Thu Jun 18 2026

Logo

સ્માર્ટ મીટરના વિરોધમાં ઘેરાયેલી સરકારે વિધાનસભામાં સ્માર્ટ મીટરના કર્યા ભરપેટ વખાણ....

2026-02-28 15:39:34
Author: Devayat
Article Image

અમદાવાદ: ગુજરાતમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાના નિર્ણયનો ખૂબ મોટા પાયે વિરોધ મચ્યો હતો. આ મામલે આરટીઆઈ પણ થઈ હતી અને તેમાં ખુલાસો થયો હતો કે વીજ ગ્રાહકે ‘સ્માર્ટ મીટર’ લગાવવું તેવો કોઇપણ હુકમ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી થયો નથી. આ વિવાદની વચ્ચે એક મોટા કલાકારે સ્માર્ટ મીટરના ફાયદા ગણાવ્યા હતા અને તેઓ પણ ટીકાની ઝપટે ચડી ગયા હતા. ત્યારે હવે વિધાનસભામાં સરકારે સ્માર્ટ મિટરના ભરપૂર વખાણ કર્યા છે. 

માણસાના ધારાસભ્ય જયંતિ પટેલ દ્વારા સ્માર્ટ મીટર અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉર્જા પ્રધાને સ્પષ્ટતા કરી છે કે સ્માર્ટ મીટર ટેકનિકલી અત્યારના સામાન્ય મીટર જેવા જ છે. બંને મીટર સમાન સિદ્ધાંત મુજબ વીજ પ્રવાહની નોંધણી કરે છે, તેથી ગણતરીમાં કોઈ ભેદ નથી. સ્માર્ટ મીટરની વિશેષતા એ છે કે તેમાં કોમ્યુનિકેશન ડિવાઈસ હોવાથી વીજ વપરાશના યુનિટ્સ મીટરના સ્ક્રીન ઉપરાંત મોબાઈલ એપ કે કોમ્પ્યુટર પર પણ લાઈવ જોઈ શકાય છે.

રીયલ-ટાઈમ મોનિટરિંગ અને બચતની તક
સરકારે દાવો કર્યો હતો કે સ્માર્ટ મીટરના અમલીકરણથી વીજ ગ્રાહકોને અનેક ફાયદાઓ થશે. ગ્રાહકો ખાસ મોબાઈલ એપની મદદથી પોતાના વીજ વપરાશને રીયલ-ટાઇમમાં ટ્રેક કરી શકશે, જેનાથી તેઓ પોતાના આર્થિક બજેટ મુજબ વીજળીના ઉપયોગનું આયોજન કરી શકશે. આ સુવિધાને કારણે વીજ વપરાશમાં ઘટાડો કરી આર્થિક બચત કરવાનું ગ્રાહકો માટે સરળ બનશે.

ખામીયુક્ત ઉપકરણોની ત્વરિત ઓળખ
જવાબમાં આગળ જણાવવામાં આવ્યું હતું કે ઘણીવાર વીજ ઉપકરણોમાં ટેકનિકલ ખામીને કારણે અચાનક વીજ વપરાશ વધી જતો હોય છે, જેની જાણ સામાન્ય મીટરમાં મહિનાના અંતે બિલ આવે ત્યારે જ થાય છે. સ્માર્ટ મીટર દ્વારા ગ્રાહક કોઈપણ સમયે પોતાનો વપરાશ ચેક કરી શકતા હોવાથી, ઉપકરણોની ખામીને કારણે થતા અચાનક વધારાને તુરંત પકડી શકશે. આ સુવિધા ગ્રાહકોને બિનજરૂરી મોટા બિલથી બચાવવામાં મદદરૂપ સાબિત થશે.

બિલ ભરવા માટે ઓનલાઈન-ઓફલાઈન વિકલ્પો
સરકારે આગળ જણાવ્યુ હતું કે સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે બિલની ચુકવણી અત્યંત સરળ બનાવવામાં આવી છે. ડિજિટલ માધ્યમોમાં UPI, નેટ બેંકિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ, વોટ્સએપ અને વિવિધ મોબાઈલ એપની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, જે ગ્રાહકો ઓફલાઈન પેમેન્ટ કરવા માંગે છે તેમના માટે કેશ કલેક્શન વિન્ડો, બેંક કાઉન્ટર, ગ્રામ પંચાયત કચેરીઓ, કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) અને ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ જેવા પરંપરાગત વિકલ્પો પણ કાર્યરત રાખવામાં આવ્યા છે.