Mon Aug 17 2026

Logo

રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ

2026-08-10 09:19:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નાઉકાસ્ટ મુજબ, આગામી ત્રણ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ તૂટી પડશે. જે મુજબ  દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ દરમિયાન 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને વડોદરા તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્ય પર 4 વરસાદી સિસ્ટમ સક્રિય

ગુજરાત પર 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.  લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આ સપ્તાહે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 4 સિસ્ટમ સક્રિય થવાના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે. જેના કારણે આગામી દિવસોમાં વીજળીના કડાકા, ભડાકા સાથે વરસાદ પડશે.  કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

સવારના બે કલાકમાં 5 તાલુકામાં ઝરમર વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે સવારે 6 થી 8 કલાકના સમયગાળા દરમિયાન 5 તાલુકામાં વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુરના કવાંટમાં 0.24 ઇંચ, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 0.12 ઇંચ, ડાંગના સુબીરમાં 0.08 ઇંચ, નવસારીના ખેરગામ તથા છોટાઉદેપુરના કડવાલમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આજે ક્યાં છે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા, આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી, ડાંગ, તાપી, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદાર, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, મહીસાગર, અરવલ્લીના ઘણી સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ-થરાદમાં કેટલાક સ્થળોએ હવાથી મધ્યમ વરસાદની આગાહી છે.