ગાંધીનગર: ગુજરાત ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય છે. અંકલેશ્વર, ખંભાત અને મહેસાણા મુખ્ય તેલક્ષેત્રો છે, જ્યારે GSPL અને GGL જેવી કંપનીઓ પાઇપલાઇન દ્વારા ગેસ વિતરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલી માહિતી અનુસાર, રાજ્યમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસના ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી જોવા મળી છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાને જણાવ્યું હતું કે, તા. ૩૧/૧૨/૨૦૨૫ની સ્થિતિએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬માં રાજ્યમાં મોટા પાયે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસનું ઉત્પાદન થયું છે.
આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાજ્યમાં ૫૨,૮૩,૧૭૦ મેટ્રિક ટન ક્રુડ ઓઇલ અને ૭૪,૨૫,૬૫,૩૩૮ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસનું ઉત્પાદન નોંધાયું હતું, જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬ના ડિસેમ્બર સુધીના સમયગાળામાં ૩૮,૭૦,૮૩૭ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ અને ૫૩,૧૮,૦૫,૯૦૭ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસનું ઉત્પાદન થયું છે. આ ઉત્પાદન આંકડાઓ રાજ્યની ઊર્જા સુરક્ષામાં મહત્વનો ફાળો આપી રહ્યા છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસના વેચાણથી રાજ્ય સરકારની તિજોરીમાં પણ મોટી આવક થઈ છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ઓઇલ રોયલ્ટી પેટે રૂ. ૩૪૨૮.૮૩ કરોડ અને કુદરતી ગેસ પરની રોયલ્ટી પેટે રૂ. ૨૩૧.૫૨૮ કરોડની આવક થઈ હતી.
તે જ રીતે વર્ષ ૨૦૨૫-૨૬ના અત્યાર સુધીના ગાળામાં ઓઇલ રોયલ્ટીમાંથી રૂ. ૨૩૪૮.૫૨૮ કરોડ અને કુદરતી ગેસની રોયલ્ટીમાંથી રૂ. ૧૭૦.૫૭૭ કરોડ રાજ્ય સરકારને પ્રાપ્ત થયા છે. આમ, કુદરતી સંસાધનોના ઉત્ખનન દ્વારા રાજ્યના વિકાસ માટે જરૂરી આર્થિક ભંડોળ એકત્ર કરવામાં આ ક્ષેત્ર મહત્વનું સાબિત થયું છે