Thu Jun 11 2026

Logo

સ્થાનિક સ્વરાજ ચૂંટણી ક્યારે, સત્તાધારી પાર્ટી અને વિપક્ષો વચ્ચે 'ખરાખરીનો જંગ'; 'પલ્સ ઓફ ગુજરાત' સર્વે શું કહે છે?

2026-03-25 22:48:07
Author: Vimal Prajapati
Article Image

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષો મેદાનમાં આવી ગયા છે. ગુજરાતમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશન, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે ચૂંટણીઓની તૈયારીઓને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આખરી ઓપ આપી દીધો છે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તારીખો અંગે હજી કોઈ અટકળો આવી નથી, પરંતુ 15 મે સુધીમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરે તો નવાઈ નહીં.

કેટલાક પરિબળોના કારણે ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માર્ચ મહિનામાં પૂર્ણ કરવાનો ચૂંટણી પંચનો વિચાર હતો, પરંતુ કેટલાક પરિબળોના કારણે ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ થયો છે. એટલે હવે એપ્રિલની શરૂઆતમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે અને એપ્રિલમાં જ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણી માટે સત્તાધારી પાર્ટી સાથે વિપક્ષ પણ એડી ચોટીનું જોર લગાવવા માટે મથામણ કરી રહ્યું છે. 

શું કહે છે 'પલ્સ ઓફ ગુજરાત 2026 સર્વે'?

થોડી સમય પહેલા જ પલ્સ ઓફ ગુજરાત 2026 અંતર્ગત એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાં કઈ પાર્ટીને લોકો વધારે પસંદ કરે છે તેનો સર્વે કરવામાં આવ્યો હતો. 'પલ્સ ઓફ ગુજરાત 2026 સર્વે' પ્રમાણે ભાજપ 49.5% 'વોટ શેર' સાથે રાજ્યમાં પ્રથમ સ્થાને છે. જ્યારે વિપક્ષની વાત કરવામાં આવે તો, કોંગ્રેસનો વોટ શેર ઘટીને 17.3% પર આવી ગયો છે. જ્યારે ગુજરાતમાં AAP (આમ આદમી પાર્ટી)નો અંદાજિત વોટ શેર વધીને 24.8% થયો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે કોંગ્રેસ કરતા પણ આગળ નીકળી ગઈ છે. આપ અને કોંગ્રેસ અત્યારે વર્ચસ્વની લડાઈ રમી રહ્યાં છે. તેવામાં હવે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ વિપક્ષી પાર્ટી વધુ સારું પર્ફોમન્સ કરશે તેના પર દરેકની નજર રહેવાની છે. 

આ ચૂંટણીમાં વિપક્ષ કેવા પ્રયાસો કરશે? 

સૂત્રોના જણાવ્યાં પ્રમામે ગુજરાતની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિપક્ષ મરણિયા પ્રયાસ કરશે તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા પોતાનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે, પરંતુ કોંગ્રેસ દ્વારા હજી તે અંગે માત્ર બેઠકો જ થઈ રહી છે. ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ફોકસ કરવાની જગ્યાએ કોંગ્રેસ અત્યારે કેન્દ્ર સરકારની નીતિઓ અંગે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવી રહી છે. જેના કારણે હવે કોંગ્રેસ સ્થાનિક કક્ષાએ લોકોનો વિશ્વાસ ગુમાવી શકે છે.

આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિરોધ સાથે સાથે ચૂંટણીનો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ જનતાને ટિકિટો આપીને ગુજરાતના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત કરી છે. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ સામાન્ય લોકોને ટિકિટ આપીને લોકોનો વિશ્વાસ જીતવા માંગે છે અને ભાજપને માત આપવાનું સપનું સેવે છે. 

સત્તાધારી પાર્ટી જનતા રિઝવવા કોઈ કમી રાખશે નહીં.

ભાજપ અત્યારે સત્તામાં છે એટલે સત્તાધારી પાર્ટી જનતાને રિઝવવામાં કોઈ કમી રાખશે નહીં તેવું સૂત્રો કહી રહ્યાં છે. આ સાથે નિષ્ણાતો માને છે કે, કોઈ નવી વ્યક્તિને સત્તામાં આવવું સહેલું છે, પરંતુ સત્તામાં રહેલાને ફરી સત્તામાં આવવું અઘરૂ રહેતું હોય છે. એટલે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપ માટે પડકાર જનત રહી શકે છે. 

જો કે, ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની સફળ નીતિઓ અને યોજનાઓનો હવાલો આપીને મત માંગવામાં આવી રહ્યાં છે. ભાજપ દ્વારા સોશિયલ મીડિયા જ નહીં પરંતુ સ્થાનિક કક્ષાએ પણ કાર્યકર્તાઓ દ્વારા મજબૂત રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ આખરે પરિણામ કેવું આવશે તેની જાણ તો ચૂંટણી ટાણે જાણવા મળશે!