Thu Jun 18 2026

Logo

ગુજરાતમાં મેરેજ સર્ટિફિકેટમાં લગાવાશે દંપતીનો ફોટો, બાયોમેટ્રિક કરાશે ફરજિયાત, જાણો ક્યારથી થશે અમલ

2026-04-14 09:14:00
Author: MayurKumar Patel
Article Image

 

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં  પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરતો કાયદો રજૂ કરાયો હતો. ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો હતો.  ગુજરાત સરકાર મેરેજ સર્ટિફેક્ટમાં વર અને કન્યાના ફોટા લગાવવા પર વિચારણા કરી રહી છે, જોકે આ અંગેનો નિર્ણય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ લેવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દસ્તાવેજની  ઓથેન્ટિસિટી વધારવા મેરેજ સર્ટિફિકેટમાં બાયોમેટ્રિક ફીચર્સ પણ ઉમેરવામાં આવી શકે છે. પાસપોર્ટ, મિલકતની નોંધણી, કાયદેસરના વારસાના દસ્તાવેજો તથા અન્ય સરકારી પ્રક્રિયાઓમાં લગ્નનું પ્રમાણપત્ર એક જરૂરી દસ્તાવેજ છે. મેરેજ સર્ટિફિકેટમાં આ એક મહત્વપૂર્ણ ફેરફાર હશે.  હાલમાં આચારસંહિતા લાગુ હોવાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા પછી તેનો અમલ કરવામાં આવશે.

કેમ લેવાયો આ નિર્ણય?

સૂત્રોએ જણાવ્યું હતું કે ફોટા સામેલ કરવાનો પ્રસ્તાવ તાજેતરના મહિનાઓમાં લગ્ન પ્રમાણપત્રો આપવામાં થયેલી છેતરપિંડીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. કરીને પંચમહાલ જેવા જિલ્લાઓમાં આવી ઘટનાઓ વધુ જોવા મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંચમહાલમાં 2024 થી 2026 દરમિયાન 4,600 થી વધુ નકલી પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા હતા.


સૂચનો અને વાંધાઓ

આ વર્ષે ફેબ્રુઆરીમાં, સરકારે નિયમોમાં સુધારા જાહેર કર્યા હતા જેમાં દંપતીના માતા-પિતાને જાણ કરવાનો સમાવેશ થાય છે અને નાગરિકો તથા સંસ્થાઓ પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવ્યા હતા. પ્રસ્તાવિત ફેરફારો પર સરકારને વિવિધ પ્રતિભાવો મળ્યા હતા. જેમાં નાગરિકોએ જે બાળકો માતા-પિતાની સંમતિ વિના લગ્ન કરે તેમને વારસામાંથી બાકાત રાખવા, નોંધણી વખતે માતા-પિતા નેની પ્રત્યક્ષ હાજરી અનિવાર્ય બનાવવી તથા છોકરીના રહેઠાણના અધિકારક્ષેત્રમાં જ લગ્નની નોંધણી કરવી જેવા સૂચનો કર્યા હતા.

બીજી તરફ, સૂચિત ફેરફારોના વિરોધમાં એવું કહેવામાં આવ્યું કે નોંધણી પ્રક્રિયા દરમિયાન માતા-પિતાને જાણ કરવી તે વ્યક્તિગત સ્વતંત્રતા અને ગોપનીયતા ના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. સરકારને એવી રજૂઆતો પણ મળી છે કે આ ફેરફારો એક સામાન્ય નોંધણી પ્રક્રિયાને સર્વેલન્સમાં ફેરવી નાખશે અને સાર્વજનિક પોર્ટલ પર લગ્નની વિગતો અપલોડ કરવાથી ગોપનીયતાનો ભંગ થશે.

લગ્ન નોંધણીમાં કયા પુરાવા આપવા પડશે

લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, ફોટો ઓળખપત્ર આપવાના રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓના પ્રેમલગ્ન અને ત્યારબાદ પરિવારોમાં સર્જાતી પીડા અંગે સામાજિક આંદોલનો ચાલી રહ્યા હતા. ખાસ કરીને પાટીદાર સમાજ અને અન્ય ક્ષત્રિય-ઠાકોર સમાજની સંસ્થાઓએ  લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ તેમજ લગ્ન જે તે સ્થાનિક વિસ્તાર (ગામ કે તાલુકા) માં જ નોંધવા જોઈએ તેવી લાંબા સમયથી માંગ કરી હતી.