હેમંત વાળા
જ્યારે જ્યારે હનુમાનજીનો જન્મ થાય ત્યારે દરેક જન્મમાં તેઓ હરિભક્ત-રામભક્ત તરીકે જ ઓળખાય. આ સમજી શકાય તેવી વાત છે. હનુમાનજીનું સમગ્ર જીવન શ્રીરામના કાર્ય માટે છે. તેમની સમગ્ર ભક્તિ શ્રીરામને સમર્પિત છે. તેમના પ્રત્યેક શ્વાસર્મૌ શ્રીરામનો મંત્ર સંભળાય છે. તેમના પ્રત્યેક ચિંતન સાથે શ્રીરામની છબી જોડાયેલી હોય છે. શ્રીરામ થકી તેમના જીવનને અર્થ મળ્યો છે. તેઓ દરેક સ્થાને શ્રીરામના દર્શન કરી શકે છે. તેમની માટે દરેક શાસ્ત્ર તથા તેમાં કહેવાયેલી વાતો શ્રીરામ તરફ દોરી જનારી છે. એમના રોમે રોમમાં શ્રીરામ સમાયેલા છે.
શ્રીરામ પ્રત્યેની તેમની ગતિ છે અને શ્રીરામ આધારિત તેમની મતિ છે. શ્રીરામ વગર જેમનું અસ્તિત્વ જ અસંભવ હોય તેવા હનુમાનજી દરેક જન્મમાં હરિભક્ત તરીકે સ્થાપિત થાય તે સ્વાભાવિક છે. પરંતુ પ્રશ્ન એ છે કે હનુમાનજી તો ચિરંજીવી છે. જે વ્યક્તિ મૃત્યુ પામે તેનો ફરીથી જન્મ થાય. હનુમાનજીનો ફરીથી જન્મ તો શક્ય જ નથી. હનુમાનજી પ્રલય સુધી અસ્તિત્વ ધારણ કરી રાખશે. જ્યાં તેમનું અસ્તિત્વ શાશ્વત હોય ત્યાં તેમનો આગળનો જન્મ કેવી રીતે શક્ય બને.
રામાયણમાં એક પ્રસંગ આવે છે. શ્રીરામ જ્યારે પોતાના ધામ પરત જવા તૈયારી શરૂ કરે છે ત્યારે હનુમાનજીનો પ્રશ્ન ઊભો થાય છે. હનુમાનજીનો એ આગ્રહ રહે છે કે આવી રીતે મને મૂકીને શ્રીરામ જઈ જ ન શકે. તે સમયે પૃથ્વીની અંદર એક તિરાડ ઊભી કરીને શ્રીરામ પોતાની વીંટી તેમાં સરકાવી દે છે. પછી હનુમાનજીને તે વીંટી પરત લાવવા માટે કહે છે. હનુમાનજી સુક્ષ્મ રૂપ ધારણ કરી તે તિરાડની અંદર પ્રવેશી, વીંટી લેવા માટે પૃથ્વીમાં ઊંડે ઊંડે ઉતરતા જાય છે. તે પાતાળ લોક સુધી પહોંચી જાય છે. ત્યાં નાગરાજ તેમને જણાવે છે કે તમારા દરેક અવતાર વખતે શ્રીરામ આજ રીતે તમને અહીં મોકલે છે.
નાગરાજ તેમને શ્રીરામની એવી જ વીંટીનો પહાડ બતાવે છે અને જણાવે છે કે દરેક ત્રેતાયુગમાં શ્રીરામ આ જ રીતે તમને સૃષ્ટિનું એક મહાન સત્ય સમજાવે છે. હનુમાનજી સમજી જાય છે કે શ્રીરામ દરેક ત્રેતાયુગમાં અવતાર ધારણ કરે છે અને તે વખતે તેમની સેવામાં પોતે પણ દરેક ત્રેતાયુગમાં ઉપસ્થિત રહે છે. સૃષ્ટિ કંઈ એક ત્રેતાયુગથી નિર્ધારિત નથી થઈ.
શ્રીરામ કંઈ એકવાર અવતરીત નથી થતા. એવી જ રીતે હનુમાનજી કઈ એકવાર જન્મ નથી લેતા. હનુમાનજીના પણ અનેક જન્મો છે અને શ્રીરામે પણ અનેક વખત અવતરણ કરેલું છે. અને તેથી જેટલી વાર હનુમાનજી જન્મ ધારણ કરી તેટલી વાર તેઓ શ્રીરામના ભક્ત તરીકે સ્થાપિત થાય. શરીરમાં પ્રત્યેક ક્ષણે અનેક કોષ નાશ પામે છે અને અનેક નવા ઉત્પન્ન થાય છે. નવો ઉત્પન્ન થનારો પ્રત્યેક કોષ જે તે વ્યક્તિના અસ્તિત્વનો ભાગ બની રહે છે.
શબરીના શરીરમાં જે કોષ નવા બને તે શબરી બની જાય અને જટાયુના શરીરમાં જે કોષ નવા બને તે જટાયુ બની જાય. આમ પ્રત્યેક ક્ષણે થોડીક શબરી જન્મ લે. આ પ્રત્યેક ઉમેરાયેલી શબરી, શબરીના તે ભાગનો, તે અંશનો, તે અસ્તિત્વનો નવો જન્મ છે. થોડા થોડા ભાગ સ્વરૂપે શબરી પ્રત્યેક ક્ષણે જન્મે છે અને પ્રત્યેક ક્ષણે મૃત્યુ પામે છે. આમ હનુમાનજી માટે પણ કહી શકાય. પ્રત્યેક ક્ષણે થોડા હનુમાનજી જન્મે છે અને જન્મેલો આ દરેક અંશ શ્રીરામ સમર્પિત હોય છે. તેવી જ રીતે પ્રત્યેક શ્વાસ પણ એક નવા જન્મ સમાન છે.
અસ્તિત્વ ત્રણ સ્તરનું હોય છે. સ્થૂળ, સૂક્ષ્મ તથા કારણ. જેમ સ્થૂળ અસ્તિત્વ જન્મને પામે છે તેમ સૂક્ષ્મ અસ્તિત્વ પણ જન્મને પામે છે. જેમ શરીર નવા નવા સ્વરૂપો ધારણ કરે તેમ મન, બુદ્ધિ, ચિત, અને અહંકાર-અંત:કરણની વિવિધ અવસ્થાઓ પણ નવા નવા સ્વરૂપો ધારણ કરે છે. મન પ્રત્યેક ક્ષણે નવો જન્મ ધારણ કરી શકે. મન આમ પણ ચંચળ હોવાથી દરેક સમયે તેનું સ્વરૂપ અને તેને સંલગ્ન પરિસ્થિતિ ભિન્ન ભિન્ન હોઈ શકે. બુદ્ધિનો પણ વિકાસ થાય અને તે નવા જન્મ સમાન હોય.
ચિત્તમાં સંગ્રહાયેલા સંસ્કાર પણ નવીનતા ધારણ કરતા રહે છે. અહંકાર પણ ભિન્ન ભિન્ન બાબતો સાથે સંકળાઈને વિવિધ પ્રકારની ઘટનાઓને આકાર આપતો રહે છે. આ બધી જ બાબતો અસ્તિત્વના નવા જન્મ સમાન ગણી શકાય. આવું કોઈપણ વ્યક્તિ માટે-અને તેથી હનુમાનજી માટે પણ શક્ય છે. ફેર એટલો કે હનુમાનજીના સૂક્ષ્મ અસ્તિત્વમાં ક્યારેય અશુદ્ધિ, વિકાર, અધર્મ, અસત્ય, દ્વેષ, રાગ, જેવી બાબતો પ્રવેશી પણ ન શકે. હનુમાનજીના અંત:કરણના વિવિધ સ્વરૂપો પણ સાત્વિક હોય.
શરીર જન્મે છે. આત્મા અજન્મા છે. જ્યારે કોઈપણ વ્યક્તિના જન્મની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે શરીરના જન્મની વાત હોય. પરંતુ હનુમાનજી માટે આમ નથી. હનુમાનજી રુદ્રનો અવતાર છે. આ અવતાર જન્મ-મરણના ફેરાથી બંધાયેલો ન હોય. આ અવતાર કર્મફળના સિદ્ધાંતને આધારે અસ્તિત્વમાં ન આવ્યો હોય. આ તો શિવજીની લીલા સમાન અવતાર છે. તેથી હનુમાનજી દરેક પ્રકારના બંધનથી મુક્ત હોય. સૃષ્ટિના સર્જનનો કે વિનાશનો, જીવનનો કે મૃત્યુનો, શાશ્વતતાનો કે ક્ષણભંગુરતાનો, કોઈપણ નિયમ તેમને લાગુ ન પડે.
તેથી એમ જણાય છે કે જહાં જન્મ હરિભક્ત કહાઇની વાત જનસમાજમાં ભક્તિનું મહત્વ સ્થાપિત કરવા કહેવામાં આવી હોય. શાસ્ત્રોમાં ઘણી વાતો એટલા માટે આલેખવામાં આવે છે કે કોઈને અને કોઈને તે મદદરૂપ થઈ રહે.
જહાં જન્મ હરિભક્ત કહાઇ જેવી બાબતો પ્રત્યે શંકા ઊભી કરવાને બદલે શ્રદ્ધા જન્માવવાની જરૂર છે. આવી બાબત બુદ્ધિની પહોંચ બહારનો વિષય હોય છે. હનુમાન ચાલીસા એ ભક્તિને દૃઢ કરવાનું માધ્યમ છે. ભક્તિથી વિપરીત વિચારોને તર્ક વડે ખંડિત કરી શકાય, પરંતુ અંતે તો શ્રદ્ધાના સહારે જ આગળ વધવું ઇચ્છનીય છે.