂઆતથી જ આ પ્રકારનાં સામાજિક સમૂહ માટે, તેમનાં આવાસની અસરકારક અને ઈચ્છનીય વ્યવસ્થા માટે, ઉકેલ શોધવા પ્રયત્ન કર્યો હોત તો સમગ્ર વિશ્વમાં પરિસ્થિતિ જ જુદી હોત. નવી સામગ્રીની જરૂરિયાત છે, નવી તકનીક વિકસવી જોઈએ અને બંનેના સમન્વયથી નવી શૈલી પર કામ થવું જોઈએ. ક્યારે એમ લાગે છે કે સ્થપતિને આમાં રસ નથી.

ઘણાં પ્રશ્નો એવાં હોય છે કે જેનો ઉકેલ કોઈ એક સંસ્થાના પ્રયત્ન દ્વારા આવી ન શકે. આ સ્થાપત્યનો પ્રશ્ન છે, આ માનવતાનો પ્રશ્ન છે, આ માનવીય ગુણવત્તાનો પ્રશ્ન છે. ઉકેલ તો ગોતવાનો જ છે પરંતુ પ્રશ્નના મૂળ સુધી પણ જવું જરૂરી છે. પ્રશ્નનો કાયમી ઉકેલ શોધવો હોય તો આ પ્રશ્ન પાછળનાં કારણોની વ્યવસ્થિત તપાસ તો થવી જ જોઈએ.