અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાતમાંથી શિયાળો વિદાય થવાની અણી પર છે. હાલ રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ફેબ્રુઆરીના અંતથી જ એપ્રિલ-મે મહિના જેવી ગરમીનો અનુભવ થશે. ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાવાથી રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો છે. ડીસામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી, રાજકોટમાં 32.5 ડિગ્રી, અમદાવાદમાં 32.2 ડિગ્રી, ગાંધીનગરમાં 31.8 ડિગ્રી, અમરેલીમાં 31.5 ડિગ્રી સુરેન્દ્રનગરમાં 31.2 ડિગ્રી, વડોદરામાં 31.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. જે મુજબ, 22 ફેબ્રુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. ઉત્તર ભારતમાં સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત પર માવઠાનું જોખમ તોળ ઈ રહ્યું છે. જેની અસર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. વલસાડ અને નવસારી જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ પડી શકે છે.
મહારાષ્ટ્રમાં કેવો રહેશે મોસમનો મિજાજ
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. વહેલી સવારે થોડા અંશે ઠંડક અનુભવાતી હોવા છતાં, બપોરના સમયે આકરા તડકાના કારણે આગામી કેટલાક દિવસો સુધી નાગરિકોએ અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડશે. મુંબઈમાં મહત્તમ તાપમાનની સાથે લઘુત્તમ તાપમાનનો પારો પણ વધવાને કારણે શહેરમાં સવારે અનુભવાતી ઠંડક પણ ઓછી થઈ ગઈ છે.
દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના અનેક રાજ્યોમાં મોસમનો મિજાજ બદલાશે. હવામાન વિભાગ મુડબ, આજે વેસ્ટર્ન હિમાલય વિસ્તારમાં મધ્યમ બરફવર્ષા થઈ શકે છે. જ્યારે મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ, ગાજવીજ સાથે વરસાદ અને વીજળીના કડાકાભડાક થવાની સંભાવના છે.
આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવો વરસાદ અથવા બરફવર્ષા થવાની શક્યતા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવો વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદની સાથે કેટલાક સ્થળોએ કરા પડવાની પણ આશંકા છે. આ સમય દરમિયાન 30–40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ અને વીજળીના કડાકા થવાની શક્યતા છે. દિલ્હી-એનસીઆરમાં પણ હળવા વરસાદની શક્યતા છે.
દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ધીમે-ધીમે વધી રહ્યું છે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, ઓડિશા, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં લઘુત્તમ તાપમાન 7-12 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, ગાંગેય પશ્ચિમ બંગાળ, પૂર્વોત્તર ભારતમાં તાપમાન 12-15 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને માહેમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 19 ફેબ્રુઆરી સુધી ઓડિશા, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યનમમાં કેટલાક સ્થળોએ સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા છે. એટલે કે, આ વિસ્તારોમાં હજુ પણ ઠંડીનું જોર યથાવત છે.