Mon May 25 2026

Logo

તાલુકા પંચાયતમાં ભાજપની રમત; ભરૂચમાં ભાજપ-કોંગ્રેસ એક, લાઠીમાં કોંગ્રેસને હરાવવા AAPને સુકાન

2026-05-25 15:24:00
Author: mumbai samachar team
Article Image

અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં અનોખા સમીકરણો રચાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે બહુમતીથી જીતનાર ભાજપ માટે રોટેશન અને અનામતના ગણિતના કારણે સત્તા બચાવવા ભાજપે ક્યાંક કટ્ટર હરીફ કોંગ્રેસ સાથે જવું પડ્યું તો આમ આદમી પાર્ટી (AAP)ના શરણે જવું પડ્યું છે. આણંદમાં પણ હાઈકોર્ટ પહોંચીને ભાજપે જીત મેળવી છે. રોટેશન અને એસ સી. અનામતના કારણે ભાજપ કેટલીક પંચાયતોમાં જીત છતાં સત્તા મેળવી શકી નથી. 

લાઠીમાં આપના ઉમેદવારને ભાજપે ટેકો જાહેર કરી દીધો

લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ મુદ્દે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ મોટો ખેલ પાડ્યો છે. કોળી સમાજમાંથી આવતા અને આપમાંથી ચુંટાયેલા સદસ્યને ભાજપે પ્રમુખ પદ સોંપી દીધું છે. હિરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હોવાની ચર્ચા છે. લાઠી તાલુકા પંચાયતમાં ભાજપના સમર્થનથી આપમાંથી વિજેતા થયેલ સદસ્ય પ્રમુખ બન્યા છે. 
 
દાહોદની એક પંચાયતમાં આપના પ્રમુખ અને ભાજપના ઉપપ્રમુખ

ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદની હાઈવોલ્ટેજ ચૂંટણી પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે. પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પર ભાજપ-આપને 12-12 મત મળતા ભારે રોમાંચ સર્જાયો હતો. બંને પદ માટે ટાઈ થતાં આખરે કાયદાકીય જોગવાઈ મુજબ ચિઠ્ઠી ઉછાળીને વિજેતા નક્કી કરાયા હતા. પ્રમુખ પદની ચિઠ્ઠીમાં આમ આદમી પાર્ટીના સોનલબેન ભુરીયાનું નામ નીકળતા તેઓ પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા છે.   

ઉપપ્રમુખ પદની ચિઠ્ઠીમાં ભાજપના નયન બારીયાનું નામ ખુલતા તેઓ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા. ધાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ આપના ફાળે અને ઉપપ્રમુખ પદ ભાજપના ફાળે જતાં સત્તાનું અનોખું સમીકરણ રચાયું છે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બચુ ખાબડના ગઢમાં પ્રમુખ પદ ગુમાવીને ભાજપને મોટો રાજકીય ફટકો વેઠવો પડ્યો છે. ચિઠ્ઠીના સહારે બંને પક્ષોને એક-એક પદ મળતા ધાનપુરમાં દિવસભર ચાલેલા હાઈડ્રામાનો અંત આવ્યો છે.

અરવલ્લી : મેઘરજમાં ભાજપે કોંગ્રેસનો ખેલ પાડ્યો

મેઘરજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની વધુ બેઠકો છતાં ભાજપે સત્તા મેળવી લીધી છે. કોંગ્રેસના 11 સભ્યોમાંથી બે સભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. એક અપક્ષ તેમજ બે કોંગ્રેસના સહિત 13 બેઠકો સાથે ભાજપને સત્તા મળી ગઈ છે. 

ગીર સોમનાથ: કેબિનેટ મંત્રીના ગઢમાં કોંગ્રેસનું શાસન

કોડીનાર તાલુકા પંચાયતમાં અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા અને દિનુ સોલંકીના ગઢમાં હવે કોંગ્રેસની સત્તા આવી ગઈ છે. અપક્ષ ઉમેદવાર અસ્મિતા જાદવે કોંગ્રેસ પક્ષને ટેકો જાહેર કર્યો છે. 

ભરૂચમાં 'આપ'ને રોકવા ભાજપ-કોંગ્રેસનું ગઠબંધન!

ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતમાં આપને સત્તા સ્થાનેથી દુર રાખવા ભાજપ-કોંગ્રેસ ગઠબંધન કર્યું છે.  પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા ચૂંટાયા તો ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નયના પ્રજાપતિએ પદ સંભાળ્યું છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 16  પૈકી 8 બેઠક આપ, 7 બેઠક ભાજપ અને 1 બેઠક  કોંગ્રેસે જીતી હતી. આપના 1 સભ્યનું નિધન થયું હતું. ભાજપે સત્તા ટકાવી રાખવા કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. 

દાંતા અને વડગામમાં અપક્ષના સહારે સત્તા

બનાસકાંઠાના વડગામ અને દાંતા તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી ભાજપે સત્તા મેળવી લીધી છે; વડગામ તાલુકા પંચાયતમાં કુલ 28 બેઠક પૈકી કોંગ્રેસ પાસે 14 બેઠક હતી. જ્યારે ભાજપ પાસે 13 અને 1 બેઠક અપક્ષના ફાળે હતી. છેલ્લી ઘડીએ કોંગ્રેસના 14માંથી 1 સભ્ય ગેરહાજર રહેતાં કોંગ્રેસનું ગણિત બગડ્યું અને પલ્લું ભાજપ તરફ નમ્યું હતું. દાંતા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના એક મહિલા સભ્ય ગેરહાજર રહેતાં પંચાયત ગુમાવવાનો વારો આવ્યો છે.