અમદાવાદઃ કર્ણાટકના બેંગલોરમાં વરસાદી વાતાવરણ જામ્યાના અહેવાલો વચ્ચે ગુજરાતના પાટણમાં પણ વરસાદ વરસ્યો હતો. ગુજરાતના મોટાભાગના શહેરોમાં 40થી 43 ડિગ્રી જેટલી ગરમી છે અને છેલ્લા ત્રણ ચાર દિવસથી સખત તાપ શહેરીજનો સહન કરી રહ્યા છે, તેવામાં પાટણમાં હાવમાન બદલાયું હતું અને વરસાદના જોરદાર ઝાંપટા આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં તોફાની પવન સાથે વરલાદ વરસ્યો હતો. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયું હોવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જોકે પાટણ સિવાય અન્ય સ્થળોએ વરસાદ વરસ્યાના અહેવાલો મળ્યા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો હતો. બુધવારે ગરમીમાંથી થોડી રાહત શહેરીજનોએ અનુભવી હતી. રાજકોટમાં 43 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 42.6, અમરેલીમાં 42.1, ગાંધીનગરમાં 42.2, વડોદરા, ભાવનગર ડિસામાં 40 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાયું હતું.