અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાની AI-171 ફ્લાઈટ ઉડાન ભર્યાની ગણતરીની સેકંડમાં જ તૂટી પડી હતી. 12 જૂન, 2025ના બનેલી આ ઘટનાને એક વર્ષ થયું છે. આ કમનસીબ દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવતી રહી હતો અને કુલ 260 લોકોનાં મોત થયા હતા.
વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ સીટ નંબર 11A પર બેઠેલા મુસાફર વિશ્વાસ કુમાર રમેશનો ચમત્કારિક બચાવ થયો હતો. પ્લેનના બે ટુકડા થઈ ગયા હતા અને થોડી જ વારમાં આગનો ગોળો બની ગયો હતો, સેંકડો લોકો એક પળમાં કાળનો કોળિયો બની ગયા હતા, પરંતુ આ બનાવમાં એક વ્યક્તિ બચી ગઈ, જે આજે પણ આઘાતમાંથી બહાર આવી શકી નથી.
એક સવાલ આ બધું મારી સાથે કેમ થયું?
ઘટનાના એક વર્ષ બાદ રમેશ તે ગોઝારાના દિવસને ભૂલી શક્યો નથી. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું, હજુ પણ અનેક એવા સવાલ છે, જેના જવાબ મળ્યા નથી. વિમાન દુર્ઘટનાવાળા દિવસે મારુ દુઃખ ખતમ થયું નહોતું. હું માનસિક આઘાત, મારા ભાઈને ગુમાવ્યાનું દુખ અને તેની સાથે જોડાયેલા વણઉકેલાયેલા સવાલો સાથે જીવી રહ્યો છું કે આ બધું મારી સાથે જ કેમ થયું.
આ ઉપરાંત તેણે કહ્યું, મને ખબર છે કે આ સવાલ માત્ર મારા મનમાં જ નહીં પરંતુ દુર્ઘટનાના દરેક પીડિત પરિવારોના મનમાં પણ છે. ઈમાનદારી, પારદર્શિતા અને જવાબ સૌથી વધારે જરૂરી છે. જે થયું તેને કોઈ બદલી ન શકે, પરંતુ પરિવારને હકીકત જાણવાનો હક છે.
માનસિક આઘાત લાગ્યો
દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ વિશ્વાસ કુમાર રમેશ માનસિક આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. તેણે આ ભયાનક દુર્ઘટનાના ઊંડા માનસિક આઘાત અને એકમાત્ર જીવતા બચી જવાના અપરાધ બોજથી ઝઝૂમી રહ્યો છે. થોડા દિવસ પહેલા પણ એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, નજર સમક્ષ જ ભાઈ અને સેંકડો મુસાફરોને ગુમાવવાના દુખની તેના દિમાગ પર ઊંડી અસર થઈ છે. ભીડભાડથી દૂર અને એકલા જ રહેવાનું પસંદ કરે છે. તે મોટાભાગનો સમય રૂમમાં જ બંધ રહે છે. ડિપ્રેશનના કારણે તે પત્ની અને બાળકો સાથે યોગ્ય રીતે વાત કરી શકતો નથી. આજે પણ તેને તે ભયાનક યાદોમાં ફસાયેલો હોય તેમ લાગે છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ રમેશ આર્થિક અને શારીરિક પરેશાનીઓનો સામનો કરતો હતો. તેના પીઠ, ખભા, ઘુંટણ અને હાથમાં ઈજા થઈ હતી. શરીરમાં દર્દ અને માનસિક આઘાતના કારણે તે કામ પર નથી જઈ શકતો અને કાર ચલાવવામાં અસમર્થ છે. ભાઈના નિધન અને ખુદ શારીરિક પરેશાન હોવાના કારણે તેને બિઝનેસ પડી ભાંગ્યો છે. તેનો પરિવાર 1000 પાઉન્ડમાં ઘર ચલાવવા મજબૂર બન્યો હતો. એર ઈન્ડિયા, ટાટા ગ્રુપથી તેને વળતર મળ્યું છે. પરંતુ બ્રિટિશ સકારે તેને સીધી અને વિશેષ સહાય નહોતી કરી.
કેવી રીતે થયો હતો બચાવ
વિમાન તૂટી પડવાની ક્ષણોમાં જ રમેશે 11A નંબરની પોતાની સીટબેલ્ટ ખોલી અને વિમાનની બોડીમાં અચાનક બનેલા એક ખુલ્લા ભાગમાંથી સરકીને બહાર નીકળી ગયા. આનાથી અકસ્માતમાં તેમણે પોતાનો જીવ બચાવ્યો. તેઓ બોઇંગ 787-8 ડ્રીમલાઇનરના આગળના ભાગમાં આવેલી ઇમરજન્સી એક્ઝિટવાળી સીટ 11A પર બેઠા હતા. એવિએશન એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ જગ્યા વિંગ બોક્સની નજીક હોય છે, જે હવાઈ જહાજના સૌથી મજબૂત ભાગોમાંની એક હોય છે.
શું બની હતી ઘટના?
બારમી જૂન 2025ના થયેલા પ્લેન ક્રેશમાં 260 લોકોના મોત થયા હતા, જેમાં 180 ભારતીય મુસાફરો, ક્રૂ મેમ્બર્સના 19 સભ્ય, આશરે 50 બ્રિટિશ નાગરિકો, પોર્ટુગીઝ અને કેનેડિયન નાગરિકો પણ સામેલ હતા. અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 બપોરે 1.38 વાગ્યાની આસપાસ ટેક-ઓફ કર્યાની 32 સેકન્ડની અંદર જ ક્રેશ થઈ હતી અને પ્રચંડ વિસ્ફોટ સાથે આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.