Fri Jun 19 2026

Logo

કચ્છમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે ગરમીનો પ્રકોપ: ભુજ અને કંડલા ૪૧ ડિગ્રી સાથે રાજ્યમાં મોખરે

2026-06-03 11:11:00
Author: mumbai samachar team
Article Image

ભુજઃ સમગ્ર રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વેગવાન બનવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જિલ્લામાં હજુ આગામી ત્રણ દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે હળવો વરસાદ પડવાની સંભાવના વચ્ચે મહત્તમ તાપમાનનો પારો બેથી ચાર ડિગ્રી સુધી ઊંચકાઈ ગયો છે, જેના કારણે કાળઝાળ ગરમીની સાથે અસહ્ય ઉકળાટ અને બફારાનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે.

ભુજ તેમજ અંજાર-ગાંધીધામને આવરી લેતા કંડલા એરપોર્ટ ક્ષેત્રમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તાપમાનનો પારો અચાનક ઊંચકાવવાના કારણે આ બંને વિસ્તારો સમગ્ર ગુજરાત રાજ્યના સૌથી ગરમ મથકો તરીકે મોખરે રહ્યા હતા. મધ્યાહ્ન સમયે આકરા તડકાની સાથે હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાના લીધે લોકોએ અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો. પવનની ગતિ મંદ પડતાં અને બફારો વધતાં જનજીવન પરસેવે રેબઝેબ થઈ આકુળ-વ્યાકુળ બન્યું હતું.

બીજી તરફ, હવામાન વિભાગે જારી કરેલી નવીનતમ માર્ગદર્શિકા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી કચ્છના જુદા-જુદા વિસ્તારોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે, જેને પગલે પ્રશાસન દ્વારા ઓરેન્જ તેમજ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, આ અગાઉની આગાહીઓ છતાં છેલ્લા ચાર દિવસ દરમિયાન કચ્છ જિલ્લાના એકપણ વિસ્તારમાં વરસાદ નોંધાયો નથી, પરંતુ વાતાવરણમાં વ્યાપેલી વિષમતા આગામી દિવસોમાં મોટા ફેરફારના સંકેત આપી રહી છે. 

(ઉત્સવ વૈદ્ય)